અમેરિકા સંપૂર્ણપણે બરબાદ થઇ જશેઃ અમેરિકા પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ
અમેરિકાનાં પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ભલે ઉચ્ચ પદ પરથી હટી ગયા છે પરંતુ આજે પણ તેઓ હેડલાઇન્સમાં બની રહે છે. તેઓ આજે પણ પોતાના બેબાક અને બેફામ નિવેદન આપવામાં પાછી પાની નથી કરી રહ્યા. તાજેતરમાં એકવાર ફરી તેમણે એક નિવેદન આપતા ભવિષ્યવાણી કરી છે
ટ્રમ્પે ભવિષ્યવાણી કરતા કહ્યુ છે કે, 2024 સુધીમાં અમેરિકા સંપૂર્ણપણે બરબાદ થઈ જશે. મંગળવારે એક અમેરિકન ટીવી ચેનલ સાથે વાત કરતા પૂર્વ અમેરિકી રાષ્ટ્રપતિએ કહ્યું કે, છેલ્લા આઠ મહિનામાં દેશ ખરાબ રીતે નીચે જઈ રહ્યો છે અને જો આ સ્થિતિ ચાલુ રહી તો 2024 સુધીમાં અમેરિકા સંપૂર્ણપણે બરબાદ થઈ જશે.
ડોનાલ્ડ ટ્રમ્પે ઈન્ટરવ્યુ દરમિયાન સંકેત આપ્યો છે કે, તેઓ 2024 માં અમેરિકામાં યોજાનારી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ભાગ લેશે. જો કે તેમણે કહ્યું છે કે, 2024 પહેલા દેશ સંપૂર્ણપણે બરબાદ થઈ જશે. ભૂતપૂર્વ યુએસ રાષ્ટ્રપતિએ વ્હાઇટ હાઉસનાં ભૂતપૂર્વ પ્રેસ સેક્રેટરી સીન સ્પાઇસર સાથે ન્યૂઝમેક્સ ઇન્ટરવ્યુ દરમિયાન અમેરિકાનાં સંપૂર્ણ પતનની આગાહી કરી છે.
અમેરિકામાં વિનાશની આગાહી કરતા પહેલા ડોનાલ્ડ ટ્રમ્પે ફરિયાદ કરી હતી કે, “આપણો દેશ છેલ્લા આઠ મહિનામાં ખરેખર નીચે ચાલ્યો ગયો છે જેવુ પહેલા ક્યારેય કોઈએ જોયુ નથી.”