પદભાર સંભાળ્યા બાદ મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે ઉચ્ચસ્તરીય બેઠક યોજી, વરસાદની સ્થિતિની સમીક્ષા કરી
મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ(CM Bhupendra Patel)એ આજે મુખ્યપ્રધાન તરીકેનો પદભાર સંભાળ્યા બાદ સૌ પ્રથમ દિવસે જ એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજીને સૌરાષ્ટ્ર અને ખાસ કરીને જામનગર રાજકોટ જિલ્લા અને શહેરમાં ભારે વરસાદ ને કારણે સર્જાયેલી પરિસ્થિતિ ની સમીક્ષા કરી હતી.
મુખ્યપ્રધાન પટેલે જામનગરના કલેકટર સાથે ટેલિફોન પર વાતચીત કરીને બચાવ અને રાહત કામગીરી તેમજ પાણીમાં ફસાયેલા લોકોને NDRF ની મદદ થી સ્થળાંતર કરવાની સ્પષ્ટ સૂચનાઓ આપી હતી.
તેમણે રાજકોટમાં ભારે વરસાદ ને કારણે આજી-2 ડેમની જળાશયની સ્થિતિ અંગે વિગતો મેળવી નીચાણવાળા વિસ્તારોના લોકોને સલામત સ્થળે સત્વરે ખસેડવા રાજકોટ મ્યુનિસિપલ કમિશનર અને કલેકટરને તાકીદ કરી હતી.
રાજકોટમાં 1155 લોકો જે આજીના નીચાણવાળા વિસ્તારમાં રહે છે તેમને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હોવાની વિગતો મેળવી હતી.
મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ(CM Bhupendra Patel)એ NDRFની 3 ટીમ રાજકોટ માટે અને 2 ટીમ જામનગર માટે ભાટિંડાથી મગાવવાની વ્યવસ્થા કરવા તંત્રવાહકોને સૂચના આપી હતી.
તેમણે ખાસ કરીને બચાવ રાહત કામગીરીને પ્રાથમિકતા આપવા સૂચનાઓ આપી હતી.
આ બેઠકમાં મુખ્ય સચિવ પંકજ કુમાર, મુખ્યપ્રધાનના મુખ્ય અગ્ર સચિવ કૈલાસ નાથન,અધિક મુખ્ય સચિવ એ. કે.રાકેશ તેમજ મુખ્યપ્રધાનના અધિક મુખ્ય સચિવ એમ.કે દાસ, રાહત કમિશનર આદ્રા અગ્રવાલ તેમજ મુખ્યપ્રધાનના OSD ડી એચ શાહ જોડાયા હતા.
શપથવિધિ પૂર્ણ થયા બાદ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ(CM Bhupendra Patel) સીધા મુખ્યપ્રધાન કાર્યાલય પહોચ્યા હતા અને મુખ્યપ્રધાનનો કાર્યભાળ સંભાળ્યા બાદ તરત જ ઉચ્ચસ્તરીય બેઠક યોજી હતી. મુખ્યપ્રધાન પટેલે પોતાના શપથગ્રહણ પહેલા પણ જામનગરમાં વરસાદના કારણે સર્જાયેલી સ્થિતિ અંગે તેમણે જામનગર વહીવટી તંત્રને સૂચનાઓ આપી હતી. આ અંગે ટ્વીટ કરીને તેમણે લખ્યું હતું કે –
“જામનગર જિલ્લામાં અતિભારે વરસાદને કારણે અસર પામેલા 3 ગામોના અને પાણીમાં ફસાયેલા તમામ લોકોને તાત્કાલિક મદદ તેમજ સહાય પહોંચાડી સલામત સ્થળે ખસેડવા અને એર લિફ્ટની વ્યવસ્થા કરવા જીલ્લા વહીવટી તંત્ર સાથે વાત કરીને સંબંધિત સૂચનાઓ આપી છે.”