ડેલ્ટા કરતા પણ વધારે ખતરનાક કોરોનાનો નવો વેરિઅન્ટ આવ્યો સામે, 30 દેશોમાં લેમ્બડા વેરિઅન્ટે કરી એન્ટ્રી
સમગ્ર વિશ્વમાં કોરોનાના (Coronavirus) અલગ-અલગ વેરિઅન્ટ કહેર વર્તાવી રહ્યા છે. કોરોના વાયરસનો લેમ્બડા વેરિઅન્ટ ડેલ્ટા વેરિઅન્ટ કરતા વધુ ખતરનાક બનીને સામે આવ્યો છે. મલેશિયાના આરોગ્ય મંત્રાલયે આ માહિતી આપતા જણાવ્યું કે, છેલ્લા ચાર અઠવાડિયામાં 30થી વધુ દેશોમાં લેમ્બડા વેરિએન્ટના કેસ નોંધાયા છે. મલેશિયાના આરોગ્ય મંત્રાલયે ટ્વીટ કર્યું છે કે, લેમ્બડા વેરિઅન્ટ સૌ પ્રથમ વખત દક્ષિણ અમેરિકાના દેશ પેરુમાં જોવા મળ્યો હતો. પેરુમાં વિશ્વમાં સૌથી વધુ કોરોના મૃત્યુ દર નોંધાયો છે.
સ્વાસ્થ્ય મંત્રાલયે એક ખાનગી ન્યૂઝ પોર્ટલને ટાંકીને કહ્યું કે, લેમ્બડા વેરિએન્ટ બ્રિટનમાં (Britain) પણ દેખાયો છે. આ કારણે સંશોધનકારોને ચિંતા છે કે આ વેરિએન્ટ ડેલ્ટા વેરિઅન્ટ કરતા વધુ જોખમી હોઈ શકે છે. યુરો ન્યૂઝે ‘પેન અમેરિકન હેલ્થ ઓર્ગેનાઇઝેશન’ (PAHO) નો સંદર્ભ આપતા કહ્યું છે કે, પેરુમાં મે અને જૂન મહિના વચ્ચે લેમ્બડા વેરિઅન્ટના કારણે 82 ટકા નવા કોરોનાના કેસ સામે આવ્યા છે. જ્યારે બીજી તરફ દક્ષિણ અમેરિકાના દેશ ચીલીમાં (Chile), મે અને જૂન વચ્ચેના 31 ટકા કેસો લેમ્બડા સાથે જોડાયેલા છે.
WHOની ‘વેરિએન્ટ્સ ઓફ ઇન્ટરેસ્ટ’ સૂચિમાં શામેલ છે લેમ્બડા વેરિઅન્ટ
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) એ લેમ્બડાને પહેલાથી જ ‘વેરિએન્ટ્સ ઓફ ઇન્ટરેસ્ટ’ તરીકે નિયુક્ત કરી દીધી છે. આ નિયુક્તિ દક્ષિણ અમેરિકાના દેશોમાં તેના મળી આવવા અંગે કરવામાં આવી છે. વિશ્વ આરોગ્ય સંસ્થાએ કહ્યું કે, લેમ્બડા વેરિઅન્ટ ઝડપથી ફેલાય છે અને તે એન્ટિબોડીઝ સામે પણ લડી શકે છે. તે જ સમયે, ‘પબ્લિક હેલ્થ ઇંગ્લેંડ’ (PHE) એ લેમ્બડાને મોનિટર કરેલા વેરિએન્ટ્સની (VUI) યાદીમાં શામેલ કર્યો છે.
PHEના જણાવ્યા અનુસાર બ્રિટનમાં લેમ્બડા વેરિએન્ટના અત્યાર સુધીમાં 6 કેસ નોંધાયા છે. આ તમામ કિસ્સા વિદેશી મુસાફરીને લગતા છે. યુકેના આરોગ્ય અધિકારીઓના જણાવ્યા મુજબ, હાલમાં કોઈ પુરાવા નથી કે આ વેરિઅન્ટ વધુ ગંભીર રોગ પેદા કરે છે કે વર્તમાન રસીઓને ઓછા અસરકારક બનાવે છે.