અડાજણની સ્કૂલમાં 3 વિદ્યાર્થીને કોરોના પોઝિટિવ આવતા ફફડાટ, 14 દિવસ માટે શાળા બંધ
અડાજણના હનીપાર્ક રોડ પર આવેલી એલ.પી.સવાણી સ્કૂલના ત્રણ વિદ્યાર્થીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા બપોર બાદ એક સપ્તાહ માટે સ્કૂલ બંધ કરાવી દેવામાં આવી હતી. આ સાથે મનપાના આરોગ્ય વિભાગ દ્વારા સ્કૂલના અન્ય વિદ્યાર્થીઓનો કોવિડ ટેસ્ટ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. એક પછી એક સ્કૂલના વિદ્યાર્થીઓ સંક્રમિત થઇ રહ્યા હોવાથી મનપાની ચિંતામાં વધારો થયો છે.
કોરોનાની બીજી લહેર બાદ પોઝિટિવ કેસોની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થતા તબક્કાવાર સ્કૂલ, કોલેજ શરૂ કરવાની પરવાનગી આપવામાં આવી હતી. કોરોનાની કહેવાતી ત્રીજી લહેર વચ્ચે છેલ્લા કેટલાક સમયથી સ્કૂલના વિદ્યાર્થીઓનો રિપોર્ટ પોઝિટિવ આવી રહ્યો હોવાથી મનપાની મુશ્કેલીમાં વધારો થયો છે. થોડા દિવસ પૂર્વે લિંબાયત, કતારગામ અને રાંદેર ઝોનની સ્કૂલોમાંથી પોઝિટિવ કેસ મળી આવતા મનપા દ્વારા સ્કૂલ બંધ કરાવી દેવામાં આવી હતી.
અડાજણના હનીપાર્ક રોડ પર આવેલા એલ.પી. સવાણી સ્કૂલમાં ધોરણ 11 સાયન્સમાં અભ્યાસ કરતી એક વિદ્યાર્થિનીનો રીપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તપાસ દરમિયાન અન્ય બે વિદ્યાર્થીનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હતો. એક સ્કૂલમાં અભ્યાસ કરતા ત્રણ વિદ્યાર્થીનો રિપોર્ટ પોઝિટિવ આવતા રાંદેર ઝોનના નાયબ આરોગ્ય અધિકારી કેતન ગરાસીયા ટીમ સાથે સ્થળ પર દોડી આવ્યા હતા અને સ્થતિનો તાગ મેળવ્યો હતો. આ સાથે સલામતીના ભાગરૂપે એક સપ્તાહ માટે સ્કૂલ બંધ પણ કરી દેવામાં આવી હતી.
એક તરફ સ્કૂલમાં પરીક્ષા ચાલતી હોય બીજી તરફ કોરોનાને પગલે સ્કૂલ બંધ કરી દેવાતા વાલીઓ ચિંતામાં મુકાયા છે. એલપી સવાણી સ્કૂલમાં અભ્યાસ કરતા જે વિદ્યાર્થીઓનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોય તેઓ રાંદેર ઝોનના પાલ અને અડાજણ વિસ્તારમાં વસવાટ કરે છે. મનપા દ્વારા ટેસ્ટિંગની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ વિદ્યાર્થીઓની કોઇ ટ્રાવેલિંગ હિસ્ટ્રી ન હોવાનું તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે.