રસોઈ ગેસ સિલિન્ડર 25 રૂપિયા મોંઘો થયો, સબ્સિડી વગરના સિલિન્ડરની કિંમત વધીને 866.50 રૂપિયા થઈ
સરકારી ઓઈલ કંપનીઓએ ફરીથી એક વખત ઘરેલુ ગેસ સિલિન્ડરની કિંમત વધારી દીધી છે. સબ્સિડી વગરના 14.2 કિલોગ્રામ ગેસ સિલિન્ડરના ભાવમાં 25 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. હવે દિલ્હીમાં 14.2 કિલો LPG સિલિન્ડર 859.50 રૂપિયાનો થઈ ગયો છે. અગાઉ 1 જુલાઈના રોજ રસોઈ ગેસ સિલિન્ડરની કિંમતમાં 25.50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો.
વર્ષ 2021ની શરૂઆતમાં એટલે કે જાન્યુઆરીમાં દિલ્હીમાં LPG સિલિન્ડરનો ભાવ 694 રૂપિયા હતો, જે ફેબ્રુઆરીમાં વધીને 719 રૂપિયા થઈ ગયો. 15 ફેબ્રુઆરીએ ભાવ વધીને 769 રૂપિયા થઈ ગયો ત્યારબાદ 25 ફેબ્રુઆરીના રોજ LPG સિલિન્ડરનો ભાવ 794 રૂપિયા કરી દેવામાં આવ્યો. માર્ચમાં LPG સિલિન્ડરની પ્રાઈસ 819 રૂપિયા કરવામાં આવી. એપ્રિલના શરૂઆતમાં 10 રૂપિયાનો ઘટાડો કર્યા બાદ ઘરેલુ ગેસની કિંમત દિલ્હીમાં 809 રૂપિયા થઈ ગઈ હતી. એક વર્ષમાં LPG સિલિન્ડરના ભાવમાં 165.50 રૂપિયાનો વધારો થયો છે. જ્યારે ડિસેમ્બરથી લઈને અત્યાર સુધી લગભગ 275 રૂપિયા સિલિન્ડરનો ભાવ વધી ગયો છે.
1 ઓગ્સટથી કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવ વધ્યા હતા
આ મહિનાની શરૂઆતમાં 19 કિલોગ્રામ કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 73.5 રૂપિયા પ્રતિ સિલિન્ડરનો વધારો થયો હતો. જો કે ત્યારે ઘરેલુ રસોઈ ગેસ સિલિન્ડરની કિંમતોમાં વધારો કરવામાં નહોતો આવ્યો.
છેલ્લા 7 વર્ષોમાં ગેસ સિલિન્ડરની કિંમત બમણી થઈ
છેલ્લા 7 વર્ષોમાં ઘરેલુ ગેસ સિલિન્ડર (14.2 કિલોગ્રામ)ની કિંમત બમણી થઈને 859.50 રૂપિયા પ્રતિ સિલિન્ડર થઈ ગઈ છે. 1 માર્ચ 2014ના રોજ 14.2 કિલોના ઘરેલુ ગેસ સિલિન્ડરની કિંમત 410.5 રૂપિયા હતી જે હવે 859.5 રૂપિયા છે.