મોદી-શાહની ગેરહાજરીમાં ફ્લોર મેનેજમેન્ટમાં નિષ્ફળ રૂપાણી સરકાર કોંગ્રેસના શરણે પડી ગઈ ?
Gandhinagar
March 28, 2018
ગુજરાત વિધાનસભામાં વિપક્ષ કોંગ્રેસને મ્હાત કરવામાં ભાજપ કદાચ સૌ પ્રથમવાર નિષ્ફળ નીવડી છે અને એવું પ્રથમ વખત બન્યું છે કે ગુજરાતમાં ભાજપને મોદી અને શાહની ભારે ખોટ પડી હોય કેમ કે કોંગ્રેસ પોતાના ૩ ધારાસભ્યોનું સસ્પેન્શન ૩ વર્ષથી ઘટાડીને સત્ર સમાપ્તિ સુધી કરવામાં સફળ રહ્યું છે. રૂપાણી સરકારે અધ્યક્ષ રાજેન્દ્ર ત્રીવેદીને બચાવવાની લાહ્ય માં પોતાની ફ્લોર મેનેજમેન્ટની નિષ્ફળતા છતી કરી દીધી છે.૨૨ વર્ષ સત્તામાં રહેનાર પાર્ટીને પ્રથમ વાર વિપક્ષના નેતા બનેલાએ ફ્લોર મેનેજમેન્ટમાં ચિત્ત કરી નાંખી છે. ભાજપના કેટલાક માને છે કે જો આવા સમયે મોદી અને અમિત શાહ હોત તો સસ્પેન્શન યથાવત રાખીને અધ્યક્ષ સામેની દરખાસ્ત પણ આવવા દીધી નાં હોત.
વિધાનસભાનું બજેટ સત્ર ૨૮મી માર્ચે પૂરું થઇ રહ્યું છે ત્યારે ભાજપે વિપક્ષ કોંગ્રેસ સાથે જે સમાધાન કર્યું તેમાં કોંગ્રેસનો હાથ ઉપર રહ્યો છે એમ કહીને ભાજપના કેટલાક વર્તુળો કહે છે કે કોંગ્રેસ હવે પછી અધ્યક્ષ સામે અવિશાસની દરખાસ્ત નહિ લાવે તેની કોઈ ખાતરી નથી. હજો તો આવા ચાર બજેટ સત્ર મળવાના છે. તેમાં કોંગ્રેસ ગમે ત્યારે અધ્યક્ષની સામે અવિશ્વાસની દરખાસ્ત લાવવા સ્વતંત્ર છે. પણ ભાજપ કોંગ્રેસના ૩ ધારાસભ્યોને ફરીથી ૧ વર્ષ કે ૩ વર્ષ માટે સસ્પેન્ડ કરી શકશે નહિ સિવાય કે તેઓ કે બીજા એવી કોઈ હરકત કરે તો. અને કોંગ્રેસના સભ્યો હવે એઈ કોઈ ગેરશિસ્ત આચરે તેમ નથી કેમ કે તેમને સમજાઈ ગયું છે કે ભાજપ શું ઈચ્છે છે. ઉપરાંત તેમને વધુમા વધુ સત્ર સમાપ્તિ સુધી જ સસ્પેન્ડ કરી શકાય તેમ છે. અને કોંગ્રેસે ભાજપને હાઈકોર્ટમાં રીટ કરીને સરકારને અને અધ્યક્ષને દર્શાવી દીધું છે કે અધ્યક્ષના નિર્ણયની સામે તેઓ કોર્ટના દરવાજા ખટખટાવી શકે છે.
ભાજપના વર્તુળો વધુમાં કહે છે કે ભાજપે અધ્યક્ષ સામેના પ્રસ્તાવને આવવા દઈને કોંગ્રેસના ૩ ધારાસભ્યોનું સસ્પેન્શન યથાવત રાખીને ભલે મામલો કોર્ટમાં ચાલે તેવી નીતિ કે ફ્લોર મેનેજમેન્ટ અપનાવાઈ હોત તો કોંગ્રેસ દાબ માં રહેત અને જો ગુજરાતમાં મોદી-શાહ હોત તો તેઓ ચોક્કસપણે આ જ રણનીતિ અપનાવત. કેમ કે કોર્ટમાં ભાજપને વકીલનો કોઈ ખર્ચ થવાનો નથી. સરકારી વકીલ કેસ લડે જ્યારે કોંગ્રેસે પોતાના ખર્ચે કેસ લડવો પડ્યો હોત.
તેઓ કહે છે કે અધ્યક્ષની સામે ભેદભાવના આક્ષેપો કોઈ નવી વાત નથી. કોંગ્રેસ ગમે ત્યારે આવો ગંભીર આક્ષેપ કોઈ પણ સત્રમાં કરી શકે છે અને આવો કોઈ આક્ષેપ કરવો નહિ એવું કોઈ લખાણ ભાજપની રૂપાણી સરકારે વિપક્ષ પાસેથી લઇ લીધું નથી. ભાજપે જે સમાધાન કર્યું તેમાં ઉતાવળ, મોદી-શાહની ગેરહાજરી અને અધ્યક્ષને બચાવવાની બિનજરૂરી ચિંતા દેખાય છે. કોંગ્રેસની ફ્રેશ અને યુવા ટીમે ફ્લોર મેનેજમેન્ટ માં હોંશિયાર ગણાતી ભાજપ પાર્ટીને પ્રથમ જ સત્રમાં ભોય ભેગી કરી દીધી હોવાનો વસવસો આ વર્તુળોએ વ્યક્ત કર્યો હતો.