ગાંધીનગરગુજરાત

ગાંધીનગર મનપા દ્વારા ભાજપના નેતાની સફાઈની એજન્સીને આપેલી 33 લાખની 132 સ્માર્ટ વોચ ગાયબ, રૂપિયા ભરવાનો કર્યો ઈન્કાર

ગાંધીનગર :
ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા આઉટ સોર્સીંગથી સફાઈનું કામ કરાવવામાં આવી રહયું છે ત્યારે બે ઝોનની સફાઈમાં ભાજપના જ નેતાની બે એજન્સીઓ કામ કરી રહી છે. સફાઈના સુદ્રઢતા આવે તે માટે આપવામાં આવેલી સ્માર્ટ વોચ પૈકી ૧૩ર સ્માર્ટ વોચ આ એજન્સીના કર્મચારીઓએ ગાયબ કરી દીધી છે જેને લઈ કોર્પોરેશનને એજન્સી પાસેથી ૩૩ લાખ ઉપરાંતની રકમ વસુલવા નોટિસ આપી હતી પરંતુ એજન્સીએ રૃપિયા ભરવાનો સ્પષ્ટ ઈન્કાર કરી દીધો છે. હાલ તો કોર્પોરેશન એજન્સી સામે પગલાં ભરતાં ખચકાઈ રહયું હોય તેમ લાગી રહયું છે.
રાજયના પાટનગર ગાંધીનગરમાં મહાનગરપાલિકા પાસે સફાઈની એકમાત્ર સૌથી મોટી જવાબદારી છે. કોર્પોરેશન દ્વારા સફાઈને બે ઝોનમાં વહેંચીને એબી અને ડીબી એન્ટરપ્રાઈઝ નામની બે એજન્સીઓને કામ આપવામાં આવ્યું છે. ભાજપના જ નેતાની આ એજન્સીને કામ આપવામાં આવતાં અગાઉ પણ આ મુદ્દો ચર્ચાનું કેન્દ્ર બન્યો હતો. ત્યારબાદ કોર્પોરેશન દ્વારા સફાઈમાં સુદ્રઢતા આવે અને એજન્સી પુરતાં કર્મચારીઓ રાખે છે કે નહીં તે જાણવા માટે એજન્સીના તમામ કર્મચારીઓને સ્માર્ટ વોચ પહેરવવાનો આદેશ આપવામાં આવ્યો હતો. કોર્પોરેશને ખરીદેલી ૪૦૦ જેટલી સ્માર્ટ વોચ આ કર્મચારીઓને આપવામાં આવી હતી. જો કે આ સ્માર્ટ વોચના કારણે એજન્સીની પોલ પકડાઈ જાય તેમ હોવાથી એજન્સી દ્વારા જ કર્મચારીઓ પાસે સ્માર્ટ વોચના મુદ્દે વિરોધ કરાવીને હડતાલ પાડવામાં આવી હતી. ત્યારે કોર્પોરેશનના સુત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે સફાઈનું કામ કરતી આ એજન્સીને આપવામાં આવેલી ૪૦૦ પૈકી ૧૩ર જેટલી સ્માર્ટ વોચ ગાયબ થઈ ગઈ છે. કોર્પોરેશને આ મામલે એજન્સીને નોટિસ ફટકારીને સ્માર્ટ વોચ પેટે ૩૩ લાખ ઉપરાંતની રકમ ભરવા માટે આદેશ આપ્યો છે એટલું જ નહીં એજન્સીએ સ્માર્ટ વોચની ડીપોઝીટ અગાઉ પણ ભરી નહોતી. ત્યારે હવે ભાજપના નેતાની આ એજન્સી ચૂંટાયેલી પાંખને સત્તારૃઢ થવાની રાહ જોઈ રહી છે અને ત્યારબાદ આ મામલો દબાવી દેવાનો પ્રયાસ કરવામાં આવશે. હાલ તો કોર્પોરેશને નોટિસ આપીને સંતોષ માન્યો છે પરંતુ એજન્સી સામે પગલાં ભરતાં કચવાટ અનુભવાઈ રહયો છે. ગાંધીનગરમાં સફાઈની એકજ એજન્સી પાસે કામ હોવાથી ટેન્ડરના નિયમ પ્રમાણે પણ કામ થઈ રહયું નથી તેમ છતાં કોર્પોરેશને હજુ સુધી આ એજન્સી સામે કોઈ આકરાં પગલાં ભર્યા નથી. ત્યારે હવે જોવાનું એ રહે છે કે કોર્પોરેશનના ખર્ચે ખરીદવામાં આવેલી લાખોની કિંમતની આ સ્માર્ટ વોચના રુપિયા વસુલવામાં આવે છે કે નહીં.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x