ગાંધીનગરગુજરાત

પાટીદારોને અનામત અપાવવી ભાજપ સરકાર માટે પડકાર સમાન, શું સરકારને નારાજગી વ્હોરવી પડશે!

કેન્દ્ર સરકારે ઓબીસી બિલ પાસ કરી દીધુ છે અને ઓબીસીમાં કઇ જ્ઞાાતિનો સમાવેશ કરવો તે અંગે રાજ્ય સરકારોને સત્તા આપી દીધી છે. ઓબીસીમાં અન્ય જ્ઞાાતિનો સમાવેશ કરવા ગુજરાત સરકાર ટૂંક સમયમાં એક પંચની રચના ક્રશે. જોકે, વિધાનસભાની ચૂંટણી વખતે જ આ સળગતો મુદ્દો ભાજપ સરકારને રાજકીય રીતે દઝાડી શકે છે કેમકે, જાણકારોનુ કહેવુ છેકે, પાટીદારોને અનામત અપાવવી ભાજપ સરકાર માટે પડકાર સમાન છે. ગુજરાતમાં અત્યારે ઓબીસીમાં 146 જ્ઞાાતિનો સમાવેશ કરાયો છે.

અન્ય જ્ઞાાતિઓને ઓબીસીમાં સમાવવી એ સરકાર માટે પડકારરૂપ બનશે

હવે અન્ય જ્ઞાાતિઓને ઓબીસીમાં સમાવવી એ સરકાર માટે પડકારરૂપ બનશે તેનુ કારણ એછે કે, અન્ય જ્ઞાાતિઓનો સમાવેશ કરાશે તો ભાજપ સરકારને ઓબીસીમાં સમાવિષ્ટ જ્ઞાાતિઓની નારાજગી વ્હોરવી પડે તેમ છે. એટલુ જ નહીં, અનામતનો મુદ્દો ફરી ગુજરાતમાં ફેણ માંડી શકે છે.

રાજ્યમાં 48 ટકા લોકોને ઓબીસીનો દરજ્જો

રાજ્યમાં 48 ટકા લોકો ઓબીસીનો દરજ્જો ધરાવે છે. હવે કેન્દ્ર સરકારે તો રાજ્ય સરકારના માથે ઓબીસીમાં અન્ય જ્ઞાાતિનો સમાવેશ કરવાની જવાબદારી થોપી છે. ગુજરાતમાં કઇ જ્ઞાાતિ સામાજીક અને શેક્ષણિક રીતે પછાત છે તે અંગે સરકારે અભ્યાસ કરવો પડશે. તે જ્ઞાાતિ વાસ્તવિક રીતે પછાત છે તેવુ સાબિત થયા બાદ તેનો ઓબીસીમાં સમાવેશ થઇ શકશે.

કેન્દ્રીય મંત્રી મહેન્દ્ર મુંજપરાએ આ વાતને સમર્થન આપ્યું

સૂત્રોના મતે, કેન્દ્ર સરકારના આદેશ મુજબ રાજ્ય સરકાર ટૂંકમાં જ એક પંચ નિમશે જે ગુજરાતમાં કઇ જ્ઞાાતિનો ઓબીસીમાં સમાવેશ થઇ શકશે તે અંગે નિર્ણય લેશે. જન આશિર્વાદ યાત્રામાં કેન્દ્રીય મંત્રી મહેન્દ્ર મુંજપરાએ આ વાતને સમર્થન આપ્યું છે.

જોકે, રાજ્ય સરકાર તો હાલ થોભો અને રાહ જુઓની નીતિ અપનાવવાના મત માં છે કેમકે, એક બાજુ, પાટીદારો  ઓબીસીમાં સમાવવા તલપાપડ બન્યા છે તો બીજી બાજુ, ઓબીસી જ્ઞાાતિઓ વિરોધ કરવાની તૈયારીમાં છે. આ જોતાં ભાજપ સરકાર માટે પાટીદારોને સાચવવામાં કયાંક ઓબીસી જ્ઞાાતિ નારાજ ન થાય તેની ભિતી સરકારને સતાવી રહી છે. ટૂંકમાં ઓબીસીમાં સમાવવાનો મુદ્દે ઇધર કુંઆ,ઉધર ખાઇ જેવી દશા થઇ છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x