અમદાવાદ શહેરનો વિકાસ હવે નવી ઉંચાઈને આંબશે, 22 માળની 3 બિલ્ડિંગોને મળી ગઈ સૈદ્ધાંતિક મંજૂરી
અમદાવાદ શહેરનો વિકાસ હવે નવી ઉંચાઈને આંબવા તરફ આગળ વધી રહ્યો છે. સાબરમતી રીવરફ્રન્ટ કાંઠા વિસ્તારમાં આવનારા સમયમાં 92.4 મીટરની ઉંચાઈ ધરાવતા અને 22 માળ સુધીના બિલ્ડીંગો પણ બનશે. અમદાવાદ મ્યુનિ.દ્વારા ડેવલપર્સો પાસેથી આ અંગે અભિપ્રાય મેળવવામાં આવતા રીવરફ્રન્ટના પશ્ચિમ કાંઠાના ટાગોરહોલ અને ઈવેન્ટ સેન્ટર વચ્ચે આ પ્રકારના ત્રણ બિલ્ડીંગોના નિર્માણને સૈધ્ધાંતિક મંજુરી આપવામાં આવી છે. આ અંગેની બીડ પ્રોસેસ એકાદ સપ્તાહમાં પુરી કરાશે એમ આધારભૂત સૂત્રોમાંથી જાણવા મળ્યુ છે.
સાબરમતી રિવરફ્રન્ટ ઉપર 92 મીટર ઊંચા સ્કાયસ્ક્રેપર બનશે
હાલમાં શહેરમાં મ્યુનિ.હસ્કતની એસ.વી.પી. હોસ્પિટલ 78 મીટરની ઉંચાઈ ધરાવે છે અને તેના અઢાર માળ છે. આથી પણ વધુ ઉંચાઈ ધરાવતા આ બિલ્ડીંગો બનશે. રીવરફ્રન્ટના પૂર્વ કાંઠે વધુ આ પ્રકારના બિલ્ડીંગો બાંધવાનું પણ ભવિષ્યમાં આયોજન કરાય એવી સંભાવના છે.
રિવરફ્રન્ટના પશ્ચિમ કાંઠા વિસ્તારમાં ત્રણ બહુમાળી ઈમારતોના બાંધકામ માટે એકાદ સપ્તાહમાં તંત્ર બીડ પ્રોસેસ હાથ ધરાશે
મ્યુનિ.દ્વારા એસ.વી.પી. હોસ્પિટલ શરૂ કર્યા બાદ આ હોસ્પિટલ શહેરની બહુમાળી ઈમારતની ઓળખ બની છે. સાબરમતી રીવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ દ્વારા રીવરફ્રન્ટના પશ્ચિમ કાંઠા વિસ્તારમાં બહુમાળી ઈમારતોના બાંધકામ બાબતમાં વિવિધ ડેવલપર્સના અભિપ્રાય મંગાવતા એજયુકેશનલ ઈન્સ્ટીટયુટ સહીત કુલ 28 જેટલી કંપનીઓએ આ પ્રકારના પ્રોજેકટમાં રસ બતાવ્યો હતો.
બહુમાળી ઈમારતોના બાંધકામ અંગે રસ બતાવનારાઓ પૈકી 40 ટકા ડેવલપર્સે રેસિડેન્શિયલ પ્રોજેકટમાં જયારે 30 ટકા ડેવલપર્સે કોમર્શિયલ પ્રોજેકટમાં રસ બતાવ્યો હતો. બાકીના 30 ટકા ડેવલપર્સે રેસિડેન્શિયલ કમ કોમર્શિયલ પ્રોજેકટમાં રસ બતાવ્યો હતો. 92.4 મીટરની ઉંચાઈ ધરાવતા જે બિલ્ડીંગો રીવરફ્રન્ટના પશ્ચિમ કાંઠા વિસ્તારમાં બનશે એ બિલ્ડીંગોમાં 22 માળ હશે.
દરેક માળ 4.2 મીટરની ઉંચાઈ વાળા હશે. રીવરફ્રન્ટના કાંઠા વિસ્તારમાં બનવા જઈ રહેલા શહેરના સૌથી ઉંચા આ બિલ્ડીંગોમાં પ્લોટની સાઈઝને ધ્યાનમાં રાખીને એફ.એસ.આઈ. પણ આપવામાં આવશે. નિર્માણ લઈ રહેલા બહુમાળી બિલ્ડીંગો પૈકી એક બિલ્ડીંગમાં મોલ અને બીજા બિલ્ડીંગમાં એજયુકેશનલ ઈન્સ્ટીટયુટ બનાવાશે એમ જાણવા મળ્યુ છે.