ગુજરાત

અમદાવાદ : મ્યુનિસિપાલિટી શહેરમાં હવા શુદ્ધ કરવા માટે સલાહ લેવા 2.5 કરોડનો ધુમાડો કરશે

અમદાવાદમાં ડિસેમ્બરથી ફેબ્રુઆરી દરમિયાન હવાનું પ્રદૂષણ અત્યંત સ્તરે પહોંચી જાય છે. અનેક વિસ્તારમાં એર ક્વોલિટી ઈન્ડેક્સ 300ને વટાવી જાય છે. શહેરની હવા શુદ્ધ કરવા કેન્દ્રીય નાણાં પંચે ફાળવેલા 14 કરોડમાંથી રૂ. અઢી તો મ્યુનિ. માત્ર એ શોધવામાં ખર્ચશે કે, હવાનું પ્રદૂષણ કયા કારણથી ફેલાય છે, ક્યાં વધુ છે અને તેને નિયંત્રિત કરવા શું કરવું જોઇએ. સૂચનો મેળવવા કન્સલ્ટન્ટની નિમણૂક માટે મ્યુનિ.એ ટેન્ડર બહાર પાડ્યું છે.

કેન્દ્ર સરકારે આપેલી ગ્રાન્ટમાં અલગ અલગ 6 કામો માટે રૂ. 160 કરોડની ગ્રાન્ટ વાપરવાની સ્ટેન્ડિંગ કમિટીએ મંજૂરી આપી છે. જેમાં એર ક્વોલિટી મોનિટરિંગ, માપદંડ જાળવવા અને લોકોમાં હવાના પ્રદૂષણ અંગે જાગૃતિ કેળવવા એક એર ક્વોલિટી મોનિટરિંગ સેલ બનાવવા માટે જ 4 કરોડનો ખર્ચ થશે. તે ઉપરાંત એર ક્વોલિટીમાં સુધારો કરવા માટે પણ રૂ. 10 કરોડનો ખર્ચ કરવા સ્ટેન્ડિંગે મંજૂરી આપી છે.

શહેરમાં ક્યા વિસ્તારમાં કેટલું પ્રદૂષણ છે અને પ્રદૂષણનું કારણ શું? કયા પ્રકારના પ્રદૂષણો હવામાં છે? તેને ઘટાડવા માટે અથવા તો હવાને શુદ્ધ કરવા માટે કયા વિસ્તારમાં શું કરવું જરૂરી છે. તેવી તમામ પ્રાથમિક તપાસ કરીને તેની માહિતી આપવા માટે એક કન્સલટન્ટની નિમણૂક કરવા મ્યુનિ.એ સ્પેશિયલ ટેન્ડર બહાર પાડ્યું છે અને આ માટે લગભગ અઢી કરોડનો ખર્ચ થવાનો અંદાજ છે.

ડિસેમ્બરથી ફેબ્રુઆરી સુધી હવા સૌથી વધુ પ્રદૂષિત હોય છે
શહેરમાં દિવાળીના દિવસે ફટકાડાને કારણે સૌથી વધુ હવાનું પ્રદૂષણ હોય છે. ત્યારે તે બાદ શિયાળામાં ખાસ કરીને હવાના દબાણને કારણે ધુળના રજકણો પણ નીચેની હવામાં રહેવાને કારણે પણ હવામાં પ્રદૂષણનું પ્રમાણ જોવા મળે છે. ડિસેમ્બરથી ફેબ્રુઆરી દરમિયાન શહેરમાં હવાનું પ્રદૂષણ વધુ પ્રમાણમાં જોવા મળે છે. હવાનું પ્રદૂષણ રોકવા માટે મ્યુનિ. દ્વારા કેટલાક વિસ્તારોમાં સમયે સમયે બાંધકામ પ્રવૃત્તિ પર નિયંત્રણો મૂકવામાં આવે છે.

કચરાના ડુંગરથી પીરાણા સૌથી વધુ પ્રદૂષિત

  • પીરાણા વિસ્તારમાં – કચરાના ઢગલાને કારણે પ્રદૂષણનું પ્રમાણ વધે છે
  • નારોલથી નરોડા – ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં પ્રદૂષિત હવાનું પ્રમાણ વધારે જોવા મળે છે
  • બોપલ, ચાંદખેડા, રાણીપ – બાંધકામને કારણે આ વિસ્તારમાં પ્રદૂષણ વધુ છે.

વાહનો હવાના પ્રદૂષણ માટે જવાબદાર

  • શહેરમાં ધમધમતાં બાંધકામ ઉદ્યોગોને કારણે હવામાં રજકરણોનું પ્રમાણ વધારે હોય છે.
  • વાહનોને કારણે પણ હવામાં પ્રદૂષણનું પ્રમાણ વધારે છે.
  • શહેરમાં વોલ ટુ વોલ રસ્તો કેટલાક વિસ્તારમાં નહી હોવાથી ધૂળની ડમરી હવામાં ભળતાં પ્રદૂષણ ફેલાય છે.
  • કેટલાક વિસ્તારમાં કચરો બાળવામાં આવતો હોવાને કારણે પણ શહેરમાં પ્રદૂષણ ફેલાય છે.જેના કારણે કેટલીક વખત લોકોને શ્વાસ લેવામાં પણ તકલીફ પડ્યાની ફરિયાદો મ્યુનિ.ને મળી હતી.
  • ગીચ વસ્તીમાં કેટલાક સ્થળે પ્રદૂષણ વધુ જોવા મળે છે.

પ્રદૂષણ ઘટાડવા દર વર્ષે લાખો વૃક્ષ વાવવા સંકલ્પ

  • શહેરમાં છેલ્લા 3 વર્ષથી પ્રતિ વર્ષ 10 લાખ વૃક્ષો વાવવાનો સંકલ્પ કરી વૃક્ષારોપણ કરાય છે.
  • વોલ ટુ વોલ ફૂટપાથ બનાવીને ધુળ જોવા ન મળે તેનું ધ્યાન રખાય છે.
  • રોડ પર કચરો બાળવામાં ન આવે તે માટે પણ ખાસ પગલાં લેવામાં આવે છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x