ગાંધીનગર : ભ્રષ્ટાચારથી ખદબદતી સર્વ શિક્ષા અભિયાન કચેરીમાંથી ACBની ટ્રેપમાં લાંચિયા ઇજનેર નિપુણ ચોકસી સવા બે કરોડ રોકડા મળ્યાં
ગાંધીનગર :
ગાંધીનગર સર્વ શિક્ષા અભિયાનની કચેરીમાં રૂ. 1.21 લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપાયેલા સ્ટેટ ઈજનેર નિપુણ ચોક્સીનાં રિમાન્ડ દરમિયાન તેનાં ગાંધીનગર વિવિધ બેંકોનાં લોકરોમાં સર્ચ ઓપરેશન હાથ ધરી રોકડ રકમ, સોના ચાંદીના દાગીના મળી ને રૂ. 2.27 કરોડથી વધુની બેનામી સંપત્તિ જપ્ત કરી એસીબીની ટીમે સપાટો બોલાવી દીધો છે.
સર્વ શિક્ષા અભિયાન હેઠળ પાટણ જિલ્લાના સમી તાલુકાના બોયઝ હોસ્ટેલ તેમજ શંખેશ્વર તાલુકામાં આવેલી કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયના કામના બીલોની અવેજીમાં પેટા કોન્ટ્રાક્ટ પાસે 1% લેખે રૂ. 1.21 લાખની લાંચ લેતા ગાંધીનગર કચેરીમાં બેસતા સ્ટેટ ઈજનેર નિપુણ ચોકસીને એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા રંગેહાથ ઝડપી લેવામાં આવ્યો હતો. ત્યારે ઉચ્ચ પદનો દુરુપયોગ કરનાર ઈજનેર નિપુણ ચોક્સી દ્વારા લિખિત ‘સ્મિત અને સ્પંદન’ તેમજ ‘મેથી મારવાની કળા’ નામના પુસ્તકોનું એપ્રિલ મહિનામાં શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાનાં હસ્તે વિમોચન પણ કરવામાં આવ્યું હતું. ઉપરાંત છેલ્લા વીસેક વર્ષથી સાહિત્યકાર એવા સર્વ શિક્ષા અભિયાનના સ્ટેટ ઈજનેર નિપુણ ચોક્સીની હાસ્ય રચનાઓ ગુજરાતના દિપોત્સવી અંકમાં પણ પ્રસિદ્ધ થતી રહે છે.
માહિતી વિભાગ દ્વારા પ્રતિ વર્ષ આગવી પરંપરા મુજબ ગુજરાતનાં સાહિત્ય, કલા, ઈતિહાસ, સાંસ્કૃતિક વિરાસત અને સંસ્કાર વારસાને ગુજરાત દિપોત્સવી અંકના માધ્યમથી પ્રસ્તુત કરવામાં આવે છે. ગત વર્ષના ગુજરાત દિપોત્સવી અંકમાં ગાંધીનગરનાં 35 જેટલા સાહિત્યકારોની રચનાને સ્થાન આપવામાં આવ્યું હતું. જેમાં નિપુણ ચોક્સીની હાસ્ય રચનાને પણ સ્થાન આપવામાં આવ્યું હતું જેનું વિમોચન મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે કરવામાં આવ્યું હતું.
બીજી તરફ એસીબીના સકંજામાં ઝડપાયેલા સાહિત્યકાર સ્ટેટ ઈજનેર નિપુણ ચોક્સીનાં ઘરની ઝડતી લેવામાં આવતા રૂ. 4 લાખ 12 હજાર 205 રોકડા પણ મળી આવ્યા હતા. જેનાં પગલે તેનાં કોર્ટમાંથી બે દિવસના રિમાન્ડ મેળવી એસીબીએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. આ રિમાન્ડ દરમિયાનમાં જૂના સચિવાલય નાગરિક બેંકના તેના લોકરની ઝડતી લેવામાં આવતા વધુ રૂ. 74.50 લાખ રોકડા મળી આવ્યા છે.
એજ રીતે સેકટર-6માં આવેલી કોઓપરેટીવ બેન્ક ઘ-2 શાખા તેમજ અન્ય બે લોકરોમાં પણ સર્ચ કરવામાં આવતા રૂ. 1 કરોડ 52 લાખ 75 હજારની સંપત્તિ પણ મળી આવી છે. જ્યારે ગાંધીનગરની કેનેરા બેંકના લોકર માંથી રૂ. 10 લાખની કિંમતના સોનાના દાગીના મળી આવતાં હાલમાં તેની જીણવટપૂર્વક એસીબી દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. આમ ગાંધીનગર સર્વ શિક્ષા અભિયાનના સ્ટેટ ઈજનેર નિપુણ ચોકસી પાસેથી કુલ. 2 કરોડ 27 લાખ 25 હજારની સંપત્તિ જપ્ત કરી એસીબી દ્વારા સપાટો બોલાવી દેવામાં આવ્યો છે.