ગુજરાત ભાજપ હવે ૩ ટર્મ ચૂંટાયેલ ધારાસભ્યોને ટિકિટ નહીંની ફોર્મ્યુલા અપનાવી શકે છે.
ગુજરાતમાં 2022ની વિધાનસભા ચૂંટણીમાં 150થી વધુ બેઠકો મેળવવા માટે ભાજપ ઝડપથી આગળ વધી રહ્યો છે, જેમાં આગામી ચૂંટણીમાં ભાજપની ટિકિટ માટે 60 વર્ષથી ઉપરની ઉંમરનો બાધ નથી રાખ્યો, પણ ત્રણ ટર્મથી ચૂંટાયેલાને ટિકિટ નહીં આપવાના માપદંડ અમલી બનાવી આડકતરી રીતે 60થી વધુ વયનાની ટિકિટ કપાઈ શકે છે. આમ પણ ભાજપ-પ્રમુખ પાટીલે પોતાની સંગઠનની ટીમમાં સૌથી વધુ યુવાઓને સ્થાન આપ્યું છે, એ જોતાં ભાજપ વિધાનસભામાં પણ યુવાઓને જ વધુ ટિકિટ આપી શકે છે.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ફોર્મ્યુલા સફળ સાબિત થઈ
ગુજરાત ભાજપના પ્રમુખપદે સી.આર.પાટીલની નિમણૂક કરવામાં આવ્યા બાદ વિધાનસભાની પેટાચૂંટણીઓ અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજાઈ હતી. આ ચૂંટણીઓમાં પાટીલની ફોર્મ્યુલા મુજબ ટિકિટોની ફાળવણી કરવામાં આવી હતી. આ ઉપરાંત પેજ-પ્રમુખ સહિત નેતાઓના પ્રચાર માટે પણ ખાસ વ્યૂહરચના ગોઠવવામાં આવી હતી, જેને લીધે ભાજપનો શાનદાર વિજય થયો હતો. આ ચૂંટણીનાં પરિણામોનાં એનાલિસિસ અને રિપોર્ટના આધારે વિધાનસભા ચૂંટણીની ફોર્મ્યુલા બનાવવામાં આવી રહી છે.
ધારાસભ્યનું પર્ફોર્મન્સ સારું હશે તો અપવાદ ગણીને ટિકિટ મળશે
આ ફોર્મ્યુલાને ધ્યાનમાં રાખીને ટિકિટની ફાળવણી જેવા મહત્ત્વના નિર્ણયોમાં પણ કેટલાક માપદંડ જાહેર કરવા ભાજપ સંગઠન અને સરકારના વરિષ્ઠ નેતા વચ્ચે ચર્ચાઓ ચાલી રહી છે. 2022ની વિધાનસભા ચૂંટણીમાં 150થી વધુ બેઠકો મેળવવાના ટાર્ગેટ સાથે પાટીલ અને તેમની ટીમ કામ કરી રહી છે. એમાં ભાજપમાં યુવાનોને વધુ ને વધુ તક મળે એ માટે એક એવી ફોર્મ્યુલા નક્કી કરવામાં આવી રહી છે, જેમાં વિધાનસભામાં સળંગ 3 ટર્મથી ચૂંટાયેલા ધારાસભ્યોને ટિકિટ ન આપવી, પરંતુ જે ધારાસભ્યનું પર્ફોર્મન્સ સારું હશે તેને અપવાદ ગણી ટિકિટ આપવી. જોકે 60 વર્ષથી વધુ વયનાને વિધાનસભાની ટિકિટ નહીં આપવી એવા માપદંડની પાટીલે સ્પષ્ટ ના પાડી છે. એ જોતાં ભાજપમાં ટિકિટ માટે ઉંમર બાધ રહેશે નહીં.
સિનિયર ધારાસભ્યોનું શું થશે?
ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણીમાં ટિકિટ માટેની ગતિવિધિઓ અને ગણગણાટ શરૂ થઈ ગયો છે, ત્યારે પ્રદેશ પ્રમુખ પાટીલને ચૂંટણીના એક વર્ષ પહેલાં સ્પષ્ટતા કરવી પડી છે, પરંતુ ભાજપે એવી સોગઠી મારી છે કે એક તરફ જાહેર કર્યું કે 60 વર્ષની ઉંમરની મર્યાદા વિધાનસભાની ટિકિટ માટે નથી તો બીજી બાજુ એવું પણ ગોઠવાઈ રહ્યું છે કે ત્રણ ટર્મ થઈ સળંગ ચૂંટાઈ રહેલા ધારાસભ્યોને ફરી ટિકિટ ના આપવી, એટલે મોટા ભાગના સિનિયર ધારાસભ્યો ઘેર બેસી શકે છે.
પ્રદેશ ટીમની રચનામાં પાટીલની જ પસંદગી ચાલી હતી
ગુજરાત ભાજપમાં હવે પાટીલનું જ વર્ચસ્વ ચાલી રહ્યું હોવાની ચર્ચા છે. પાટીલે 150થી વધુ વિધાનસભા બેઠક જીતવાના લક્ષ્યાંકને પાર પાડવા ગુજરાતમાં પોતાની રીતે નિર્ણય લેવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમિત શાહનો વિશ્વાસ જીતી લીધો હોવાનું પણ મનાઈ રહ્યું છે, કેમકે હાલમાં ભાજપની પ્રદેશ ટીમની રચનામાં પાટીલની જ પસંદગી ચાલી હતી. એટલું જ નહીં, સંગઠન મહામંત્રીમાં પણ ભીખુભાઈ દલસાણિયાને બદલે રત્નાકરને મૂકવામાં આવ્યા છે.
સ્થાનિક સ્વરાજની ચૂંટણી સમયે અનેક સિનિયરોની ટિકિટ કપાઈ હતી
સી.આર.પાટીલ જ્યારે ભાજપના પ્રદેશ પ્રમુખ બન્યા ત્યારે પેજ-પ્રમુખ સમિતિની રચના કરી, જેને નોંધપાત્ર સફળતા મળી હતી. પાટીલના પ્રમુખ બન્યા બાદ સૌપ્રથમ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવી, જેમાં એક નિયમ નક્કી કરવામાં આવ્યો હતો કે 60 વર્ષથી ઉપર અને 3 ટર્મ ચૂંટણી લડી ચૂકેલા આગેવાનોને ટિકિટ નહિ આપવામાં આવે, જેને કારણે અનેક સિનિયર આગેવાનોની ટિકિટ કપાઇ હતી.
એ સમયે પણ પ્રદેશ પાર્લમેન્ટરી કમિટી સામે આગેવાનોએ સવાલો પણ ઉઠાવ્યા હતા. સ્થાનિક આગેવાનોએ સવાલ ઉઠાવ્યો કે શું આ નિર્ણય વિધાનસભા અને લોકસભાની ચૂંટણી સમયે લાગુ થશે. ત્યારે સી.આર.પાટીલે જવાબ આપ્યો હતો કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે નિયમ પ્રદેશ પાર્લમેન્ટરી કમિટી નક્કી કરતી હોય છે. જ્યારે વિધાનસભા અને લોકસભાની ચૂંટણીના નિયમો કેન્દ્રીય પાર્લમેન્ટરી કમિટી નક્કી કરે છે.
કેટલાક નેતાઓએ દિલ્હીનાં ચક્કર લગાવવા લાગ્યા
હવે નેતાઓમાં ગણગણાટ શરૂ થઇ ગયો છે કે જો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના નિયમ વિધાનસભાની ચૂંટણીમાં લાગુ કરાશે તો અનેક સિનિયર નેતાઓની ટિકિટ કપાઇ જશે, જેને લીધે કેટલાક નેતાઓએ અત્યારથી જ દિલ્હીનાં ચક્કર લગાવવાના શરૂ કરી દીધા છે. ભાજપમાં અનેક નેતાઓ છે, જેઓ ત્રણ ટર્મ કરતાં વધુ વખત ચૂંટણી લડી ચૂક્યા છે. આવા નેતાઓ હવે પોતાની ટિકિટ બચાવવા માટે થઇને હવાતિયાં મારતા શરૂ થઇ ગયા છે.
કેન્દ્રીય પાર્લમેન્ટરી પણ ફોર્મ્યુલા માટે સહમત થઈ શકે છે
પાટીલ દ્વારા આગામી ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં 150થી વધુ બેઠક જીતવાનો ટાર્ગેટ નક્કી કરવામાં આવ્યો છે, એટલે કેન્દ્રીય પાર્લમેન્ટરી કમિટી પણ આ નિયમો અને ફોર્મ્યુલા માટે સહમત થઈ જાય તો એમાં કોઇ નવાઇ નથી.
આ સ્થિતિમાં સી.આર.પાટીલ જે યુવાનો પાસેથી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કામ લીધું તેમને પ્રાધાન્ય આપે એવી શક્યતાઓ છે. બીજી તરફ ‘આપ’ પણ નવયુવાનોને તક આપી રહી છે. ત્યારે ભાજપને પણ હવે યુવાનોને વધુ ચાન્સ આપવા પડે એવી સ્થિતિ ઊભી થઈ છે.