ગાંધીનગર

બાલાજી અગોરા મોલનાં બિલ્ડર ગ્રુપે કર્યું 400 કરોડનું કૌભાંડ : ડો. કનુ કલસરિયા

ગાંધીનગર :

આપણાં દેશમાં મોટા મોટા ઉદ્યોગપતિઓ પોતાના ઉદ્યોગોને વિકસાવવા માટે લોન લેતા હોય છે. છેલ્લા ઘણા વર્ષોમાં એવાં પણ કિસ્સાઓ સામે આવ્યા છે જેમાં મોટા મોટા ઉદ્યોગપતિઓ કરોડો રૂપિયાની બેન્ક પાસેથી લોન લઈને દેશ છોડીને ભાગી જાય છે. આવો જ એક કિસ્સો અમદાવાદમાં સામે આવ્યો છે. ભાજપના પૂર્વ ધારાસભ્ય રહેલા ડૉ. કનુભાઇ કલસરિયાએ આ બાબતે પ્રેસ કોન્ફરન્સ કરીને લોકોનું ધ્યાન દોરવાનો પ્રયત્ન કર્યો હતો.

ડૉ. કનુભાઇ કલસરિયાએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, બાલાજી અગોરા ગ્રુપના બિલ્ડર આશિષ શાહે એલઆઇસીના કેટલાક કર્મચારીઓ સાથે મળીને 401.70 કરોડનું આર્થિક કૌભાંડ કર્યું છે. આશિષ શાહે બાલાજી અગોરા મોલને મોર્ગેજ મૂકીને એલઆઇસી હાઉસિંગ ફાઈનાન્સ લી. કંપની પાસેથી 401.70 કરોડ રૂપિયાની લૉન લીધી છે જે હકીકતમાં માત્ર 60 થી 70 કરોડ જ હોવી જોઈએ. એલઆઇસીમાં દેશના સામાન્ય નાગરિકોના વીમાના પૈસા હોય છે જે આવી રીતે વેડફવા ન જોઈએ.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, “બાલાજી અગોરા મોલ” જેનું 16,996.80 સ્કવેર મીટર બાંધકામ છે તેને કંપનીના માલિકો અને એલઆઈસીના કર્મચારીઓ દ્વારા 72,983.52 સ્કવેર મીટર બતાવીને 60-70 કરોડની જગ્યાએ 401.70 કરોડની લૉન લઈને ઈરાદા પૂર્વક આર્થિક કૌભાંડ કરવામાં આવ્યું છે. આ અંગે અમે ગાંધીનગર સીબીઆઈ અને ગાંધીનગર સીઆઈડી ક્રાઇમના ઇકોનોમિકલ સેલમાં ફરિયાદ કરવાના છીએ. આ દરેક વાતના પુરાવા અમારી પાસે છે જે અમે સીબીઆઈ અને સીઆઈડી ક્રાઇમને આપીશું

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x