તાલિબાનને મળ્યો ચીનનો સપોર્ટ ! આતંકવાદીઓ હવે લોકોના કલ્યાણ માટે કામ કરશે : ચીન
સમગ્ર દુનિયાએ જોયુ કે કઇ રીતે તાલિબાનીઓએ અફઘાનિસ્તાન અને રાષ્ટ્રપતિ ભવન પર કબજો કરી લીધો છે. દુનિયાના તમામ દેશોએ તાલિબાનની નિંદા કરી છે અને અફઘાનિસ્તાનના લોકોની ચિંતા કરી રહ્યા છે તેવામાં 2 દેશ છે જે તેમના વખાણ કરી રહ્યા છે. બીજા કોઇ નહી પણ આ બંને દેશ છે પાકિસ્તાન અને ચીન. પહેલાથી જ પાકિસ્તાન આતંકવાદને સપોર્ટ કરી રહ્યુ છે અને ચીન પાકિસ્તાનને.
હવે ચીન તાલિબાનના પ્રવક્તાની જેમ વાતો કરી રહ્યુ છે. ગુરુવારે ચીન દ્વારા કહેવામાં આવ્યુ છે કે તેમણે તાલિબાનીઓ સાથે વાત કરીને તેમને જણાવ્યુ છે કે અફઘાનિસ્તાનમાં સત્તા પોતાના હાથામાં લીધા બાદ તેઓ પોતાના ઉદ્દેશ્યો તરફ જુએ. ચીને વધુમાં જણાવ્યુ કે આ આતંકી સંગઠનનું આકલન તેના કામ બદલ થવુ જોઇએ. તે હવે પહેલાની જેમ ક્રુર નથી રહ્યા. ચીન તરફથી કહેવામાં આવ્યુ કે તાલિબાનના વિચારો હવે આધુનિક થયા છે અને તેઓ ખુબ વિવેકશીલ છે.સાથે જ ચીને કહ્યુ કે અમને આશા છે તે તેઓ પોતાના વચનો પાળશે જેમાં મહિલાઓના અધિકારોની વાત કરવામાં આવી છે. ચીની વિદેશ મંત્રાલયના પ્રવક્તા હુયા ચુનિઇંગએ જણાવ્યુ કે, હાલ સ્થિતી સંપૂર્ણ રીતે પારદર્શક નથી. આશા છે કે તાલિબાન હવે ભૂતકાળ જેવી ભૂલો ન કરે અને તેમના વિચારો હવે સ્પષ્ટ હોય.
વિદેશ મંત્રાલયની પ્રવક્તાએ કહ્યુ કે, તાલિબાની નેતાઓ અને તેમના પ્રવક્તાઓએ કહ્યુ છે કે તાલિબાની સંગઠન લોકોની સમસ્યા ખતમ કરવાની દિશામાં કામ કરશે. તેઓ પોતાની આકાંક્ષાઓને પૂરી કરી જેથી ઇસ્લામિક સરકાર બની શકે.
મીડિયા સાથે વાતચીત દરમિયાન જ્યારે તેમને પુછવામાં આવ્યુ કે શું ચીન તરફથી તાલિબાનીઓ સાથે ચર્ચા કરવામાં આવી છે ? પુછવામાં આવ્યુ કે જ્યારે તાલિબાન સરકાર બનાવશે ત્યારે બેઇજિંગ તેને માન્યતા આપશે ? જેના જવાબમાં તેમણે કહ્યુ કે અમે દેશની સંપ્રભુતાનું સન્માન કરીએ છીએ. પાછલા કેટલાક સમયમાં અફઘાનિસ્તાનમાં થયેલા બદલાવ દરમિયાન ચીન સતત અફઘાન-તાલિબાન સાથે વાતચીત કરી રહ્યુ છે.
ચીને જણાવ્યુ કે તાલિબાનની સરકાર બન્યા બાદ જ તેઓ નિર્ણય લેશે કે અફઘાનિસ્તાન સાથે રાજકીય સંબંધો રાખવા છે કે નહી. તેમણે જણાવ્યુ કે અમે આશા કરીએ છીએ કે અફઘાનિસ્તાનની નવી સરકાર મુક્ત, સમાવેશી અને વ્યાપક પ્રતિનિધિત્વ વાળી હશે. તાલિબાને કહ્યુ છે કે તેઓ બધા સાથે સમાન વ્યવહાર કરશે. તે પૂર્વ કર્મચારીઓ સાથે પણ સારો વ્યવહાર કરશે. તેમણે એ પણ જણાવ્યુ છે કે તાલિબાન મહિલાઓની બોલવાની આઝાદીનું પણ સન્માન કરશે.
અહીં પ્રશ્ન ઉભો થાય છે કે દુનિયાભરના દેશ જ્યારે તાલિબાનની નિંદા કરી રહ્યા છે તેવામાં ચીન કેમ તેમના ગુણગાન ગાઇ રહ્યુ છે ? શું આતંકવાદીઓ અને કટ્ટરવાદીઓના વિચારોમાં આટલો બદલાવ આવી શકે ? શું જેમણે પહેલા લોકોના અધિકારોને કચડી નાખ્યા હોય હવે તેજ તેમના અધિકારોનું રક્ષણ કરશે ? જો તાલિબાન એટલું જ સુધરી ગયુ છે તો લોકો કેમ પોતાનો જીવ જોખમમાં મુકીને દેશ છોડવા તૈયાર છે ?