PPP હેઠળ રેસિડેન્શિયલ સ્માર્ટ સ્કૂલોમાં ધો. 6થી 12માં 1 લાખ વિદ્યાર્થી મફત ભણશે
ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા સ્કૂલ ઓફ એક્સલેન્સ પોલીસી જાહેર કરી છે.જે અંતર્ગત રાજ્યમાં સરકાર અને પ્રાઈવેટ સંસ્થાઓની સહભાગીદારીથી પીપીપી મોડ હેઠળ રાજ્યમાં રેસિડેન્સિયલ સ્માર્ટ સ્કૂલો શરૂ કરાશે.જેમાં દર વર્ષે ધો.6થી12માં દરેક ધોરણમાં 15-15 હજાર વિદ્યાર્થીને સરકાર મફત ભણાવશે અને રહેવાનો -જમવા સહિતનો તમામ ખર્ચ ઉઠાવતા સરકાર દર વર્ષે વિદ્યાર્થી દીઠ 60 હજાર ખર્ચ સ્કૂલોને આપશે.
રાજ્ય સરકારે જાહેર કરેલી પોલીસી અંતર્ગત પ્રાઈવેટ કંપનીઓ, સંસ્થાઓ, ટ્રસ્ટો કે શૈક્ષણિક ગુ્રપ સીએસઆર હેઠળ જો સમાર્ટ રેસિડેન્સિયલ સ્કૂલ શરૂ કરવા ઈચ્છે તો જેમાં જમીન, બિલ્ડીંગ બાંધકામ,ઈન્ફ્રાસ્ટ્રકર સહિતનો તમામ ખર્ચ જે તે સંસ્થા-કંપનીનો રહેશે અને સરકાર દર વર્ષે વિદ્યાર્થી દીઠ 60 હજારનો ખર્ચ ઉઠાવશે.પોલીસીની શરતો મુજબ 2 હજારથી 10 હજાર વિદ્યાર્થીની ક્ષમતા સાથેની ઈન્ટરનેશનલ લેવલની સ્કૂલ શરૂ કરવાની રહેશે અને જેમાં સ્પોર્ટસ સહિતની તમામ અન્ય પ્રવૃત્તિઓ પણ શરૂ કરવાની રહેશે.
આ સ્માર્ટ સ્કૂલોમાં ધો.6ઠ્ઠાથી પ્રવેશ અપાશે.શિક્ષણ વિભાગની એજન્સી દ્વારા દર વર્ષે સરકારી-ગ્રાન્ટેડ સ્કૂલોના ધો.5ના વિદ્યાર્થીઓની પ્રવેશ પરીક્ષા લેવાશે અને 6ઠ્ઠા ધોરણમાં દર વર્ષે 15 હજાર મેરિટોરિયસ વિદ્યાર્થીઓને પ્રવેશ અપાશે. સરકારનો ટાર્ગેટ આગામી કેટલાક વર્ષોમાં ધો.6થી12ના એક લાખ વિદ્યાર્થીઓને સમાર્ટ રેસિડેન્સિયલ સ્કૂલોમાં મફત ભણાવવાનો છે.
આ સ્કૂલોમાં ધો.6થી12નો કરિક્યુલમ પણ અલગથી તૈયાર થશે અને જેમાં ધો.6થી8માં ગુજરાતી-અંગ્રેજી બંને ભાષામાં અને ધો.9થી12માં માત્ર અંગ્રેજી માધ્યમમાં ભણાવાશે. ધો.11-12ના વિદ્યાર્થીઓને નીટ,જેઈઈ સહિતની પરીક્ષાઓ માટે કોચિંગ પણ આ રેસિડેન્સિયલ સ્કૂલોમાં આપવામા આવશે. આ સ્કૂલોમાં શિક્ષકોની ભરતી જે તે સ્કૂલ મેનેજેન્ટ પોતાની રીતે કરશે અને જેનો પગાર ખર્ચ પણ સ્કૂલ જ ઉઠાવશે.
આ એક્સેલન્સ સ્કૂલોનું ઓડિટિંગ પણ સરકાર દ્વારા કરાશે અને દર વર્ષે સરકારની સ્કૂલ એક્રિડિએશન કાઉન્સિલ તપાસ કરી એક્રેડિશન પણ આપશે. જ્યારે સરકારનો સમગ્ર શિક્ષા વિભાગ અને ગુજરાત કાઉન્સિલ ફોર સ્કૂલ એજ્યુકેશન આ એક્સલેન્સ સ્કૂલોના પ્રોજેક્ટમાં ઈમ્પ્લીમેન્ટિંગ એજન્સી રહેશે અને જે નાણાકીય મેનેમજેન્ટ તથા મોનિટરિંગ અને રિપોર્ટિગની કામગીરી કરશે.જ્યારે આ સ્કૂલો માટે સરકારની ગવર્નિંગ કાઉન્સિલ પણ બનશે.