રાહુલ ગાંધી જમ્મુ-કાશ્મીરની મુલાકાતે, પ્રથમ કરશે માં વૈષ્ણોદેવીના દર્શન
કોંગ્રેસ (Congress) ના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી (Rahul Gandhi) એક મહિનામાં બીજી વખત જમ્મુ -કાશ્મીર (Jammu Kashmir) ની મુલાકાતે છે. રાહુલ ગાંધી ગુરુવારે (આજે) બપોરે 12:20 વાગ્યે જમ્મુ એરપોર્ટ પહોંચશે અને માતા વૈષ્ણોદેવીની યાત્રા પર અહીંથી સીધા જ રવાના થશે.
તે બે દિવસ જમ્મુ -કાશ્મીરમાં વિતાવશે. તેમણે 9 ઓગસ્ટના રોજ એક મહિના પહેલા કેન્દ્રશાસિત પ્રદેશની મુલાકાત લીધી હતી. કલમ 370 હટાવ્યા બાદ કોંગ્રેસના વરિષ્ઠ નેતાની જમ્મુ -કાશ્મીરની આ બીજી મુલાકાત છે.એવું કહેવામાં આવી રહ્યું છે કે રાહુલ ગાંધી પગપાળા વૈષ્ણોદેવીના દ્વારે જશે અને રાત્રે ત્યાં રહીને આરતીમાં પણ હાજરી આપી શકે છે. બીજા દિવસે તે જમ્મુ માટે રવાના થશે જ્યાં તેનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવશે. આ સાથે જ તેઓ જમ્મુના જેકે રિસોર્ટમાં પાર્ટીના નેતાઓને પણ મળશે.
પ્રાપ્ત માહિતી અનુસાર, પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ શુક્રવારે જમ્મુમાં કાર્યકર્તા સંમેલનને સંબોધિત કરશે અને બપોરના ભોજન દરમિયાન સ્થાનિક નેતાઓના વિવિધ પ્રતિનિધિ મંડળોને મળશે. પ્રદેશ કોંગ્રેસ સમિતિ (PCC) ના પ્રમુખ ગુલામ અહમદ મીરના જણાવ્યા અનુસાર, રાહુલ ગાંધી વિસ્તૃત કાર્ય સમિતિના સભ્યો સાથે પૂર્વ મંત્રીઓ, ધારાસભ્યો, AICC સભ્યો, PCC અને જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રતિનિધિઓ સાથે પણ વાતચીત કરશે.
રાહુલ ગાંધીએ કોંગ્રેસના નવા કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું
પોતાની છેલ્લી મુલાકાત દરમિયાન રાહુલ ગાંધીએ શ્રીનગરમાં કોંગ્રેસના નવા કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું હતું. આ સાથે કોંગ્રેસના નેતાઓએ જમ્મુ -કાશ્મીરના ગાંદરબલ જિલ્લામાં ખીર ભવાની મંદિર અને હઝરતબલ દરગાહની મુલાકાત લીધી. તેઓ બે દિવસની મુલાકાતે જમ્મુ-કાશ્મીર પહોંચ્યા હતા. કોંગ્રેસના એક નેતાએ જણાવ્યું હતું કે રાહુલ ગાંધી વહેલી સવારે મધ્ય કાશ્મીર જિલ્લાના તુલ્લામુલ્લા વિસ્તારમાં મંદિરમાં ગયા હતા.
છેલ્લી મુલાકાત દરમિયાન, રાહુલ ગાંધી સાથે પક્ષના સંગઠન મહામંત્રી કેસી વેણુગોપાલ અને જમ્મુ-કાશ્મીર બાબતોના પ્રભારી રજની પાટીલ (Rajani Patil) પણ હતા તેમણે કહ્યું હતું કે, ‘તે એક ખાનગી પ્રવાસ હતો. રાહુલ મંદિરની મુલાકાત લેવા માંગતા હતા. આ પછી ગાંધી ડાલ તળાવના કિનારે આવેલી દરગાહ હઝરતબાલ પહોંચ્યા.
આ દરમિયાન રાહુલ ગાંધીએ જમ્મુ -કાશ્મીરની રાજ્ય કોંગ્રેસ સમિતિના પ્રમુખ ગુલામ અહમદ મીરના પુત્રના લગ્નના ‘રિસેપ્શન’માં હાજરી આપી હતી. પાર્ટી કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યા પછી, વાયનાડના સાંસદ ગાંધીએ પાર્ટીના નેતાઓ અને કાર્યકરો સાથે પણ વાતચીત કરી.