હરિપ્રસાદ સ્વામીના નિધન પર સીએમ વિજય રૂપાણી (CM Vijay Rupani)એ શોક વ્યક્ત કર્યો
સોખડા (Sokhda)ના હરિપ્રસાદ સ્વામી (Hariprasad Swami) અક્ષરધામ નિવાસી થયા છે. તેમના નિધનથી હરિધામ શોકમાં સરી પડ્યું છે. સોમવારે મોડી રાત્રે 11 કલાકે 88 વર્ષની ઉંમરે અક્ષર નિવાસી થયા હોવાનું સાધુ પ્રેમસ્વરૂપદાસ મહારાજે જણાવ્યું હતું. 1 ઓગસ્ટના રોજ તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. આજથી 5 દિવસ માટે તેમનો પાર્થિવ દેહ અંતિમ દર્શન માટે રખાશે. અલગ-અલગ પ્રદેશ માટે જુદા-જુદા દિવસે વ્યવસ્થા ગોઠવાઈ છે. અંતિમ દર્શન માટે આવનાર તમામે માસ્ક (mask) પહેરવું અને સોશિયલ ડિસ્ટન્સ (Social Distance) જાળવવું ફરજિયાત છે.
હરિપ્રસાદ સ્વામીના નિધન પર સીએમ વિજય રૂપાણી (CM Vijay Rupani)એ શોક વ્યક્ત કર્યો છે.. તેમમે હરિપ્રસાદ સ્વામીના દેહ વિલય અને પરમધામ ગમન અંગે શોકની લાગણી વ્યક્ત કરી શ્રદ્ધાંજલી પાઠવી છે. CMએ કહ્યું કે- યુવાઓમાં વ્યસનમુક્તિ, શિક્ષા પ્રણાલીના પ્રચાર-પ્રસાર સાથે આધ્યાત્મિકતા અને સમાજ માટે સમર્પિત થવાનો સેવા ભાવ ઉજાગર કરવામાં પૂજ્ય હરિપ્રસાદ સ્વામીએ આજીવન સેવારત રહી આપેલું અમૂલ્ય યોગદાન સદાય અવિસ્મરણીય રહેશે.
યોગી ડિવાઇન સોસાયટીના સાધુ પ્રેમસ્વરૂપદાસ, સાધુ સંતવલ્લભદાસ, સાધુ ત્યાગ વલ્લભદાસ, વિઠ્ઠલદાસ પટેલ અને સેક્રેટરી અશોકભાઇના સંયુક્ત નિવેદનમાં જણાવ્યા મુજબ, યોગી ડિવાઇન સોસાયટીના પરમાધ્યક્ષ અને આત્મીય સમાજના પ્રાણધાર પ્રગટ ગુરુહરિ પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજી મહારાજ આ પૃથ્વીની તેમની દિવ્ય યાત્રા પૂર્ણ કરીને 26 જુલાઇ રાત્રે 11 કલાકે સ્વતંત્ર થતાં અક્ષરધામમાં બિરાજી ગયા છે.
અનુપમ આત્મીયતા, અનેરી સરળતા, આગવી સહજતા, અનહદ સુહૃદભાવ અને અપ્રતિમ સાધુતાનું મૂર્તિમાન સ્વરૂપ એવા પરમ પૂજ્ય સ્વામીજીએ તેમની આ પૃથ્વીપટની પ્રભુપ્રેરિત યાત્રા દરિમયાન પ્રભુભક્તિ અને ગુરુભક્તિના અનોખા સમન્વયના દર્શન કરાવ્યા. તેઓની આધ્યાત્મિક્તાનો ઉજાસ સમગ્ર સમાજને પ્રકાશિત કરતો રહ્યો છે. તેઓની પ્રત્યક્ષ અનુપસ્થિતિના આ વિદાય હૃદયવિદારક સમયે સહુને બળ અને ધૈર્ય પ્રાપ્ત થાય તેવી પ્રભુચરણે-ગુરુહરિચરણે અંતરની પ્રાર્થના.