એક નાની ભૂલ Amazon ને પડી ગઈ ભારે, 96000 રૂપિયાનું AC વેચી કાઢ્યું માત્ર આટલા રૂપિયામાં
ઓનલાઈન શોપિંગ કંપની એમેઝોને (Amazon) એક મોટી ભૂલ કરી દીધી. જેના કારણે મોટું નુકસાન વેઠવાનો વારો આવી ગયો. જી હા અહેવાલો અનુસાર કંપનીએ સોમવારે એક એવી ભૂલ કરી દીધી કે લાખોનું નુકસાન થઇ ગયું. વાત જાણે એમ છે કે 96,700 રૂપિયા કિંમતના બ્રાન્ડેડ કંપનીના AC ની કિંમત ભૂલથી 5900 રૂપિયા લખાઈ ગઈ હતી. આ ભૂલની જ્યારે લોકોને ખબર પડી ત્યારે તેમણે AC ઓર્ડર કરવાનું શરુ કરી દીધું હતું.
AC પર 94% ડિસ્કાઉન્ટ
એટલું જ નહીં આ AC માત્ર 278 રૂપિયા EMI પર પણ મળી રહ્યું હતું. એમેઝોનની એક ભૂલથી ઓછા ભાવ પર ઓછું EMI પણ બતાવી રહ્યું હતું. એટલું જ નહીં આ AC પર 94% ની છૂટ પણ બતાવી રહી હતી. અને આ તકનો લાભ જોઇને જેણે AC બૂક કરાવી દીધું તેઓ ફાયદામાં રહ્યા. જોકે બાદમાં એમેઝોને આ જ 1.8 ટન, 5-સ્ટાર ઇન્વર્ટરના AC ને 59,490 રૂપિયાના ભાવે રાખ્યું છે.
અગાઉ પણ બની છે આવી ઘટના
તમને જણાવી દઈએ કે આ અગાઉ પણ એમેઝોનથી આવી ભૂલ થઇ હતી. જી હા પ્રાઈમ ડે પર એમાઝોને 9 લાખ રૂપિયાનો કેમેરો માત્ર 6500 માં વેચી દીધો હતો. આ ઘટના ઘટી હતી વર્ષ 2019માં. આ ગડબડ વિશે જાણ થતા જ અચાનક તેની ખરીદારી વધી ગઈ હતી. આ એક બ્રાન્ડેડ કંપનીનો અને અત્યંત ટેકનોલોજીથી સજ્જ કેમેરો હતો. જે 99% ડિસ્કાઉન્ટ સાથે 6500 માં મળતો હતો. અને લોકોએ ત્યારે પણ આ તકનો લાભ લઇ લીધો હતો.
જાહેર છે કે આવો લાભ મળતો હોય તો સામાન્ય પબ્લિક ખરીદી કરવામાં પાછળ પડે તેમ નથી. જોકે આવી નાની નાની ભૂલો કંપનીને મોટા નુકસાન કરાવતી હોય છે. જો કે આ ભૂલથી કેટલું નુકસાન ગયું કે કેટલું વેચાણ થયું તેના સત્તાવાર રીતે ડેટા જાહેર કરવામાં નથી આવ્યા. અને કંપની તરફથી પણ તેની કોઈ ઘોષણા કરવામાં નથી આવી.