અમદાવાદમાં ચિકનગુનિયા અને ડેન્ગ્યુ બન્યો બેકાબૂ ! 2 મહિનામાં 40 થી વધુના મોત ! રોજના 40 જેટલા કેસ આવે છે સામે !
શહેરની ખાનગી હોસ્પિટલોમાં પણ મચ્છરજન્ય રોગના કેસનું પ્રમાણ વધ્યું છે. છેલ્લા 2 મહિનામાં શહેરની ખાનગી હોસ્પિટલોમાં રોજના 30થી 40 કેસ નોંધાવાની સાથે બે મહિનામાં 40થી વધુ લોકોના ડેન્ગ્યુ અને ચિકનગુનિયાથી મોત થયા હોવાની માહિતી આહનાના સૂત્રોએ આપી છે.
આહનાના પ્રેસિડેન્ટ ડો. ભરત ગઢવી જણાવે છે કે, આહનાના સાથે સંકળાયેલી 30 હોસ્પિટલોમાં રોજના 30થી 40 ડેન્ગ્યુ અને ચિકનગુનિયાના કેસ નોંધાય છે. એટલે કે, અઠવાડિયે 1500 કેસ ચિકનગુનિયા અને ડેન્ગ્યુના જોવા મળે છે. છેલ્લાં બે મહિનામાં ખાનગી હોસ્પિટલોમાં અંદાજે 45 દર્દીના ડેન્ગ્યુ અને ચિકનગુનિયાથી મોત થયા છે. ચિકનગુનિયાના દર્દીમાં ફેફસાંનું ઇન્ફેક્શન પણ જોવા મળ્યું છે અને 20થી 30 ટકા દર્દીને આઇસીયુમાં દાખલ કરવા પડે છે.
સિવિલ અને સોલા સિવિલ હોસ્પિટલની ઓપીડીમાં મચ્છરજન્ય રોગોના દર્દીનો રાફડો ફાટ્યો છે. હોસ્પિલોમાં ડેન્ગ્યુ અને ચિકનગુનિયાના દર્દીની લાંબી કતારો જોવા મળે છે. ઓપીડીમાં સારવાર માટે આવતાં 150માંથી 50થી વધુ બાળકોને દાખલ કરીને સારવાર આપવી પડે છે.
ચિકનગુનિયાથી ફેફસાંમાં ચેપ
ચિકનગુનિયાના દર્દીમાં સાંધા જકડાઇ જવાની તકલીફ મુખ્યત્વે જોવા મળે છે. પરંતુ, છેલ્લા બે મહિનાથી ખાનગી હોસ્પિટલમાં દાખલ થતાં ચિકનગુનિયાના દર્દીમાં સાંધા જકડાવાની સાથે ફેફસાંની તકલીફો પણ જોવા મળી છે. ખાસ કરીને શ્વાસોશ્વાસમાં તકલીફથી લઇને ફેફસાના ગંભીર ઇન્ફેકશન સાથે દર્દી દાખલ થાય છે. ચિકનગુનિયાના દર્દીમાં ફેફસાંના ઇન્ફેકશનને લીધે તાવ પણ જોવા મળે છે, જેને કારણે હોસ્પિટલમાં દાખલ થતાં 20થી 30 ટકા દર્દી એવાં હોય છે કે, જેમને આઇસીયુમાં દાખલ કરવા પડે છે.