ગાંધીનગરગુજરાત

વિધાનસભાનું સત્ર એક અઠવાડિયા માટે લંબાવવાની વિપક્ષની માંગણી છતાં સરકાર સહમત ન થઈ એ દુર્ભાગ્યપૂર્ણ : પરેશ ધાનાણી

ગાંધીનગર :
તા. ૨૭-૯-૨૦૨૧ને સોમવારના રોજથી વિધાનસભાનું બે દિવસનું ટૂંકું સત્ર શરૂ થઈ રહ્‌યું છે, જે અન્‍વયે મળેલ કામકાજ સલાહકાર સમિતિની બેઠક બાદ પત્રકાર અને મીડિયાના મિત્રોને સંબોધતાં ગુજરાત વિધાનસભા વિરોધપક્ષના નેતાશ્રી પરેશભાઈ ધાનાણીએ જણાવ્‍યું હતું કે, કોરોના કાળમાં તમામ મોરચે નિષ્‍ફળ નીવડેલ ભાજપની પૂર્વ સરકારે પોતાની નિષ્‍ફળતાઓને છુપાવવા માટે વિધાનસભાનું ટૂંકું ચોમાસુ સત્ર બે દિવસ પૂરતું સીમિત કર્યું હતું. આજે મળેલ કામકાજ સલાહકાર સમિતિમાં કોંગ્રેસ પક્ષના સાથી ધારાસભ્‍યો સહિત આગ્રહપૂર્વક માન. મુખ્‍યમંત્રીશ્રીને વિનંતી કરી છે કે આ કપરા કાળમાં મંદી, મોંઘવારી, બેરોજગારી, અત્‍યાચાર, ભ્રષ્‍ટાચાર સહિતની વિવિધ વિકરાળ સમસ્‍યાઓની વિધાનસભા ગૃહમાં બૃહદ ચર્ચા થાય, લોકોની પીડા-વેદનાને વિપક્ષ વાચા આપી શકે અને સરકાર વિપક્ષના સૂચનોનું સકારાત્‍મક રીતે નિવારણ કરે તે માટે વિધાનસભાનું સત્ર એક અઠવાડીયા માટે લંબાવવું જોઈએ. બેઠકમાં થયેલ બૃહદ ચર્ચા, વિપક્ષની આગ્રહપૂર્વકની માંગણી પછી પણ સરકાર સત્ર લંબાવવાની વાત સાથે સહમત ન થઈ તેનું દુઃખ છે. અપેક્ષા રાખીએ કે માન. મુખ્‍યમંત્રીશ્રી આ અંગે વિચારી, વિધાનસભાના ૧૮૨ ધારાસભ્‍યો પોતાના વિસ્‍તારની પીડા-પ્રશ્નો-વેદનાને ખુલ્લા મને વાચા આપી શકે તે માટે વિધાનસભા ગૃહમાં પૂરતો સમય આપશે અને વિધાનસભાનું સત્ર પણ લંબાવશે.
કામકાજ સલાહકાર સમિતિમાં સરકારને વિનંતી કરી હતી કે, નવા મુખ્‍યમંત્રી, નવી કેબિનેટ, નવી કામકાજ સલાહકાર સમિતિ ગુજરાતની ગૌરવવંતી સંસદીય પ્રણાલિકાઓને પુનઃસ્‍થાપિત કરે. કોરોના વોરીયર્સ સહિત કોરોનાના તમામ મૃતકોને સામુહિક શ્રદ્ધાંજલિ આપવા સભાગૃહ સમક્ષ ખાસ પ્રસ્‍તાવ લાવવા સરકારને વિનંતી કરી હતી. નામદાર સુપ્રિમ કોર્ટે વળતર ચૂકવવાનો આદેશ કર્યો છે અને કેન્‍દ્ર સરકારે પણ રૂ. ૫૦ હજારની સીમિત સહાય માટે એફીડેવીટ પણ રજૂ કરી દીધું છે ત્‍યારે ગુજરાતમાં કોરોનાના કારણે પીડિત, કોરોનાથી શહીદ થયેલ કોરોના વોરીયર્સ અને ત્રણ લાખ કરતાં વધુ મૃતકોના પરિવારની પીડા હળવી કરવા માટે પૂરતા પ્રમાણમાં વળતર મળે તેવી માંગણી કરી છે.
નવી કેબિનેટે પહેલી જ બેઠકમાં અતિવૃષ્‍ટિના પીડિતોને વળતર વધારવા માટેનો નિર્ણય કર્યો છે. કોંગ્રેસ પક્ષે મુખ્‍યમંત્રીશ્રીને વિનંતી કરી છે કે, ૧૦૦ વર્ષમાં સૌથી મોટી તબાહી મચાવનાર તૌકતે વાવાઝોડું હોય કે જામનગર, દેવભૂમિ-દ્વારકા કે રાજકોટમાં તાજેતરમાં થયેલ અતિવૃષ્‍ટિ હોય, જેમાં મોટી સંખ્‍યામાં અસરગ્રસ્‍તો સહાયથી વંચિત છે ત્‍યારે સરકાર સત્‍વરે સર્વે અને રી-સર્વે કરે અને અસરગ્રસ્‍ત પરિવારો તથા જરૂરિયાતમંદોને પૂરતા પ્રમાણમાં વળતર મળે તે માટે પણ વિધાનસભા ગૃહમાં ચર્ચા માટે અવકાશ આપવો જોઈએ.
વિધાનસભાના અધ્‍યક્ષ અને ઉપાધ્‍યક્ષની ચૂંટણી પણ જ્‍યારે નિશ્‍ચિત છે અને એજન્‍ડાનો હિસ્‍સો છે ત્‍યારે કોંગ્રેસ પક્ષે સરકારને વિનંતી કરી હતી કે, એક આદર્શ પરંપરાને પાળતા વિધાનસભાના અધ્‍યક્ષનો વિપક્ષે હંમેશા સર્વાનુમતે સ્‍વીકાર કર્યો છે. આજે પણ ભાજપ દ્વારા વિધાનસભાના અધ્‍યક્ષ તરીકે જે નામ સૂચવ્‍યું છે તેને વિપક્ષ તરીકે અમે ટેકો આપ્‍યો છે. ભૂતકાળની પરંપરાઓને અનુસરતા ઉપાધ્‍યક્ષનું પદ હંમેશા વિપક્ષ પાસે રહ્‌યું છે ત્‍યારે વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના સૌથી સિનિયર ધારાસભ્‍ય કે જેઓ છ ટર્મનો બહોળો અનુભવ ધરાવે છે, સંસદીય બાબતોના જાણકાર છે, સરળ વ્‍યક્‍તિત્‍વ, સ્‍વચ્‍છ પ્રતિભા, ઉચ્‍ચ અભ્‍યાસ અને બહોળા આદિવાસી સમાજનું પ્રતિનિધિત્‍વ કરે છે એવા ડો. અનિલ જોષીયારાને વિધાનસભાના ઉપાધ્‍યક્ષ તરીકે મૂકવા માંગણી રજૂ કરી છે. સરકાર ગંભીરતાથી આ અંગે વિચારી ભૂતકાળની પરંપરાઓ અને ઉચ્‍ચકોટિના આદર્શોને અનુસરશે તેવી માંગણી કરીએ છીએ. અપેક્ષા રાખીએ કે ત્રણેય બાબતોને લઈ મુખ્‍યમંત્રીશ્રી સકારાત્‍મક રીતે વિચારશે અને વિધાનસભાનું સત્ર લંબાવવાની માંગણીનો સ્‍વીકાર કરશે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x