શિક્ષકોના કામના કલાકો વધારવા મુદ્દે કોંગ્રેસ MLA કિરીટ પટેલે આપી આંદોલનની ચીમકી
શિક્ષકોના કામના કલાકો વધારવા મુદ્દે પાટણના કોંગ્રેસ MLA કિરીટ પટેલ (MLA Kirit Patel)એ શિક્ષણપ્રધાન ભુપેન્દ્રસિંહ (Bhupendrasinh Chudasama)ને પત્ર લખ્યો છે. રાજ્યમાં શિક્ષકો અને શિક્ષણ વિભાગ વચ્ચે ગજગ્રાહ ચાલી રહ્યો છે.તેવામાં શિક્ષકોના કામના કલાક વધારીને 8 કલાક કરી દેવાયો છે.પાટણમાં આ મુદ્દે વિરોધ શરૂ થયો છે.પાટણના કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલે આ મુદ્દે શિક્ષણપ્રધાનને પત્ર લખ્યો છે.કિરીટ પટેલે આક્ષેપ કર્યો છે કે સરકાર શિક્ષકો સાથે અન્યાય કરી રહી છે.એક તરફ સરકાર શિક્ષકને ભગવાન પછીનો દરજ્જો આપે છે.જ્યારે બીજીતરફ શિક્ષકોને અન્યાય કરવામાં આવે છે.જો સરકાર શિક્ષકો મુદ્દે યોગ્ય નિર્ણય નહીં કરે તો તેઓ શિક્ષકોને સાથે રાખીને આંદોલન કરશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે.
મહત્વનું છે કે શિક્ષકોનો કામનો સમય સવારે 9.30થી સાંજે 5.30 કરી દેવાયો છે.. આ પહેલા શિક્ષકોના કામનો સમય સવારે 11 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધીનો હતો.રાજ્યમાં સરકારે વિવિધ જિલ્લાઓમાં જિલ્લા શિક્ષણઅધિકારી દ્વારા શાળાઓમાં 6 ને બદલે 8 કલાક હાજર રહેવાનો આદેશ કર્યો છે, અને આ આદેશ પાછળ રાઈટ ટુ એજ્યુકેશન 2009 ની જોગવાઈનું કારણ આગળ ધરવામાં આવ્યું છે. સરકારના આ આદેશ ને પગલે હવે શિક્ષકોએ સોમવારથી શુક્રવાર 8 કલાક અને શનિવારે 5 કલાક એમ અઠવાડિયાના કુલ 45 કલાક શાળામાં હાજર રહેવા કહ્યું છે.સરકારના અ નિર્ણયને કારણે શિક્ષક જગતમાં વિરોધના સૂર ઉઠ્યા, તો બીજી બાજુ ખુદ શિક્ષણપપ્રધાન ભુપેન્દ્રસિંહે આ મુદ્દે સ્પષ્ટતા કરી હતી. શિક્ષણપ્રધાને કહ્યું હતું કે અન્ય સરકારી કર્મચારીઓની જેમ જ શિક્ષકોએ પણ 8 કલાક કામ કરવું જોઈએ. રાજ્યના વિવિધ વિભાગોના સરકારી કર્મચારીઓ 8 કલાક કામ કરે છે. શિક્ષણ સુધારણા અને શિક્ષણની ગુણવત્તા સુધારવા માટે શાળામાં શિક્ષકોની મહત્તમ હાજરી હોવી જરૂરી છે. આ સાથે જ તેમણે કહ્યું કે શિક્ષકોએ ફરજના ભાગરૂપે પણ 8 કલાક કામ કરવું જોઈએ. સરકારના બધા વિભાગો 8 કલાક કામ કરે જ છે અને શિક્ષણ વિભાગમાં પણ આ પ્રકારનો GR થયેલો જ છે.