રાજકોટમાં IT વિભાગનો સપાટો, એક સાથે બે ડઝનથી વધુ સ્થળો પર દરોડા
રાજકોટમાં લાંબા સમય બાદ આવકવેરા વિભાગ દ્વારા મેગા સર્ચ ઑપરેશન હાથ ધરાયું છે. જે અંતર્ગત શહેરમાં બે ડઝનથી વધુ સ્થળો પર આઈટી વિભાગ ત્રાટક્યું છે. રાજકોટના જાણીતા બિલ્ડર આરકે ગ્રુપ પર ઈન્કમટેક્સ વિભાગે તવાઈ બોલાવી છે. આ ગ્રુપ સાથે સંકળાયેલા કોન્ટ્રાક્ટરોના ત્યાં પણ તપાસ હાથ ધરવામાં આવી છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, રાજકોટ શહેરના જાણીતા બિલ્ડર આરકે ગ્રુપના સર્વાનંદ સોનવાણી સહિતના ભાગીદારોના ઠેકાંણા પર ઈન્કમટેક્સ વિભાગે વહેલી સવારથી તવાઈ બોલાવી છે. સર્વાનંદ સોનવાણીના સિલ્વર હાઈટ્સ સ્થિત ફ્લેટ પર દરોડા પાડવા ઉપરાંત આરકે ગ્રુપના અન્ય 4 ભાગીદારોના ત્યાં પણ તપાસની કાર્યવાહી કરવામાં આવી છે.
આરકે ગ્રુપની નાનામવા ખાસે આવેલી મુખ્ય ઑફિસ પર પણ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જ્યારે આરકે ગ્રુપ સાથે સંકળાયેલા બે કોન્ટ્રાક્ટરોના ત્યાં પણ તલાશી લેવામાં આવી રહી છે.
આ સિવાય જાણીતા ઉદ્યોગપતિ હરીસિંહ સુચરિયાના શ્રેયસ સોસાયટીમાં આવેલા મકાન પર આઈટી વિભાગે દરોડા પાડ્યા હતા. જ્યારે જાગનાથ માર્બલવાળા પ્રફુલ ગંગદેવ પણ આવકવેરા વિભાગની ઝપટે ચડ્યાં છે.
રાજકોટમાં લાંબા સમય બાદ ઈન્કમટેક્સ વિભાગના મેગા ઓપરેશનના કારણે બિલ્ડર લોબીમાં સોંપો પડી ગયો છે. આ તપાસના અંતે કરોડો રૂપિયાની બેનામી સંપત્તિ મળે તેવી શક્યતા જોવામાં આવી રહી છે.