જાગ્રત દેત્રોજા નામનો દસ વર્ષનો બાળક ફોર્મ્યુલા વન કાર્ટ રેસિંગમાં યુરોપમાં ભારતનો ડંકો વગાડે છે
મૂળ મોરબીમાં જન્મેલા જાગ્રત દેત્રોજા નામનો દસ વર્ષનો બાળક, યુરોપમાં ફોર્મ્યુલા વન કાર્ટ રેસિંગમાં ભારતનો ડંકો વગાડે છે. વર્ષ 2020થી જાગ્રત સ્પેનમાં ફોર્મ્યુલા વન કાર્ટ રેસિંગમાં ભાગ લે છે. અલગ-અલગ ચેમ્પિયનશિપમાં ચેમ્પિયન બનીને યુરોપમાં ભારતનો એકમાત્ર ફોર્મ્યુલા વન કારનો ડ્રાયવર બન્યો છે.
7 વર્ષની ઉંમરથી જ જાગ્રત કાર રેસિંગની શરૂઆત કરી હતી. પહેલા ઇલેક્ટ્રિક કાર લીધી ત્યારબાદ બરોડામાં પ્રેક્ટિસ કરી જેમાં તેને સારી સફળતા મળ્યા બાદ બેંગ્લોર અને હૈદ્રાબાદમાં નેશનલ ચેમ્પિયનશિપમાં ભાગ લઇ સારું પ્રદર્શન કર્યું હતું. યુરોપમાં ફોર્મુલા વન રેસિંગમાં ભવિષ્ય હોવાથી માતા-પિતા સ્પેનમાં સ્થાયી થયા અને આજે વર્ષ 2020 અને 2021ની અલગ-અલગ ચેમ્પિયનશિપમાં જાગ્રતે ભારતનું નામ રોશન કર્યું છે. જાગ્રત યુરોપમાં નંબર વન ફોર્મ્યુલા કાર રેસર બનવા માગે છે અને તેના માટે હાલ ખુબ જ મહેનત કરી રહ્યો છે.
પિતાનું સપનું કર્યું સાકાર
જાગ્રતના પિતા મયુર દેત્રોજા એક બિઝનેસમેન છે. પોતાના બિઝનેસ માટે ઓસ્ટ્રેલિયા રહેતા હતા ત્યારે તેઓને ફોર્મુલા કાર રેસિંગ જોવાનો શોખ હતો. જાગ્રત પણ તેના પિતા સાથે આ કાર રેસિંગ જોવા માટે સાથે જતો હતો. ત્યારે તેને પણ આ કાર રેસિંગમાં રસ ઉદ્દભવ્યો હતો. પિતાના શોખને પૂરા કરવા માટે જાગ્રતએ સખત પરિશ્રમ કરી કાર રેસિંગ માટે દુનિયાના સૌથી શ્રેષ્ઠ ગણાતા સ્પેનમાં કાર રેસિંગમાં ભાગ લઈ રહ્યો છે. જાગ્રતના પિતાની ઈચ્છા છે કે તે ચેમ્પિયન બનીને દેશનું નામ રોશન કરે.
પ્રેક્ટિસ-ચેમ્પિયનશીપમાં લઇ જવાની જવાબદારી માતા પર
જાગ્રતને સ્પેનમાં અલગ-અલગ ચેમ્પિયનશિપ માટે સતત ટ્રાવેલિંગ કરવું પડે છે. જે માટે તેના માતા સતત સાથે રહીને જાગ્રતને યુરોપના અલગ અલગ પ્રદેશોમાં જઇ ચેમ્પિયનશિપમાં ભાગ લેવા સાથ આપે છે. માત્ર 10 વર્ષની ઉંમરે F1 કાર રેસિંગમાં સ્થાન પ્રાપ્ત કરીને જાગ્રતે દેશનું નામ રોશન કર્યુ છે અને F1 રેસમાં ચેમ્પિયન બને તેવુ સપનું છે.