કચ્છનાં કુળદેવી મા આશાપુરાનાં માતાના મઢમાં 350 વર્ષમાં પ્રથમવાર કચ્છનાં મહારાણીએ ઝોળી ફેલાવીને પતરીવિધિ કરી
કચ્છનાં કુળદેવી મા આશાપુરાનું શ્રદ્ધાધામ માતાના મઢ બુધવારે વિવિધ ઐતિહાસિક ઘટનાક્રમનું સાક્ષી બન્યું હતું. 350 વર્ષમાં હવનાષ્ટમીએ સૌપ્રથમ વાર કચ્છ રાજવંશનાં મહારાણી પ્રીતિદેવીએ ઝોળી ફેલાવીને પતરીવિધિ સંપન્ન કરી હતી.
એટલું જ નહીં, જેનો સમયગાળો માના આશીર્વાદ સાથે સંકળાયેલો છે એવી પતરી ઝીલવાની વિધિ પણ માત્ર 3 મિનિટ 58 સેકન્ડમાં સંપન્ન થતાં ઇતિહાસ રચાયો હતો. માતાના મઢમાં પતરીવિધિના હક્ક બાબતે રોયલ ફેમિલીમાં 2009માં વિવાદ થતાં મામલો ન્યાયાલય સુધી પહોંચ્યો હતો.
અંતિમ મહારાવ પ્રાગમલજી (ત્રીજા)નું આ વર્ષે 28 મેના અવસાન થતાં અને તેમનો કોઇ સીધા વારસ (સંતાન) ન હોવાથી હવે પતરીવિધિ કોણ કરે એ મુદ્દે ભુજની અદાલતમાં કાનૂની જંગ મંડાયો હતો. 22 દિવસ પહેલાં જ કોર્ટે માતાજીની પૂજા-પતરીવિધિ એક મહિલા શા માટે કરી ન શકે એવી પ્રશ્નયુક્ત ટિપ્પણી કરી કોર્ટે સામેવાળાનો દાવો ફગાવ્યો હતો.
‘અનેક લોકોએ વિરોધ કર્યો, આખરે સત્યનો વિજય થયો’
મહારાણી પ્રીતિદેવીએ દિવ્ય ભાસ્કર સાથે કરેલી ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે આજે જ્યારે સ્ત્રી-પુરુષ વચ્ચે ભેદભાવ રહ્યો નથી તો માતાજીની આરાધનામાં કેમ રહે? ઘણા લોકોએ વિરોધ કર્યો હતો, પણ આખરે સત્યનો વિજય થયો છે. જ્યારે કોર્ટે તરફેણમાં ચુકાદો આપ્યો ત્યારે અમારા માટે ખુશીની વાત હતી. આ નારીશક્તિની જીત છે. આ ઐતિહાસિક નિર્ણય કચ્છના ખરા વિકાસની સાબિતી છે. માતાજીના આશીર્વાદ મારા પ્રદેશ પર રહે એવી પ્રાર્થના મેં મઢવાળી સમક્ષ કરી છે. ગણતરીની સેકંડોમાં જ માની પતરી મેં ઝીલી લીધી હતી. આવું પ્રથમ વખત બન્યું છે’.