અંબાજીમાં આ વર્ષે પણ ભાદરવી પૂનમનો મેળો નહીં યોજાય
આ વર્ષે અંબાજી ભાદરવી પૂનમનો મેળો 13 થી 20 સપ્ટેમ્બર 2021 દરમિયાન આવે છે. જોકે, મેળો યોજાય એવી કોઈ શકયતા જણાતી નથી, અધૂરામાં પૂરું મેળા અંગે સરકાર દ્વારા પણ હજુ સુધી કોઇ નિર્ણય લેવામાં આવ્યો નથી.મહામેળો યોજાશે કે નહિ ? આ બાબતે વિશ્વભરમાં વસતા સેંકડો શ્રદ્ધાળુઓમાં અસમંજસ્ય જોવા મળી રહ્યુ છે. જોકે મેળાને લઈ તંત્રે એક પણ બેઠક ન યોજતા એ સાબિત થઈ ગયું છેકે આ વર્ષે પણ મેળો નહીં જ યોજાય.
દિવ્યભાસ્કરે મેળાને લઈ મંતવ્ય જાણવા પ્રયાસ કરતા મેળો સ્વાસ્થ્યની દ્રષ્ટિએ જોખમી પુરવાર થાય તેવી દહેશત પણ જોવા મળી રહી છે.આ મહામેળાને લઈ તંત્ર દ્વારા 6 મહિના અગાઉ તૈયારીઓમાં લાગી જતું હતુ. પરંતુ આ મેળાને માંડ 27 જેટલા દિવસ બાકી હોવા છતાં હજુ સુધી કોઈ હલચલ જોવા મળી નથી.આ જ સ્પષ્ટ સંકેત છે કે મેળો આ વખતે પણ યોજાઈ તેવી શક્યતા નથી.
સેંકડો શ્રદ્ધાળુઓની આસ્થાના પ્રતિક સમા યાત્રાધામ અંબાજીમાં ભરાતો ભાદરવી મેળો માઈ ભક્તો માટે વિશેષ મહત્વ ધરાવે છે. વર્ષ 2020માં કોરોનાની મહામારીને લઇ ભાદરવી મહા કુંભને સ્થગિત કરી દેવામાં આવ્યો હતો. જયારે હવે મેળો શરૂ થવામાં 27 દિવસ બાકી રહી છે. ત્યારે અંબાજીમાં વિશ્વભરમાં વસતા માઇભક્તો માં અંબાને નવલા નોરતાનું નિમંત્રણ પાઠવી શકશે કે કેમ ? તે બાબતે પણ ભારે અસમંજસ જોવા મળી રહી છે. બીજી તરફ ભાદરવી મેળાને લઇ વહીવટી તંત્ર દ્વારા પાંચ થી છ માસ અગાઉ જ મેળાની તૈયારીઓ શરૂ કરવામાં આવતી હતી. પરંતુ વર્તમાન સમયમાં વહીવટી તંત્રનો પણ કોઈ સળવળાટ જોવા મળતો નથી.
આ અંગે ભાદરવી પૂનમિયા સંઘના પ્રમુખ વિરસંગભાઇ (રહે. પામોલ) નો સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે, સરકાર ગાઈડ લાઈન આપે તે મુજબ અમે વર્તીશું. પણ કોરોનાની મહામારીને લીધે ન થાય તો સારૂ. જોકે, કેટલાય સંઘો તો શ્રાવણ માસમાં માં અંબાના દર્શન કરી રહ્યા છે. તંત્ર દ્વારા કોરોના મહામારીમાં આ વખતે મેળો યોજવો કે નહીં તેને લઈ અસમંસજ છે.
તંત્ર અવઢવમાં: મેળા અંગે સરકાર આ અંગેનો નિર્ણય લેશે
કલેકટર આનંદ પટેલે કહ્યું- ભાદરવી પૂનમના મેળા અંગેની વિચારણા અંગેનો નિર્ણય રાજ્યકક્ષાએથી લેવાશે અત્રેની કચેરીએથી તમામ વિગતો રાજ્ય કક્ષાએ મોકલી દેવામાં આવી છે. મેળો યોજવા અંગેના માટે અગાઉથી આયોજન કરવું પડતું હોય છે એટલે એ બાબતનું સરકારમાં ધ્યાન દોર્યું છે.
આ સંજોગોમાં સ્વાસ્થ્યની દ્રષ્ટિએ મેળો જોખમી
મંદિરના પૂજારી ભટ્ટજી મહારાજ અલ્પેશભાઈએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં હાલની પરિસ્થિતિ છે તેવી દેશમાં જળવાઈ રહે. ગુજરાતમાં છેલ્લા પાંચ કેસ પણ નાબૂદ થઈ જાય તેવી માતાજીને પ્રાર્થના.મેળો શ્રદ્ધાની દ્રષ્ટિએ યોજવો જોઈએ પરંતુ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ જોખમી પણ એટલો ગણાય.માટે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ સાવચેતી પણ એટલીજ જરૂરી છે.
ભાદરવી મેળો ન યોજાય તો સારૂ
અંબાજી હોટલ ઉદ્યોગના આગેવાન વેપારી રમેશભાઈ તેલીના જણાવ્યા મુજબ આટલી બધી સંખ્યામાં લોકો ભેગા થાય તે જોખમી છે. મારી દ્રષ્ટિએ મેળો ન યોજાય તો સારૂ. શ્રદ્ધાળુઓ આડા દિવસે પણ દર્શન કરી શકે છે.
તો મંદિરના દ્વાર બંધ કરવા પડશે
જગતજનની માઁ અંબાના ભાદરવી પૂનમના મેળામાં પદયાત્રાનું મહત્વ છે. જો મેળો રદ થશે તો તંત્રને મંદિર પણ ફરજીયાત બંધ રાખવુ જ પડે તેવી સ્થિતિ સર્જાશે તેમ મંદિર સુત્રોએ જણાવ્યું હતુ.