ગુજરાત સરકાર દ્વારા માનસિક બીમાર લોકોને સ્થળ પર જઈને કોરોના રસી અપાશે
માનસિક બીમાર લોકોના રસીકરણ અંગે ગુજરાત સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. રાજ્યમાં હવે માનસિક રીતે બીમાર લોકોને સ્થળ પર જઈને કોરોનાની રસી આપવામાં આવશે.સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ રાજ્યના આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ મનોજ અગ્રવાલે આ નિવેદન આપતા કહ્યું કકે રાજ્યનું આરોગ્ય વિભાગ માનસિક હોસ્પિટલ, આશ્રય સ્થાનો અને રહેણાંક વિસ્તારમાં જઇને તેઓનું રસીકરણ કરશે.મહત્વનું છે કે, માનસિક બીમાર લોકોને પણ કોરોના રસી આપવાનો સુપ્રીમ કોર્ટે ચુકાદો કર્યો છે.
1 સપ્ટેમ્બરે સર્વોચ્ચ અદાલતે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને માનસિક હોસ્પિટલોમાં દાખલ દર્દીઓને કોરોનાની રસી આપવાની સમયરેખા નક્કી કરવા વિચારણા કરવાનો નિર્દેશ આપ્યો હતો. જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડની અધ્યક્ષતાવાળી ખંડપીઠે આ સંદર્ભે 15 ઓક્ટોબર સુધીમાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને સ્ટેટસ રિપોર્ટ દાખલ કરવાનો નિર્દેશ આપ્યો છે.મહારાષ્ટ્ર સરકાર માનસિક રીતે બીમાર લોકોને બેગર હાઉસ અને વૃદ્ધાશ્રમમાં ખસેડી રહી હતી, જેના વિરુદ્ધમાં અરજી દાખલ કરવામાં આવી હતી. 6 જુલાઈના રોજ કોર્ટે મહારાષ્ટ્ર સરકારને આદેશ આપ્યો હતો કે માનસિક રીતે બીમાર દર્દીઓને હોસ્પિટલોમાંથી બેગર હાઉસ કે વૃદ્ધાશ્રમમાં મોકલવાની પ્રથા બંધ કરવામાં આવે. કોર્ટે કહ્યું હતું કે આમ કરવું મેન્ટલ હેલ્થ એક્ટની ભાવનાની વિરુદ્ધ છે. સુનાવણી દરમિયાન એમિકસ ક્યુરી ગૌરવ બંસલે જણાવ્યું હતું કે માનસિક રીતે બીમાર દર્દીઓનું રસીકરણ જરૂરી છે. ત્યારબાદ સુપ્રીમ કોર્ટે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને ઉક્ત આદેશ કર્યો હતો.