ગાંધીનગરગુજરાત

જસ્ટિસ અરવિંદ કુમાર બન્યા ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ, રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે શપથ લેવડાવ્યા

જસ્ટિસ અરવિંદ કુમાર (Chief Justice Arvind Kumar) ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ બન્યા છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ગુજરાત વડી અદાલતના નવનિયુક્ત મુખ્ય ન્યાયમૂર્તિ જસ્ટિસ અરવિંદ કુમારને ગાંધીનગરમાં રાજભવન ખાતે હોદ્દાના શપથ લેવડાવ્યા હતા. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે જસ્ટિસ અરવિંદ કુમારને પુષ્પગુચ્છ અર્પણ કરી નવા પદભારની શુભેચ્છાઓ પાઠવી હતી. ગાંધીનગરમાં રાજભવન ખાતે આયોજિત આ શપથગ્રહણ સમારોહમાં વિધાનસભા અધ્યક્ષા ડૉ. નીમા બહેન આચાર્ય તેમજ ગુજરાત હાઇકોર્ટના ન્યાયમૂર્તિઓ, મુખ્યસચિવ પંકજ કુમાર તેમજ વરિષ્ઠ સચિવો અધિકારીઓ અને આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યપાલ, મુખ્યપ્રધાન તેમજ વિધાનસભા અધ્યક્ષાએ જસ્ટિસ અરવિંદ કુમારને પુષ્પગુચ્છ અર્પણ કરી નવા પદભારની શુભેચ્છાઓ પાઠવી હતી.

સુપ્રીમ કોર્ટના કોલેજીયમ દ્વારા કર્ણાટકના જસ્ટિસ અરવિંદ કુમારને ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ તરીકે નિમણૂંક આપવાની ભલામણ કેન્દ્રીય કાયદા મંત્રાલયને મોકલવામાં આવી હતી. આ ભલામણ સંદર્ભે કેન્દ્રીય કાયદા મંત્રાલયે નિર્ણય લીધો છે અને જસ્ટિસ અરવિંદ કુમારને ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે નિયુક્ત કરવામાં આવ્યાં હતા, ત્યારબાદ આજે 13 ઓક્ટોબરે તેમનો શપથગ્રહણ સમારોહ યોજાયો.

ગુજરાત હાઈકોર્ટના નવા મુખ્ય ન્યાયાધીશ અરવિંદ કુમારનો જન્મ 14 જુલાઈ 1962 ના રોજ થયેલો છે. ચીફ જસ્ટિસ અરવિંદ કુમાર કર્ણાટક હાઈકોર્ટમાં 26 જૂન , 2009 માં એડિશન જજ તરીકે નિયુક્ત પામ્યા હતા. આ પછી 07 ડિસેમ્બર 2012 ના રોજ તેમને કાયમી જજ તરીકે નિયુક્ત કરાયા હતા. જસ્ટિસ અરવિંદ કુમારે વર્ષ 1987 માં વકીલાત શરુ કરેલી. તેમણે કર્ણાટકની નીચલી અદાલત અને હાઈકોર્ટમાં વકીલાત કરેલી છે.

વર્ષ 1999 માં તેઓ કેન્દ્ર સરકારના એડિશનલ સ્ટેન્ડિંગ કાઉન્સેલ તરીકે નિમાયા હતા. વર્ષ 2005 માં તેમની નિમણૂંક આસિસ્ટન્ટ સોલિસિટર જનરલ તરીકે કરાઈ હતી. આ ઉપરાંત , તેમણે સીબીઆઈના ખાસ સરકારી વકીલ તરીકે પણ ફરજ નિભાવેલી છે. વિવિધ કોર્પોરેશન અને કંપનીના કાયદાકીય સલાહકાર તરીકે પણ તેમણે ફરજ નિભાવેલી છે. છેલ્લા 12 વર્ષથી કર્ણાટક હાઈકોર્ટમાં જસ્ટિસ તરીકે કાર્યરત રહ્યા.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x