હિંમતનગરના વીરાવાડામાંથી ખાદ્યતેલનો 3000 હજાર લીટર શંકાસ્પદ જથ્થો ઝડપાયો
સાબરકાંઠામાં હિંમતનગરમાંથી ખાદ્યતેલનો મોટો શંકાસ્પદ જથ્થો ઝડપાયો છે. શંકાસ્પદ તેલનો આ જથ્થો હિંમતનગરના વીરાવાડામાંથી ઝડપાયો છે. ફૂડ એન્ડ ડ્રગ વિભાગની તપાસમાં આ તેલ શંકાસ્પદ હોવાની જાણ થતા મોતી બ્રાન્ડનો શંકાસ્પદ તેલનો જથ્થો સીઝ કરવામાં આવ્યો છે. ફૂડ એન્ડ ડ્રગ વિભાગે આ અંગે કાર્યવાહી કરતા 3 લાખથી વધુનો તેલનો જથ્થો સીઝ કર્યો છે અને સાથે જ ફૂડ એન્ડ ડ્રગ વિભાગે 3, 270 લીટરથી વધારે શંકાસ્પદ ખાદ્યતેલની તપાસ હાથ ધરી છે.ફૂડ એન્ડ ડ્રગ વિભાગે અંદાજે 3 લાખથી વધુનું શંકાસ્પદ ખાદ્યતેલ જપ્ત કર્યું છે. જપ્ત કરેલા તેલમાં 5 લીટર અને 15 કિલોના ડબ્બાનો પણ સમાવેશ થાય છે. ફૂડ એન્ડ ડ્રગ વિભાગે મોટી માત્રામાં ભેળસેળયુક્ત શંકાસ્પદ તેલનો જથ્થો ઝડપી પાડતા વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે.
આ અગાઉ બનાસકાંઠામાં પણ શંકાસ્પદ તેલનો જથ્થો ઝડપાયો હતો. ગત જાન્યુઆરી મહિનામાં પોલીસે ગુજરાત રાજસ્થાન બોર્ડર પર આવેલ ધાનેરા તાલુકાના નેનાવા ગામ પાસેથી શંકાસ્પદ તેલનો જથ્થો ઝડપી પાડ્યો હતો. ધાનેરા પોલીસ વાહન ચેકીંગમા હતી ત્યારે રાજસ્થાન તરફથી આવી રહેલી એક ઇકો કાર શંકાસ્પદ જણાતા પોલીસે કારની તપાસ કરી હતી. તાપસ દરમિયાન કારમાંથી શંકાસ્પદ તેલના ડબ્બા મળી આવ્યા હતા. પોલીસે 23 તેલના ડબ્બા અને કાર સહિત કુલ 2.23 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. તેમજ બનાસકાંઠા જિલ્લા ફુડ વિભાગને પણ આ અંગેની જાણ કરી શંકાસ્પદ તેલના સેમ્પલ લેવા માટે જાણ હતી. ધાનેરા પોલીસે આ કેસમાં ગાડી ચાલક સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી કરી હતી.