ગુજરાતમાં નવા મંત્રીમંડળની રચનાની જવાબદારી ભૂપેન્દ્ર યાદવને સોંપવામાં આવી
ગુજરાતમાં નવા મંત્રીમંડળની રચનાની જવાબદારી ભૂપેન્દ્ર યાદવને સોંપવામાં આવી છે. આ અંગેની બેઠક મોડીરાત્રે એનેક્ષી ખાતે યોજાઇ હતી. જેમાં અમિત શાહ અને બી.એલ. સંતોષ પણ હાજર રહ્યા હતા. આ બાદ ભુપેન્દ્ર યાદવ મોડી રાત્રે અમદાવાદ આવી પહોંચ્યા હતા. બેઠક પૂર્ણ કરી કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ દિલ્લી પહોંચ્યા છે.
નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પોતાના મંત્રીમંડળના સભ્યોની જાહેરાત દિલ્હીથી યાદી આવ્યા બાદ કરવામાં આવશે. બુધવાર સાંજ સુધીમાં આ નવા મંત્રીમંડળના સભ્યોનાં નામની જાહેરાત થઈ જવાની સંભાવનાઓ દેખાઇ રહી છે. હાલના 22 મંત્રી પૈકી 13 મંત્રીનાં નામ પર કાતર ફરી જાય એવી પણ શક્યતાઓ જોવાઇ રહી છે. જ્યારે મંત્રીમંડળમાં નવા 15 નામનો ઉમેરો થઈ જશે તેવું પણ આધારભૂત સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે. આમ, આખાય મંત્રીમંડળનું પરિરૂપ લગભગ નવું જ રહેશે અને હાલના મંત્રીમંડળમાંથી પાંચ કે છ મંત્રી જ ફરી મંત્રીપદના શપથ લેશે તેવું લાગી રહ્યું
સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ, ભૂપેન્દ્ર પટેલનું આ મંત્રીમંડળ ઘણા નવા ચહેરા અને પ્રયોગોવાળું હશે. હાલ જ્યાં મંત્રીમંડળમાં એક જ મહિલા ધારાસભ્ય છે, એને સ્થાને બેથી ત્રણ મહિલા મંત્રી એમાં હોઈ શકે છે. ભાજપની સરકાર સામે એન્ટી-ઇન્કમ્બન્સી ફેક્ટર છે, એને ખાળવા માટે જ ખૂબ જરૂરી એવા સભ્યોને બાદ કરતાં મોટા ભાગના ચહેરા નવા અને અમુક તો પહેલી ટર્મમાં જ મંત્રી બની જાય એવા હશે. આ ઉપરાંત સ્વાભાવિકપણે જ જ્ઞાતિ અને પ્રદેશનું સંતુલન જળવાશે.
ભાજપના સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે ત્રણ રાજ્યોમાં લેવામાં આવેલા નિર્ણયોની અસર અન્ય રાજ્યો અને કેન્દ્ર સ્તરે પણ જોવા મળી રહી છે. બદલાવોથી અસહજ નેતોઓની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. જો કે, પાર્ટી દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે કે, નિર્ણયો પાર્ટીના હિતમાં અને રણનીતિને આધારે લેવામાં આવી રહ્યાં છે. પાર્ટી નિશ્ચિંત છે કે, થોડો સમય કોઇ નેતામાં નારાજગી હોય તે સ્વાભાવિક છે પરંતુ તેની કોઇ વધારે અસર જોવા નહી મળે. તેમ છતાં પણ પાર્ટી પોતાની રીતે સંપૂર્ણપણે સતર્ક છે.
ભાજપમાં અસંતોષના કારણે પક્ષને નુકસાન ન થાય તે માટે નેતાઓને સાથે સતત સંકલન ચાલુ રાખવામાં આવે છે. જે નેતા સંપૂર્ણ પાર્ટી લાઇનથી અલગ જાય તેને હાંકી કાઢવામાં આવે છે અથવા તેને પક્ષ છોડવા માટે મજબૂર કરવામાં આવે છે. જે નેતાઓ તાજેતરના નિર્ણયોને લઇ નારાજ છે તેમની સાથે સંવાદ કરવામાં આવશે.