ગાંધીનગર

ગાંધીનગર : ભાજપની મુશ્કેલીમા થયો વધારો, મહામંત્રી સહિત 200 કાર્યકરો ભાજપ સાથે છેડો ફાડી કોંગ્રેસમા જોડાયા

ગાંધીનગર :

ગાંધીનગરમાં કોર્પોરેશનની ચૂંટણીને 7 દિવસ જ બાકી રહ્યા છે. ત્યારે ગાંધીનગર કોર્પોરેશનના ત્રિપાંખીયા ચૂંટણી જંગમાં પક્ષ પલ્ટો કરવાની મોસમ ચાલી હોય તેમ આજે પણ ગાંધીનગર પેથાપુર વોર્ડ નંબર-2નાં મહામંત્રી સહિત 200 કાર્યકરોએ ભગવો ઉતારી ભાજપ સાથેનો છેડો ફાડી નાંખી કોંગ્રેસમા જોડાતા રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. થોડા દિવાસો અગાઉ તન મન ધનથી ખર્ચ કરીને ભાજપને સત્તા અપાવવા સક્રિય ભૂમિકા અદા કરનાર પેથાપુરનાં પૂર્વ નગરપતિ રણજીતસિંહ વાઘેલાએ ભગવો ઉતારી દઈ આમ આદમી પાર્ટીનું ઝાડુ પકડી ભાજપને રામ રામ કરી દેતા ભાજપ છાવણીમાં સોપો પડી જવા પામ્યો હતો. ત્યારે હવે કોંગ્રેસે પણ ભાજપના વોર્ડ નંબર-2નાં મહામંત્રી તેમજ યુવા મોરચો કારોબારી સદસ્યની વિકેટ પાડી દેવામાં સફળતા મેળવી લીધી છે. આજે વોર્ડ નંબર-2નાં મહામંત્રી મહેશ રમણજી ઠાકોર, કારોબારી સદસ્ય યુવા મોરચા સાહિલ ચેહરાજી ઠાકોર, ઠાકોર ભરત ધૂળાજી, અનિલ અમરતજી ઠાકોર, રોહિત કેશાજી ઠાકોર, વિષ્ણુ શકરાજી ઠાકોર અને પ્રવિણ બબાજી ઠાકોર સહિત અન્ય 200થી વધુ કાર્યકરોએ ભગવો ઉતારી દઈ ભાજપને રામ રામ કરી દીધા છે.

ભાજપ દ્વારા સતત થતી અવગણના તેમજ કાર્ય પ્રણાલીથી નારાજ વોર્ડ મહામંત્રી તેમજ યુવા મોરચાના કારોબારી સદસ્ય સહિત 200 કાર્યકરોએ ગુજરાત પ્રદેશ પ્રવકતા યુવરાજસિંહ રાણા તેમજ જિલ્લાના નેતાઓની હાજરીમાં વિધિવત રીતે કોંગ્રેસમાં પ્રવેશ કરી લેવામાં આવ્યો છે.

એક તરફ ત્રિપાંખીયા ચૂંટણી જંગમાં સ્પષ્ટ જીત હાંસલ કરવાં મંત્રી મંડળ ને વિશેષ જવાબદારી સોપવામાં આવી છે. એવા સંજોગોમાં ભાજપમાં ગાબડું પડતાં વોર્ડ નંબર-2માં ચૂંટણી જંગ જીતવા લોઢાના ચણા ચાવવા સમાન પુરવાર થવાની શક્યતા વર્તાઈ રહી છે. પ્રદેશ કક્ષાએથી ચૂંટણી ટાણે પક્ષમાં ગાબડું ના પડે તેનું ધ્યાન રાખવાની ભાજપ સ્થાનિક નેતાઓને ખાસ સૂચનાઓ આપવામાં આવેલી છે. તેમ છતાં ભાજપમાં ફરીવાર ગાબડું પડતાં પ્રદેશ નેતાઓ પણ નારાજ થયા હોવાની ચર્ચા વહેતી થઈ છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x