ગુજરાતરાષ્ટ્રીય

ભાજપ સરકારનું ‘ખાએંગે, ખીલાયેંગે ઓર લૂંટાયેંગે’ મોડલ : દિગ્વિજયસિંહ

ગાંધીનગર:

‘‘અચ્છે દિન’’, ‘‘બે કરોડ રોજગાર’’ જેવા રૂપાળા સુત્રો આપી સત્તા મેળવનાર ભાજપ સરકાર નાના દુકાનદાર, ઉદ્યોગો સહિત યુવાનોની રોજગારી ખતમ કરવાનું કામ કર્યું છે. નાના દુકાનદાર અને વ્યાપારી વિરોધી ભાજપ સરકારની માનીતા ઉદ્યોગપતિઓને મદદ કરવાની નીતિ-રીતિઓ પર આકરા પ્રહાર કરતા અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના નેતા અને મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી દિગ્વીજયસિંહે જણાવ્યું હતું કે, ભાજપ સરકારના ‘ખાએંગે, ખીલાયેંગે ઓર લૂંટાયેંગે’ મોડલને કારણે નાના વેપારી અને ઉદ્યોગકારોનો ધંધો ચોપટ થઈ ગયો છે.

દેશમાં 14 કરોડ જેટલો રોજગાર છીનવાઈ ગયો છે. જી.એસ.ટી., આધાર, મનરેગા અને એફ.ડી.આઈ.નો વિરોધ કરતી ભાજપ સરકાર સત્તા મેળવ્યા પછી અણઘડ જી.એસ.ટી., અને 100 ટકા એફ.ડી.આઈ. દ્વારા દેશના કરોડો દુકાનદારો, નાના ઉદ્યોગકારો અને યુવાનોની નોકરી ખતમ કરી છે. વૈશ્વિક ઈ-કોમર્સ કંપની ‘‘એમેઝોન’’ને દેશમાં લાલઝાઝમ દ્વારા પગપેસારાથી દેશના નાના દુકાનદારો, રીટેલરો અને વેપારીઓના ધંધા – રોજગાર પર મોટી અસર થશે.

માનીતા ઉદ્યોગપતિઓને કરોડો રૂપિયા ફાયદા કરાવવા, વેપારમાં અમુક ચોક્કસ ઉદ્યોગપતિઓની મોનોપોલી માટે મદદ કરતી ભાજપ સરકારના શાસનમાં વૈશ્વિક ઈ-કોમર્સ કંપની એમેઝોને કેન્દ્રની ભાજપ સરકારને 8546 કરોડ રૂપિયા ‘‘લીગલ ફી’’ પેટે આપવામાં આવ્યા છે. દેશ જાણવા માંગે છે કે, કાયદો અને ન્યાય મંત્રાલયનું વાર્ષિક બજેટ 1100 કરોડ છે ત્યારે છેલ્લા બે વર્ષમાં એમેઝોન દ્વારા 8546 કરોડ રૂપિયા ભાજપ સરકારને ક્યા અધિકારી કે મંત્રીને આ રકમ લાંચ સ્વરૂપે મેળવી ? નાના વેપારી, દુકાનદારો અને મધ્યમવર્ગના ઉદ્યોગ સાહસિકોની પરવાહ કર્યા વગર કેન્દ્રની ભાજપ સરકારે કયા નિયમોની ફેરબદલી કરી વૈશ્વિક ઈ-કોમર્સ કંપની એમેઝોન દ્વારા કરોડો રૂપિયાની લાંચ લેવામાં આવી ? એમેઝોન કંપની વિરૂદ્ધ લાંચ લેવા અને આપવા અંગે અમેરિકામાં ગુન્હાહિત કામગીરીની તપાસ ચાલુ કરવામાં આવી છે તો પછી કેમ ભાજપ સરકાર લાંચની તપાસ કરવા અંગે મૌન છે ? લાભાર્થી કોણ ?

‘‘વર્ષ 2014ના ઈલેક્શનમાં વિદેશીઓને દેશ વેચી રહ્યાં છે’’ જેવા આક્ષેપો કરતી ભાજપ સરકાર સત્તામાં આવ્યા બાદ 100 ટકા ફોરેન ડાયરેક્ટ ઈન્વેસ્ટમેન્ટ થકી કરોડો વેપારીઓ, ઉદ્યોગ સાહસિકો અને નાના એકમ ચલાવતા યુવાનોની રોજગારી છીનવવાનું કામ કરી રહ્યું છે. વ્યાપારી વિરોધી, ઉદ્યોગ વિરોધી અને યુવાન વિરોધી ભાજપ સરકારના શાસનમાં થયેલા કરોડો રૂપિયાના લાંચ – રૂશ્વત અંગે સુપ્રિમ કોર્ટના ન્યાયમૂર્તિની અધ્યક્ષતામાં તપાસની માંગ કરતા આટલા મોટા પાયે, કરોડો રૂપિયાની થયેલ લાંચ અંગે સુપ્રિમકોર્ટના જજ દ્વારા નિષ્પક્ષ તપાસ કરવામાં આવે.

રાજીવ ગાંધી ભવન ખાતે વિશેષ પત્રકાર પરિષદમાં કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ નેતા દિગ્વીજયસિંહ સીધા મોદી સરકારને પ્રશ્ન પુછી દેશહિતમાં જવાબ માંગ્યા હતા.

1) એમેઝોન દ્વારા 8546 કરોડ રૂપિયાની લાંચ કયા અધિકારી અને રાજનેતાને મળી ?

2) શું આ લાંચ મોદી સરકારમાં કાનુન અને નિયમ બદલવા માટે આપી ? તેથી નાના દુકાનદારો અને ઉદ્યોગો ધંધા બંધ કરી એમેઝોન જેવી ઈ-કોમર્સ કંપનીનો વ્યવસાય ચાલી શકે ?

3) એમેઝોનની છ કંપનીઓ ભેગા મળી 8546 કરોડ રૂપિયા ચુકવ્યા. આ કંપનીઓનું પરસ્પર સંબંધ શું છે ? એ કઈ બીજી કંપની જોડે ધંધાકીય સંબંધ છે તથા આ પૈસા કાઢીને કોને અને ક્યા પ્રકારે ચુકવણી કરી ?

4) અમેરિકા અને ભારત બન્ને દેશમાં લોબીંગ અને લાંચના પૈસા આપવા એ અપરાધ છે તથા ગેરકાનૂની છે. તો પછી મોદી સરકારની નાક નીચે આટલી મોટી રકમ લાંચ સ્વરૂપે કોને અને કેવી રીતે આપવામાં આવી ?

5) શું વિદેશી કંપની દ્વારા 8546 કરોડ રૂપિયાની લાંચ આપણા દેશની સુરક્ષા માટેનો ખીલવાડ નથી ?

6) વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચુપ કેમ છે ? શું એમણે અમેરીકાના રાષ્ટ્રપતિ જોડે એમેઝોન કંપનીની ગોટાળાની સામેની તપાસની માંગ કરશે ?

7) શું આ ગોટાળાની તપાસ સુપ્રિમ કોર્ટના સીટીગ જજ જોડે ના થવી જોઈએ ?

આજની વિશેષ પત્રકાર પરિષદમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડા, વિધાનસભા કોંગ્રેસપક્ષના નેતા પરેશ ધાનાણી, પૂર્વ પ્રદેશ પ્રમુખ સિધ્ધાર્થભાઈ પટેલ, એ.આઈ.સી.સી.ના પ્રવક્તા અને સાંસદ શક્તિસિંહ ગોહિલ, એ.આઈ.સી.સી.ના પૂર્વ મહામંત્રી દીપકભાઈ બાબરીયા, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડૉ. મનિષ દોશી, મનહર પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતાં.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x