બાળકો નથી સલામત!ગૃહ મંત્રાલયનો ચોંકાવનારો રિપોર્ટ – જાણો ગુજરાતમાંથી આખરે કેટલાં બાળકો થયાં ગુમ?
ગાંધીનગર
૦૯-જુલાઈ,૨૦૧૮
બાળક ચોરની અફવા સોશિયલ મીડિયાનાં માધ્યમથી આગની જેમ ફેલાઇ રહી છે. અજાણ્યાં વ્યક્તિને લોકો બાળક ચોર સમજી લે છે અને પછી નિર્દયતાથી મારપીટ થાય છે. પરંતુ લોકોમાં આ શંકા ઉપજાવવા પાછળ માત્ર અફવા જ જવાબદાર નથી. કારણ કે ગૃહ મંત્રાલયે બાળકોની ચોરી અને ગૂમ થવાનાં જે આંકડા રજૂ કર્યા છે તે પણ ચોંકાવનારા છે.
કેન્દ્રીય ગૃહ મંત્રાલયે જાહેર કરેલા આંકડા પ્રમાણે વર્ષ 2016માં 54 હજાર 723 બાળકોનું અપહરણ થયું પરંતુ માત્ર 40.4 ટકા કેસમાં જ પોલીસે તપાસ પૂર્ણ કરી છે અને તેમાંથી માત્ર 22.7 ટકા લોકોને જ સજા મળી છે. તો વર્ષ 2015માં 41893 બાળકોનું અપહરણ થયું. જ્યારે 2014માં 37854 બાળકો અપહરણનો શિકાર બન્યાં છે.
જો કે સરકારે 2017માં અપહરણ થયેલાં આ બાળકોની સંખ્યા જાહેર કરી નથી. પરંતુ એટલું તો સ્પષ્ટ છે કે દિવસેને દિવસે દેશમાં બાળકોનાં અપહરણની ઘટનામાં વધારો થઇ રહ્યો છે. ગુજરાત વિધાનસભામાં ફેબ્રુઆરી મહિનામાં રાજ્ય સરકારે જે આંકડા રજૂ કર્યા તે પણ ચિંતાજનક છે.
કારણ કે છેલ્લાં બે વર્ષમાં ગુજરાતમાંથી 4803 બાળકો ગૂમ થયાં છે કે જેમાં સુરતમાંથી 1256, અમદાવાદમાંથી 1241, વડોદરામાંથી 322 અને રાજકોટમાંથી 223 બાળકો ગૂમ થયાં છે. ગુજરાતનાં મુખ્ય ચાર શહેરોમાંથી જ 3042 બાળકો ગુમ થયાં છે.
એટલે જે રીતે બાળકો ગુમ થઇ રહ્યાં છે તેને લઇને લોકોમાં ચિંતા વધી છે અને ચિંતાની આ આગમાં સોશિયલ મીડિયા દ્વારા ફેલાતી અફવા ઘી હોમવાનું કામ કરે છે. દેશભરમાં આ બાળચોરીની શંકામાં ઘણી જગ્યાએ મારપીટ થઇ અને અત્યાર સુધીમાં 20થી વધુ નિર્દોષ લોકો જીવ ગુમાવી ચુક્યાં છે.