આજે મુખ્યપ્રધાન વિજય રૂપાણીનો જન્મદિવસ, પીઢ નેતા વજુભાઈ વાળા સાથે કરી મુલાકાત
રાજ્યના મુખ્યપ્રધાન સીએમ રૂપાણી આજે 2 ઓગસ્ટના રોજ જન્મ દિવસ છે અને આ નિમિત્તે તેઓ પોતાના વતન રાજકોટની મુલાકાતે છે.રાજકોટ પહોંચતા જ તેમણે સૌથી પહેલા ભાજપના કદાવર નેતા વજુભાઈ વાળાના આશીર્વાદ લીધા.તેઓ વજુભાઈ વાળાના ઘરે પહોંચ્યા.તેમની વજુભાઈ સાથેની આ શુભેચ્છા મુલાકાત રાજકીય દ્રષ્ટીએ ખૂબ મહત્વની માનવામાં આવી રહી છે.કારણ કે વર્ષ 2022માં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે, જેને ધ્યાનમાં રાખીને વજુભાઈને કોઈ મોટી જવાબદારી સોંપાઈ શકે છે.કારણ કે નરેન્દ્ર મોદી અને અમિત શાહ છેલ્લાં આઠેક વર્ષથી રાષ્ટ્રીય રાજકારણમાં વ્યસ્ત છે.
બીજીતરફ, આનંદીબેન ઉત્તરપ્રદેશનાં રાજ્યપાલ છે અને આવામાં ગુજરાત ભાજપમાં અત્યારે કોઈ મોટો અને સર્વસ્વીકૃત ચહેરો છે નહીં. પાર્ટી 2022ની વિધાનસભા ચૂંટણીમાં 150 બેઠકનો ટાર્ગેટ લઈને બેઠી છે. આવામાં વજુભાઈની ગુજરાતમાં વાપસી એ વાતના પૂરેપૂરા સંકેત આપે છે કે પ્રદેશમાં ભાજપના આંતરિક જૂથવાદને ડામવા અને સંગઠનને ફરી સ્વીકૃત ચહેરો આપવાનું આ એક મોટું કદમ છે.
સૌરાષ્ટ્રમાં પાટીદારોના પ્રેશર પોલિટિક્સ સામે વજુભાઈને ઉતારવામાં આવે તો નવાઇ નહીં. ગુજરાતમાંથી મોદી અને અમિત શાહ દિલ્હી ગયા પછી ભાજપના આંતરિક જૂથવાદને ડામવા વજુભાઇને આગળ કરવામાં આવશે. મિશન 2022 માટે સૌથી વજુભાઈ સૌથી સિનિયર નેતા છે અને તેમનો સૌમ્ય સ્વભાવ તથા હળવાશથી ગંભીર વાત કહેવાની છટા બેજોડ છે.
હાલ તો સૌથી સિનિયર નેતા તરીકે વજુભાઈનું જૂથ ફરી સૌરાષ્ટ્ર અને રાજકોટના રાજકારણમાં સક્રિય થઇ ગયું છે. પક્ષના આંતરિક અસંતોષ અને વિપક્ષ સાથે બાથ ભીડવામાં વજુભાઇ પાસે અદભુત પકડ છે. એક સમયે મુખ્યમંત્રીના દાવેદાર સુધી પહોંચી ચૂકેલા વજુભાઈને હાલ તો નરેન્દ્ર મોદી અને અમિત શાહ કે સી.આર. પાટીલ ઘરે બેસવા દેશે નહીં. આગામી 2022ની ચૂંટણીમાં તેમને કોઇ મોટી જવાબદારી સોંપશે એ નક્કી છે.