વેક્સિન નહીં તો પ્રવેશ નહીં: ગુજરાતના આ શહેરના શોપિંગ મોલ, થિયેટરો, કલબ, કોમર્શિયલ કોમ્પલેક્ષ, ધાર્મિક સ્થળો સહિત પર વેક્સિન વગરનાને નો-એન્ટ્રી
અમદાવાદમાં હવે શોપિંગ મોલ, થિયેટરો, કલબ,કોમર્શિયલ કોમ્પલેક્ષ, પાર્ટીપ્લોટ, ધાર્મિક સ્થળો,પર્યટન સ્થળો અને મોટી સોસાયટીઓમાં વેક્સિનેશન વગર પ્રવેશ મળશે નહી. મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગે આજે જાહેર કર્યું છે કે, આવા સ્થળોએ જે પણ વ્યક્તિએ બંને ડોઝ અથવા પહેલો ડોઝ લીધેલો હશે તો જ પ્રવેશ મળશે. બીજા ડોઝ લેવાની તારીખ પૂર્ણ થઈ ગઈ હશે છતાં જો વેકસીન નહિ લીધી હોય તો પ્રવેશ નહિ મળે.
અમદાવાદ શહેરના નાગરિકોને કોવિડ-19 રોગથી રક્ષણ મળે તે માટે મોટાપાયે વેક્સિનેશનની કામગીરી ચાલી રહી છે. જે અંતર્ગત અમદાવાદ શહેરમાં અત્યાર સુધીમાં કુલ 66,84,515 લોકોને ડોઝ આપવામાં આવ્યા છે. જેમા 44,79,779 લોકોએ પ્રથમ ડોઝ જ્યારે 22,04,736 લોકોએ બંને ડોઝ લીધા છે. એટલે કે શહેરમાં કોવિડ-19 વેક્સિનેશનનો પ્રથમ ડોઝ 97% નાગરિકોને અને બીજો ડોઝ 49% નાગરિકોને આપવામાં આવ્યા છે.
AMC દ્વારા અમલમાં મુકવામાં આવેલા નિર્ણય અનુસાર વેક્સિનેશન ઝુંબેશને વધુ વેગ મળી રહે તેમજ શહેરના તમામ નાગરિકોને 100% પ્રથમ ડોઝ મળી રહે તેને ધ્યાનમાં રાખીને શહેરના વિવિધ વિસ્તારમાં આવેલી પ્રાઈવેટ પ્રિમાઈસીસ જેવા કે, શોપિંગ મોલ, થિયેટરો, કલબ,કોમર્શિયલ કોમ્પલેક્ષ, પાર્ટીપ્લોટ, ધાર્મિક સ્થળો,પર્યટન સ્થળો પર એન્ટ્રી માટે વેક્સિનનો પ્રથમ અથવા બંને ડોઝ લેવા ફરજિયાત છે, એટલે વેક્સિન વગરના કોઈપણ વ્યક્તિને આ સ્થળો પર પ્રવેશ આપવામાં નહીં આવે.