બ્રિટન આપશે અફઘાનિ નાગરીકોને શરણ, મહિલાઓ અને બાળકીઓને અપાશે પ્રાથમિકતા
તાલિબાન દ્વારા અફઘાનિસ્તાન પર કબજો કર્યા બાદ હવે યૂકે એવા અફઘાની નાગરીક માટે પુનર્વસનની યોજના શરૂ કરશે કે જેમને મદદની સૌથી વધુ જરૂર હશે. આ યોજનમાં મોટેભાગે મહિલાઓ અને બાળકીઓને પ્રાથમિકતા આપવામાં આવશે. આને લઇને જલ્દી જ પ્રધાનમંત્રી બોરિસ જૉનસન (Boris Johnson) જાહેરાત કરશે.
અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં હાલ જે ગંભીર હાલત છે તેવામાં બ્રિટનના સૈનિકો પોતાના નાગરીકો અને એવા અફઘાની નાગરીકોને બહાર કાઢી રહ્યા છે કે જેમણે બ્રિટન સરકાર માટે કામ કર્યુ હોય. જૉનસનના ડાઉનિંગ સ્ટ્રીટ કાર્યાલયના એક પ્રવક્તાએ સોમવારે જણાવ્યુ કે અફઘાનિસ્તાનમાં યૂકેની ટીમ બ્રિટિશ નાગરીકો અને વધુમાં વધુ લોકોની મદદ કરવા માટે નાજુક પરિસ્થિતીઓ વચ્ચે 24 કલાક કામ કરી રહી છે.
આતંરરાષ્ટ્રીય સમુદાયોને સાથે લાવવાના પ્રયત્નો
કાર્યાલયે એક નિવેદનમાં જણાવ્યુ કે, સરકાર દ્વારા અફઘાનિસ્તાન માટે એક પુનર્વસન યોજના બનાવવામાં આવવાની આશા છે. આ યોજના બ્રિટનની શરણ પ્રણાલી કરતા અલગ હશે. સરકારના પ્રવક્તાએ કહ્યુ કે, જૉનસન અફઘાનિસ્તાનમાં માનવીય સંકટને રોકવા માટે આંતરરાષ્ટ્રીય સમુદાયને એકમત કરવા માટે પણ કામ કરી રહ્યા છે. જૉનસને સોમવારે ફ્રાંસના રાષ્ટ્રપતિ ઇમૈનુએલ મેક્રોં સાથે વાત કરી અને આવનાર સમયમાં વિશ્વના અન્ય નેતાઓ સાથે પણ આ મુદ્દે ચર્ચા કરશે.
અફઘાનિસ્તાનના લોકોને આપણી મદદની જરૂર
પ્રવક્તાએ જણાવ્યુ કે પાછલા 20 વર્ષોમાં દેશને એક સારી જગ્યા બનાવવા માટે જે લોકોએ ખૂબ મહેનત કરી છે તે અફઘાની નાગરીકોને હવે આપણી મદદની જરૂર છે. અમે તેમના માટે જે પણ કરી શક્તા હોઇશું તે કરીશું. જૉનસન આવનાર દિવસોમાં સાત દેશોના સમૂહના નેતાઓની એક વર્ચ્યુલ મિટિંગને હોસ્ટ કરશે.