નવજોતસિંહ સિદ્ધુની પંજાબ કોંગ્રેસના પ્રમુખ તરીકે નિયુક્તિ કરાઈ
પંજાબમાં ચાલતા રાજકીય નાટકનો અંત આવ્યો છે. કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીએ નવજોત સિંહ સિદ્ધુની પંજાબ પ્રદેશ કોંગ્રેસ કમિટીના પ્રમુખ તરીકે નિયુક્તિ કરી છે. નવજોત સિંહ સિદ્ધુ પંજાબમાં સુનીલ જાખડનું સ્થાન લેશે. તેની સાથે ચાર કાર્યકારી અધ્યક્ષ પણ બનાવાયા છે. સંગત સિંહ, કુલજીત નાગરી, પવન ગોયલ અને સુખવિંદર ડૈનીને કાર્યકારી અધ્યક્ષ બનાવાયા છે.
આગામી વર્ષે પંજાબમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. આ સ્થિતિમાં કોંગ્રેસ હાઇકમાન્ડે પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ પદ માટે નવજોત સિદ્ધુના નામ પર મહોર મારી છે. આગામી સમયમાં સિદ્ધુ સામે અનેક પડકારો હશે, જેનો તે સામનો કેવી રીતે કરશે તેના પર નજર રહેશે.
થોડા દિવસોથી સિદ્ધુને પંજાબ કોંગ્રેસની કમાન મળી શકે છે તેવી અટકળો થઈ રહી છે. સિદ્ધુને પ્રદેશ અધ્યક્ષ બનાવવાના ફેંસલાથી સીએમ અમરિંદર નારાજ હોવાના અહેવાલ પણ આવ્યા હતા. પરંતુ આખરે સિદ્ધુ મેચ જીતી ગયો છે.