ગાંધીનગરમાં ‘નેટવર્ક ન્યૂઝ’ નામની ચેનલના નામે લેન્ડ ગ્રેબિંગ, અપહરણ, લૂંટ સહિતના ગુના આચરનાર વિજયસિંહની ધરપકડ
ગાંધીનગર :
ગાંધીનગરનાં સરગાસણ ખાતે આવેલ સિધ્ધરાજ ઝાઓડમાં ‘નેટવર્ક ન્યૂઝ’ નામની ચેનલના ઓઠા હેઠળ વિજયસિંહ હરીસિંહ ટાંકે (રહે. પ્લોટ નંબર-154, સેકટર-8) સેકટર 1 માં રહેતા ચૈતન્ય બાબુલાલ પટેલ પાસેથી જગ્યા ભાડે લીધી હતી. ભાડા કરારનો સમય પુરો થઇ ગયા બાદ તેણે ફરીથી કરાર રીન્યુ કર્યો ન હતો. અને ત્યાર બાદ તેણે ભાડુ પણ આપવાનું બંધ કરી ચેનલના નામે ઓફિસ પચાવી પાડી હતી. જે અન્વયે ચૈતન્ય પટેલે સેકટર 7 પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા તેના વિરુધ્ધ લેન્ડ ગ્રેબીંગ એકટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. બીજી તરફ થોડા સમય પહેલાથી જ ગાંધીનગર કલેક્ટર ડો. કુલદીપ આર્ય દ્વારા “નેટવર્ક ન્યુઝ” ગુજરાતનું લાયસન્સ પણ રદ કરી દીધું હતું તેમ છતાં વિજયસિંહ ટાંકે સોશીયલ મીડીયાનાં માધ્યમથી તેનું પ્રસારણ ચાલુ રાખીને ઓફીસ પચાવી લીધી હતી. જેનાં પગલે જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાની સૂચનાથી ડીવાયએસપી એમ. કે. રાણા, ઇન્સપેક્ટર જે. જી. વાઘેલા તથા ઇન્સપેક્ટર એચ.પી.ઝાલા સહિતની ટીમ ધ્વારા આરોપી વિણાબહેન વિજયસિંહ ટાંક ની ધરપકડ કરી લેવામાં આવી હતી.
જ્યારે નાસતા ફરતા મુખ્ય આરોપી વિજયસિંહ હરીસિંહ ટાંક નો ગુનાહિત ઈતિહાસ જોતા તેના વિરુદ્ધ બોપલ પોલીસ મથકમાં લૂંટનો ગુનો નોંધાયાનું ખુલવા પામ્યું હતું. જેને ઝડપી લેવા પીએસઆઇ વી.કે.રાઠોડ, એ.એસ.આઇ. હરદેવસિંહ, કેવલસિંહ તથા હે.કોન્સ. સજ્જાદભાઇ, રાકેશસિંહ સાથે સતત દશેક દિવસ સુધી રાજકોટ શહેર, બોટાદ, જુનાગઢ, ગીર સોમનાથ વગેરે જગ્યાઓએ ટેકનીકલ સર્વેલન્સ તથા હ્યુમન રીસોર્સ આધારે ઉપરોક્ત આરોપીની શોધ ખોળ તપાસ ચાલુ રાખી હતી. તે દરમ્યાન હેડ કોન્સ્ટેબલ સજ્જદહુસેન સબ્બીરઅલીનાઓને ખાનગી રાહે હકીકત મળેલ કે, આરોપી વિજયસિંહ હરીસિંહ ટાંક ગીર સાસણ ખાતે આવેલ ભોજદે ગામે એક ફાર્મ હાઉસમા રોકાયેલ છે તથા તેની સાથે બોપલ પોલીસ સ્ટેશન અમદાવાદના લુંટના ગુનાનો આરોપી અનવર ગફારભાઇ ખેબર પણ છે. જે માહીતી આધારે વિજયસિંહ હરીસિંહ ટાંક તથા અનવર ગફારભાઇ ખેબરની ગીર સાસણ ખાતે થી ધરપકડ કરી લેવામાં આવી હતી.
આ અંગે ક્રાઇમ બ્રાંચના ઇન્સ્પેકટર એચ પી ઝાલાએ જણાવ્યું હતું કે વિજયસિંહ પોતાની વૈભવશાળી લાઇફ સ્ટાઇલથી લોકોને પ્રભાવીત કરતો અને જે લોકો તેનાથી અંજાઇ જતા તે લોકોનો ભરોસો અને વિશ્વાસ કેળવી લોકોની કરોડો રૂપિયાની મિલ્કત ભાડા કરારથી મેળવી આ મિલ્કતો ઉપર ગેરકાયદેસર રીતે કબજો મેળવી લેતો હતો. ઉપરાંત કાયદાની ચુંગલથી દૂર રહી શકે અને જલ્દી કોઈ તેના વિરુદ્ધ ફરિયાદ ન કરે તે માટે ‘નેટવર્ક ન્યૂઝ’ નામની ચેનલ શરૂ કરી હતી. જેણે અત્યાર સુધીમાં સાડા ચાર કરોડ નું ફુલેકું ફેરવી દેવામાં આવ્યું છે. જેનાં વિરુદ્ધમાં અમદાવાદ શહેર, સુરત શહેર, સી.આઇ.ડી ક્રાઇમ તથા ગાંધીનગર જીલ્લાના સેકટર-7 માં વિવિધ ગુન્હા નોંધાયા છે. તેણે તેના સાગરીતો સાથે મળી પોતાને મંત્રી સાથે સારી ઓળખાણ હોવાનું જણાવી મંત્રીના ક્વોટામાં એમ.બી.બી.એસ.માં એડમીશન અપાવવા વિશ્વાસમાં લઇ કુલ રૂ. 1 કરોડ 10 લાખની છેતરપીંડી નવરંગપૂરા પોલીસ મથક, મહીન્દ્રા કંપનીની SUV-500 કારની ડુપ્લીકેટ ચાવીથી ખોલી ચોરી કરી લઇ ગયાનો ગુન્હો સરથાણા પોલીસ મથક, ગાંધીનગર ઝોન પોલીસ સ્ટેશન (સી.આઇ.ડી. ક્રાઇમ) માં ફરીયાદીની જમીન યુ.એલ.સી. ટોચ મર્યાદાનો નીયમ લાગુ પડતા ફાજલ થયેલ હોઇ તે જમીન પરત અપાવવાના બહાના હેઠળ ફરીયાદી તથા સાહેદના કુલ રૂ 1 કરોડ 24 ની છેતરપીંડી અને વિશ્વાસધાત ની ફરિયાદ, મુંબઈમાં આર્મ્સ એકટ, બોપલ પોલીસ મથકમાં અપહરણ અને લૂંટ નો ગુનો પણ નોંધાયેલો છે. ઉપરાંત સેકટર 7 પોલીસ મથકમાં ઉક્ત ગુના સિવાય મારા મારી કરી મકાન પચાવી પાડવાનો પણ ગુનો નોંધાયેલો છે તેમ વધુમાં ઈન્સ્પેક્ટર ઝાલાએ જણાવ્યું હતું.