ગાંધીનગરરમતગમત

ગાંધીનગર ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિયેશનના હોદ્દેદારોની નિષ્ક્રિયતા સામે સિનિયર ક્રિકેટર્સ ઠાલવ્યો રોષ

ગાંધીનગર :

ગાંધીનગર ડિસ્ટ્રીક્ટ ક્રિકેટ એસોસિએશનના સંચાલકોની ઇરાદાપૂર્વકની નિષ્ક્રિયતા તથા જિલ્લામાં બાળ ક્રિકેટ પ્રતિભાઓને વિકસાવવાના કાર્યમાં બેદરકારી દાખવવામાં આવતી હોવાના આક્ષેપ ગાંધીનગરના કેટલાક વરિષ્ઠ ક્રિકેટરો દ્વારા કરવામાં આવ્યા છે. ગુજરાત ક્રિકેટ એસોસિયેશન અંતર્ગત કાર્યરત જીડીસીએની લાપરવાહીને કારણે ગાંધીનગર જિલ્લાની ક્રિકેટ પ્રતિભાઓને પ્રેકટીસ કે કોચીંગ આપવા માટે પણ પોતાનું કોઈ ક્રિકેટ ગ્રાઉન્ડ નથી તેમજ ઘણા લાંબા સમયથી કોઈ ટુર્નામેન્ટ રમાડવામાં આવતી નથી તેવા આક્ષેપો સાથે આ સિનિયર ક્રિકેટર્સે જીડીસીએના પ્રમુખ મેહુલ પટેલ પર છેલ્લાં ઘણાં વર્ષોથી એસોસિયેશનની વાર્ષિક સાધારણ સભા પણ ઈરાદાપૂર્વક નહીં યોજવાના આક્ષેપ કર્યો છે.

ગાંધીનગરના આઈપીએલ-રણજી રમી ચૂકેલા સલિલ યાદવ, જીડીસીએના સ્ટેટ પ્લેયર ઝહીર મનસુરી તથા દ્વિજય શર્મા સહિતના જિલ્લા સિનિયર ક્રિકેટર્સે આ મુદ્દે આક્ષેપો કર્યા છે કે જિલ્લા ક્રિકેટ અેસોસિએશનના પ્રમુખ મેહુલ પટેલ પાસે ટ્રસ્ટ રજિસ્ટ્રેશન સહિતના કોઈ દસ્તાવેજ કે કાગળો ઉપલબ્ધ નથી તે તેમણે રૂબરૂ મુલાકાતમાં તેમની સામે સ્વિકાર્યુ હતું. આ સાથે અેસોસિઅેશનના હોદ્દેદારોને ગાંધીનગરમાં ક્રિકેટના વિકાસમાં કોઈપણ પ્રકારનો રસ નથી પરંતુ માત્ર તેમના હોદ્દામાં જ રસ છે જેના કારણે છેલ્લા 12 વર્ષથી વહીવટ મનફાવે તેમ ચલાવી રહ્યાં છે અને હોદ્દેદારો જિલ્લાના સિનિયર પ્લેયર્સના કોઈપણ પ્રકારના સવાલના કે પત્રનો જવાબ પણ આપતા નથી. આ ઉપરાંત છેલ્લા લાંબા સમયથી કોઈપણ પ્રકારના ટુર્નામેન્ટ યોજવામાં આવી નથી, સિલેક્શન કેમ્પ યોજવામાં આવતા નથી જેનું સીધુ નુકશાન ગાંધીનગરના ઊગતા ક્રિકેટરોને થઈ રહ્યું છે.

સલિલ યાદવે જણાવ્યું હતું કે,‘ રાજ્યનું પાટનગર હોવા છતાં ગાંધીનગર જિલ્લાના અેસોસિએશન પાસે પોતાનું એક ગ્રાઉન્ડ પણ નથી. જીસીએ હેઠળ ગાંધીનગર સહિત 8 એસોસિયેશન સંલગ્ન છે જેમાંથી એકમાત્ર ગાંધીનગર પાસે જ પોતાનું ગ્રાઉન્ડ નથી. પ્લેયર્સને રમવા માટે મૂળભૂત સુવિધા આપવામાં નથી આવતી. એસોસિયેશનમાં પોતાની અનુકૂળતા મુજબ જ સભ્યો બનાવવામાં આવે છે જેથી ચૂંટણી યોજવી ન પડે. મેમ્બર્સની માંગણી હોવા છતાં એજીએમ યોજવામાં આવતી નથી. ગાંધીનગરના અનુભવી રણજી ટ્રોફી પ્લેયર્સના નામ જીસીએમાં સિલેક્ટર તરીકે મોકલવામાં નથી આવતા.’ આ ખેલાડીઓની માંગ છે કે તેમને જીડીસીએમાં સમાવવામાં આવે જેથી કરીને તેઓ પાટનગરના ખેલાડીઓ માટે કઈક કરી શકે.

વધુ એક સિનિયર ક્રિકેટર ઝહીર મનસુરીએ જણાવ્યું હતું કે, ‘ લાંબા સમયથી હોદ્દાઓ પર ચોંટીને બેસી ગયેલા હોદ્દેદારોને કારણે ગાંધીનગરમાં ખેલાડીઓને આગળ વધવાની તક મળતી નથી. હાલના સમયે ગાંધીનગરનો એક જ ખેલાડી રણજીમાં રમે છે. એક સમય હતો કે ગાંધીનગરના સાત ખેલાડીઓ રણજી રમતા હતા. છેલ્લા વીસ વર્ષથી ટૂર્નામેન્ટનું આયોજન ના થયું હોવાથી ખેલાડીઓને સ્ટેટ કે નેશનલ લેવલે રમવાની તક મળતી નથી જેના કારણે ગાંધીનગર શહેર તથા જિલ્લાની બાળ ક્રિકેટ પ્રતિભાઓ તેમજ યુવા ક્રિકેટર્સનનું ભાવિ અંધકારમય બની રહ્યું છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x