ગાંધીનગર : ઘ-૫ની ચટકો હોટલનાં માલિક જીજ્ઞેશ પટેલે ‘ચ’ રોડ પર અકસ્માત કરી માતા પુત્રીનાં મોત નિપજાવ્યા, પોલીસે કરી ધરપકડ
ગાંધીનગર :
ગાંધીનગરના ચ-0 સર્કલથી 500 મીટર દૂર ધોળાકૂવાનાં કટ પાસે કિયા કારના ચાલકે પોતાની કાર પૂરપાટ ઝડપે હંકારી એક્ટિવાને ટક્કર મારી નાસી ગયો હતો. આ અકસ્માતમાં એક્ટિવા સવાર માં-દીકરીનું ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું. આ પ્રકરણમાં ઈન્ફોસિટી પોલીસની તપાસમાં અકસ્માત કરનાર ગાંધીનગરની ચટકો હોટલનો માલિક જિગ્નેશ જયંતિભાઈ પટેલ હોવાનું ખુલતા પોલીસે તેની ધરપકડ કરી છે.
અમદાવાદ શાહીબાગ ગણપત સોસાયટી ખાતે રહેતા યોગીનીબેન મહેશભાઈ ત્રિવેદી (ઉંમરઃ 47) અને તેમની દીકરી જૈમીની (ઉ. 21) તથા પુત્ર રાહુલ (ઉ 17)એક્ટિવા લઈને તેમના સંબંધી તેમજ ફોઈનાં ઘરે દસેક દિવસ અગાઉ ગાંધીનગર આવ્યા હતા. યોગીનીબેનનાં પતિનું આશરે એક વર્ષ અગાઉ અવસાન થઈ ચૂક્યું છે. જૈમિનિ upsc પરીક્ષાની તૈયારીઓ કરતી હતી.
જન્માષ્ટમીનો તહેવાર તેમજ જૈમિનિને upscનું મટીરીયલ લેવાનું હોવાથી ગાંધીનગરમાં રહેતા ફોઇનાં ઘરે માતા યોગીનીબેન તેમજ ભાઈ રાહુલ સાથે એક્ટિવા લઈને આવી હતી અને રાત્રીના સમયે માં-દીકરી અને ભાઈ ઘરે પરત જઈ રહ્યા હતા. ત્યારે કારનો ચાલક ટક્કર મારીને નાસી ગયો હતો અને માં-દીકરીનું સ્થળ પર કરૂણ મોત નીપજ્યું હતું. જ્યારે રાહુલનો આબાદ બચાવ થયો હતો.
આ અંગે ઈન્ફોસિટી પોલીસ પીઆઈ પી. પી. વાઘેલાએ જણાવ્યું હતું કે, માં દીકરીના અકસ્માતમાં મોતનો ગુનો નોંધાતા કિયા કારની શોધખોળ કરાઈ હતી. જેમાં રજિસ્ટ્રેશન નંબરના આધારે કુડાસણ પ્રતીક મોલની પાછળ આવેલા સનરાઈઝ બંગલોમાં રહેતો જિગ્નેશ જયંતિલાલ પટેલ હોવાનું ખુલ્યું હતું. પરંતુ અકસ્માત કર્યા પછી તે પરિવાર સાથે નાસી ગયો હતો. જેને સ્વાગત રેઈન ફોરેસ્ટમાં ચટકો હોટલ ચલાવે છે અને બનાવના દિવસે ઘ-5થી ખાવાનું પાર્સલ બંધાવી ઘરે જતી વખતે કિયા કારની ટક્કર મારી નાસી ગયો હતો. જેની ધરપકડ કરી લેવામાં આવી છે. તેમજ તેનું લાયસન્સ રદ કરવા માટે પણ આરટીઓ વિભાગમાં રિપોર્ટ કરાયો છે.