BJP નેતા અને પ્રથમ મહિલા મેયર ‘આપ’માં જોડાશે તેમ કહી પ્રેસ કોન્ફરન્સ બોલાવી અંતે કરાઈ રદ
ગાંધીનગર :
રવિવારે યોજાનારી ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં આ વખતે ભાજપ-કોંગ્રેસની સાથે આમ આદમી પાર્ટી પણ ઊતરી છે, ત્યારે ચૂંટણીના 48 કલાક પહેલા ભાજપનાં પૂર્વ મહિલા મેયર ‘આપ’માં જોડાશે તેવી જાહેરાત સાથે ‘આપ’એ શુક્રવારે પ્રેસ કોન્ફરન્સ બોલાવી હતી, પરંતુ મહિલા નેતાએ છેલ્લી ઘડીએ ‘આપ’માં જોડાવાનો ઇનકાર કરતા ‘આપ’ને પ્રેસ કોન્ફરન્સ રદ કરવી પડી હતી. ચૂંટણીના ગણતરીના કલાકો પહેલાં ગાંધીનગરમાં ભારે
રાજકીય ડ્રામા ચાલ્યો હતો. વર્ષ 2011ની ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસની ટિકિટ પર ચૂંટાયેલાં હંસાબેન મોદી પક્ષપલટો કરી ભાજપમાં જોડાયાં હતાં અને મહાપાલિકાનાં પ્રથમ મહિલા મેયર બન્યાં હતાં. તે પછી તેઓ રાજકારણમાં ખાસ સક્રિય ન હતાં, પરંતુ આમ આદમી પાર્ટીએ તેમને પાર્ટીમાં જોડાવા મનાવ્યાં હતાં અને તે મુજબ જાહેરાત પણ કરી દીધી હતી. બીજી તરફ ભાજપના નેતાઓને તેની જાણ થતાં હંસાબેન મોદી પર દબાણ આવતા આખરે હંસાબેને આપમાં જોડાવાનો ઇનકાર કર્યો.