પાકમાં ભારતીય દૂતાવાસ પર જોવા મળ્યું ડ્રોન, પાકિસ્તાનનો અવળચંડાઇ ભર્યો જવાબ
પાકિસ્તાન (Pakistan) તેની અવળચંડાઇ ક્યારેય નથી છોડતું. તાજેતરમાં જમ્મુમાં ડ્રોન (drone attack in jammu) દ્વારા આતંકી હુમલો થયો હતો. આ બાદ શુક્રવારે પાકના ઇસ્લામાબાદમાં ડ્રોન જોવા મળ્યું. આ વાત ગંભીર એટલા માટે છે કે તે ઇસ્લામાબાદમાં સ્થિત ભારતીય હાઈ કમિશન ઉપર જોવા મળ્યું હતું. ભારતે આ વાતને ગંભીરતાથી લેતા પાક સરકાર સામે વાંધો જાહેર કર્યો. હવે પાકિસ્તાન તેની આદત પ્રમાણે તેના નિવેદનોમાં ફરી ગયું છે.
પાક સરકારના વિદેશ મંત્રાલયે આપેલું નિવેદન સાવ હાસ્યાસ્પદ છે. તેના પ્રવક્તાએ કહ્યું કે ‘ભારતીય વિદેશ મંત્રાલય અને ભારતની મીડિયા આરોપ લગાવે છે કે ઇસ્લામાબાદ સ્થિત ભારતના દૂતાવાસ (Indian High Commission) ઉપર ડ્રોન જોવા મળ્યું. આ દાવો નિરાધાર છે. તેમાં કોઈ સત્ય નથી.’ એટલું જ નહીં પાક દ્વારા ભારત પર પ્રોપેગેન્ડા ચલાવવાનો આરોપ પણ લગાવવામાં આવ્યો.પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ ટ્વિટ કર્યું છે કે, “ભારત દ્વારા આ પ્રોપેગેન્ડા અભિયાન એ સમયે ચલાવવામાં આવી રહ્યું છે. જ્યારે 23 જૂનના લાહોર બ્લાસ્ટમાં અત્યાર સુધીમાં મળેલા પુરાવા બાહ્ય દળો તરફ ઇશારો કરી રહ્યા છે જેનો ઇતિહાસ પાકિસ્તાન વિરુદ્ધ રાજ્ય પ્રાયોજિત અમલનો છે.
હવે સ્થિતિ હિન્દી કહેવત ‘ઉલ્ટા ચોર કોતવાલ કો દાંટે’ જેવી થઇ રહી છે. ટ્વીટરમાં પાક પ્રવક્તાએ લખ્યું કે, ‘પાકિસ્તાન જાહેર રીતે ભારતની ભટકાવનારી આ રાજનીતિને નકારે છે. અને #IIOJK ના લોકો સાથે આત્મનિર્ણયના હક માટેના તેમના ન્યાયપૂર્ણ સંઘર્ષમાં ઉભું રહેશે, જેમ UNSC ના પ્રસ્તાવોમાં જણાવ્યું છે.
તમને જણાવી દઈએ કે એરબેઝ પર થયેલા હુમલાના આગળના દિવસે આતંકીઓએ મિલેટ્રી સ્ટેશન પર પણ ડ્રોન હુમલો કરવાનો પ્રયત્ન કરાયો. જમ્મુના કાલુચક સ્ટેશન પર સવારે 3 વાગે ડ્રોન જોવા મળ્યું હતું.
રવિવારે મોડી રાતે આતંકીઓએ જમ્મુ એરબેઝ પર ડ્રોન વડે હુમલો કર્યો હતો. એરફોર્સ સ્ટેશન પર બે વિસ્ફોટ થયા હતા, જેમાં છતને નુકસાન થયું હતું. પહેલો બ્લાસ્ટ મોડી રાત્રે 1.37 વાગ્યે થયો હતો. એ બાદ પાંચ મિનિટમાં જ બીજો વિસ્ફોટ થયો હતો. બે સૈનિકોને પણ સામાન્ય ઇજાઓ પહોંચી હતી. આ પહેલીવાર છે જ્યારે સરહદ પાર બેઠેલા આતંકવાદીઓએ હુમલો કરવા માટે ડ્રોનનો ઉપયોગ કર્યો હોય.
આ પહેલા ક્યારેય હુમલા માટે ડ્રોનનો ઉપયોગ થયો હોય તેવી માહિતી નથી. આ કેસમાં હવે NIA તપાસ કરી રહી છે. અહેવાલો પ્રમાણે ડ્રોન હુમલામાં ખર્ચો ઓછો અને જોખમ પણ ઓછું હોય છે. આ નવી ચાલથી આસાનીથી તેઓ હુમલાના પ્લાનને અંજામ આપી શકે છે. ડ્રોન ખુબ નીચે પણ ઉડી શકે છે. અને જેને કારણે રડારની પકડની બહાર રહે છે.