રાજ્યમાં ઓટોમોબાઇલ ક્ષેત્રે ૨ અબજ ડોલરનું રોકાણ થયું : વિજય રૂપાણી
9, માર્ચ 2018
ગાંધીનગર
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અદમવાદના સાણંદમાં મેકસિસ રબર ઇન્ડિયાના નવતર ટાયરટ્યૂબ પ્લાન્ટનું લોકાર્પણ કરતાં રાજયમાં ઓટોમોબાઇલ ક્ષેત્રે બે અબજ ડોલર કરતા વધુનુ રોકાણ થયું હોવાનું ગૌરવ સહ જણાવ્યું હતું. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, રાજ્યમાં આવેલા કુલ વિદેશી મૂડીરોકાણોમાં ઓટોમોબાઇલ ક્ષેત્ર ૧૫ ટકાનો હિસ્સો ધરાવે છે. ૨૦૧૬૧૭ના વર્ષમાં ભારતની વાહનોની નિકાસમાં ગુજરાતનો ફાળો ૧૦ ટકા રહ્યો છે તેમ પણ તેમણે ઉમેર્યું હતું. તાઇવાનની અતિ પ્રતિષ્ઠિત કંપની મેકસિસ રબરે પોતાના ઉત્પાદન એકમ માટે ગુજરાતની પસંદગી કરી તેને આવકારતાં મુખ્યમંત્રીએ વિશ્વાસ દર્શાવ્યો કે, ભારત-તાઇવાન સંબંધો વધુ સુદ્રઢ કરવામાં ગુજરાત નિર્ણાયક બનશે.
મુખ્યમંત્રીએ મેકસિસ રબરનો આ નવિન પ્લાન્ટ રોજના ૨૦ હજાર ટાયર અને ૪૦ હજાર ટયૂબ ઉત્પાદનની ક્ષમતા સાથે ૨ હજારથી વધુ સ્થાનિક યુવાઓને રોજગાર અવસરો ઘર આંગણે પૂરા પાડશે તે માટે અભિનંદન પાઠવ્યા હતા. તેમણે કહ્યું કે, સાણંદ, માંડલ, બેચરાજી, હાલોલ અને રાજકોટ હવે ભારતના ઓટોમોટિવ મેન્યૂફેકચરીંગ કલસ્ટર્સ તરીકે ઉભરી રહ્યા છે ત્યારે મેકસિસના આગમનથી ટાયર-ટ્યૂબ ઉત્પાદન ક્ષેત્રે પણ ગુજરાતનો દબદબો છવાશે.