ઓનલાઈન કે ઓફલાઈન પેપર ન આપી શકનાર છાત્રોને ફરી મળશે ચાન્સ, બદલાયા નિયમો
ગુજરાત યુનિ.દ્વારા 6ઠ્ઠી જુલાઈથી યુજી સેમ.1ની ઓફલાઈન પરીક્ષાઓ લેવામા આવનાર છે ત્યારે અગાઉની ઓનલાઈન પરીક્ષાઓમાં જે વિદ્યાર્થી પરીક્ષા ન આપી શક્યા હોય તેઓ આ ઓફલાઈન પરીક્ષા આપી શકશે.જે વિદ્યાર્થીઓએ ઓનલાઈન પરીક્ષાનો વિકલ્પ પસંદ કર્યો હોય તેઓ પણ આ ઓફલાઈન પરીક્ષા આપી શકશે.
6ઠ્ઠીથી લેવાનાર સેમ-1ની પરીક્ષાઓ માટે યુનિ.ની સૂચનાઓ
ગુજરાત યુનિ.દ્વારા વિદ્યાર્થીઓને ખાસ વધુ એક તક આપતા અને તેમને વધુ સરળતા આપતા સૂચનાઓ જાહેર કરાઈ છે. જે મુજબ બી.કોમ, બીબીએ, બીસીએ અને બીએસસી તેમજ બીએડ સેમ.1ની ઓનલાઈન પરીક્ષાઓમાં જે વિદ્યાર્થીઓ હાજર ન રહી શક્યા હોય કે ટેકનિકલ ખામીથી પરીક્ષા ન આપી શક્યા હોય અને બેથીત્રણ પેપર આપ્યા હોય તો આ ઓફલાઈન પરીક્ષા તમામ પેપરોમાં કે બાકી રહેલા પેપરોમા આપી શકાશે.
કેટલાક પેપર ઓનલાઈન આપ્યા હશે તો પણ બાકીના પેપર ઓફલાઈનમાં આપી શકાશે : યુનિ. દ્વારા હૉલ ટિકિટ જાહેર
પરંતુ અગાઉ ઓનલાઈન પરીક્ષાના તમામ પેપરો આપ્યા બાદ ફરીથી આ ઓફલાઈન પરીક્ષા આપી નહી શકાય.જે વિદ્યાર્થી 18મી માર્ચે ઓફલાઈન પરીક્ષાનું પ્રથમ પેપર ન આપી શક્યા હોય તેઓ પણ આ પરીક્ષા આપી શકશે. યુનિ.દ્વારા નવી બેઠક વ્યવસ્થા અને હોલ ટીકિટ જાહેર કરી દેવાયા છે.જ્યારે લૉ ફેકલ્ટીની 6ઠ્ઠીથી લેવાનારી ઓનલાઈન પરીક્ષા માટે વિદ્યાર્થીઓની યાદી જાહેર કરાઈ છે.જેમાં જે વિદ્યાર્થીનું નામ ન હોય તેઓએ યુનિ.ને જાણ કરવાની રહેશે.