ગણેશોત્સવની ઉજવણીને લઈ સરકારનો હજુ કોઈ નિર્ણય નહીં, આયોજકોમાં અસમંજસ
રાજ્યમાં સતત બીજા વર્ષે પણ સાર્વજનિક પંડાલમાં યોજાતો ગણેશોત્સવ નહીં યોજાય. જોકે રાજ્ય સરકારે 4 ફૂટના માટીના ગણપતિનું સ્થાપન કરીને પૂજા – સ્થળ વિસર્જન માટે મંજૂરી આપી છે. પરંતુ તે માત્ર સોસાયટી, ફ્લેટ, પોળ કે શેરીમાં જ કરી શકાશે. જ્યારે પંડાલમાં યોજાતા 600 જેટલા ગણશોત્સવના આયોજકને ચાલુ વર્ષે પોલીસે મંજૂરી આપી નથી કે જાહેરનામું પણ બહાર પાડ્યું નથી.
ગણેશ મહોત્સવ એસોસિએશનના પ્રમુખે કહ્યું કે, 3 વર્ષ પહેલાં અમદાવાદમાં 600 જેટલા સાર્વજનિક ગણેશ ઉત્સવ યોજાતા હતા. તેમજ સોસાયટીઓ, શેરીઓ, પોળો તેમજ ઘરમાં લોકો અંદાજે 1 થી 1.50 લાખ ગણપતિનું સ્થાપન-વિસર્જન કરાતું હતું. પરંતુ ગત 2 વર્ષથી કોરોનાને કારણે સરકારે ગણેશોત્સવ માટે મંજૂરી આપી ન હતી.
જ્યારે ચાલુ વર્ષે રાજ્ય સરકારે 4 ફુટના માટીના ગણપતિનું સ્થાપન કરીને ગણેશોત્સવની મંજૂરી આપી છે. કેટલાક સાર્વજનિક ગણેશોત્સવ આયોજકોએ પોલીસ પાસે મંજૂરી માગી છે. પરંતુ પોલીસે હજુ સુધી મંજૂરી આપી નથી. તે માટે તેમને કહેવામાં આવ્યું છે કે આ અંગે પોલીસ કમિશનર જાહેરનામું બહાર પાડશે, ત્યારબાદ જ મંજૂરી આપવી કે નહીં તે નક્કી કરાશે.
સોસાયટી, શેરી, પોળ તેમજ ફ્લેટમાં 4 ફુટની માટીની ગણપતિની મૂર્તિનું સ્થાપન કરીને ગણેશોત્સવ યોજી શકાશે. જો કે ત્યાં પણ ડાયરો કે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજી શકાશે નહીં. માત્ર સોસાયટીના સભ્યોની હાજરીમાં જ આરતી-દર્શન અને પ્રસાદ વિતરણ કરી શકાશે. તેમાં પણ કોરોનાની ગાઈડ લાઈનનું પાલન કરવું પડશે. ત્યારે કેટલીક જગ્યાએ ગણેશોત્સવની તૈયારીઓ પણ આરંભી દેવાઇ છે.