કોંગ્રેસ સાથે છેડો ફાડીને પસ્તાયેલા કાર્યકરો માટે ‘ઘરવાપસી’ શરુ કરવામાં આવશે! : પરેશ ધાનાણી
ગાંધીનગર :
ગુજરાત વિધાનસભા ખાતે ગુજરાત વિધાનસભા વિરોધપક્ષના નેતાશ્રી પરેશ ધાનાણીએ પત્રકાર તથા મીડીયાના મિત્રોને સંબોધ્યા અને તેઓના પ્રશ્નોના જવાબ આપ્યા હતા.
શ્રી પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે, ૧૨૫ વર્ષથી એક વિચારધારા જેણે દેશને જોડવાનું કામ કર્યું, જેણે દેશને આઝાદી અપાવવાનું કામ કર્યું, જેણે દેશને દરેક પડકારોની સામે સંધર્ષની રાહે આગળ ધપાવવાનું કામ કર્યું એ કોંગ્રેસ પક્ષના પાયાના આગેવાનો, કાર્યકર્તાઓ સાથે પરામર્શમાં આવતા દિવસોની અંદર કોંગ્રેસ પક્ષમાં જેમણે વર્ષો સુધી યોગદાન આપ્યું હોય અને કોઈને કોઈ કારણોસર રાહ ભટક્યા હતા એવા મિત્રો જેમને પસ્તાવો થતો હોય અને આવતા દિવસોમાં ફરી પાછા કોંગ્રેસ પક્ષની વિચારધારાને સમર્થન આપીને કોંગ્રેસ પક્ષના સંગઠનમાં જોડાવા માંગતા હશે તો જિલ્લા અને તાલુકા સ્તરના આગેવાનો દરેક સંસદ અને વિધાનસભા સ્તરના મુખ્ય આગેવાનો સાથે પરામર્શમાં આવતા દિવસોમાં કોંગ્રેસ પક્ષમાંથી ભૂતકાળમાં વિમુખ થયેલા અને ભાજપથી પસ્તાઈને પાછા ધરે આવવા માંગતા દરેક આગેવાનો-કાર્યકર્તાઓ માટે અમે ‘ઘરવાપસી’નો કાર્યક્રમ શરૂ કરી રહ્યા છીએ. અમારા વિવિધ સ્તરના આગેવાન-કાર્યકરો આવા મિત્રો સાથે સંવાદ સ્થાપીને કોંગ્રેસ પક્ષની વિચારધારાને મજબુતી આપવા, દેશમાં લોકતંત્રનું પુનઃસ્થાપના કરાવવા, બંધારણનું રક્ષણ કરવા અને ભાજપને સબક શીખવાડવા માટે કોંગ્રેસ પક્ષના પ્લેટફોર્મ પર એમને આવકારવાના છે.
શ્રી ધાનાણીએ જણાવ્યું હતું કે, ગત અઠવાડિયે કોંગ્રેસ પક્ષના પ્રદેશ સ્તરીય શ્રેષ્ઠ નેતૃત્વએ ખૂબ ઊંડાણપૂર્વકની ચર્ચાઓ કરી અને ભાજપની નીતિ-રીતિઓથી નિષ્ફળતાથી નારાજ થઈ અને સત્તા પરિવર્તનમાં સમર્થન આપવા, આ દેશમાં લોકતંત્રને બચાવવા, બંધારણને રક્ષણ પૂラરું પાડવા માટે જે કોઈ મિત્રો સમર્થન આપવા માંગતા હશે તેવા કેટલાય પૂર્વ ધારાસભ્યશ્રીઓ, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાના વિવિધ સ્તરે ભૂતકાળમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ, સંગઠનના વિવિધ પદ અને સહકારી માળખામાં નેતૃત્વ કરતા ધણા મોટા ગજાના આગેવાનો કોંગ્રેસ પક્ષના વિવિધ આગેવાનોના સંપર્કમાં છે. સરકારની નિષ્ફળતાઓ અંગે પોતાની વ્યથાઓ ઠાલવી રહ્યા છે અને આવા બધા જ મિત્રોને ભવિષ્યમાં કોંગ્રેસ પક્ષના પ્લેટફોર્મ પર આવીને તમામ મોરચે નિષ્ફળ ગયેલ ભાજપને સબક શીખવાડવા માટે અમે આમંત્રણ પાઠવવાના છીએ.
શ્રી પરેશભાઈ ધાનાણીએ જણાવ્યું હતું કે, કુંવરજીભાઈ બાવળીયાને એક જ પ્રેસ કોન્ફરન્સમાં કોંગ્રેસમાંથી રાજીનામું અપાવવું, એની એ જ પ્રેસ કોન્ફરન્સમાં ભાજપનો ખેસ પહેરાવવો, એની એ જ પ્રેસ કોન્ફરન્સમાં કેબિનેટ ખાતાની ભેટ ધરવી એ મને લાગે છે કે ગુજરાતમાં ભાજપનું ખોખલાપણું પ્રજા સમક્ષ ખોખલું થયું છે. કુંવરજીભાઈએ ભાજપમાં જોડાઈને કોંગ્રેસને નુકસાન કર્યું તેના કરતા ભાજપમાં નારાજ લોકોને સરકાર વિરુદ્ધ સંગઠિત કરવામાં ખૂબ મોટું યોગદાન આપ્યું હોય તેમ હું જોઉં છું. આજ સુધી ભાજપમાં વિવિધ સ્તરે સરકારી નીતિ-રીતિઓ, કાર્યક્રમો અને પાયાના લોકોની અવગણનાથી કેટલાય લોકો નારાજ હતા, પરંતુ તેમની નારાજગીને કેન્દ્રિત કરવાનું-સંગઠિત કરવાનું કામ કુંવરજીભાઈએ ભાજપમાં જોડાઈ સીધા કેબિનેટ પદની ફાળવણીથી એ અવસર કોંગ્રેસ પક્ષને અને ગુજરાતની પ્રજા સામે પૂરો પાડયો છે. કુંવરજીભાઈનું જસદણના ધારાસભ્ય તરીકે રાજીનામું આપવું અને ફરી પાછા છ મહિનામાં ચૂંટાવાની અવધિ મુજબ આવતી ૩ જાન્યુઆરી, ૨૦૧૯ પહેલાં જસદણ વિધાનસભાની પેટા ચૂંટણી કરવી પડે. જસદણ વિધાનસભાની પેટા ચૂંટણીની સરકારે ત્વરિત જાહેરાત કરવી જોઈએ. મને વિશ્વાસ છે કે ગુજરાતની પ્રજા અને જસદણના મતદારોનો કુંવરજીભાઈએ જે દ્રોહ કર્યો છે, તેનાથી તેઓ મોટા માર્જીનથી ચૂંટણી હારવાના જ છે. ભાજપ કુંવરજીભાઈની હાર અને ભાજપની નિષ્ફળતાઓને છૂપાવવા માટે જસદણ વિધાનસભાની પેટાચૂંટણી, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢ વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓ અને દેશની લોકસભાની ચૂંટણીઓને કેલેન્ડર વર્ષ ૨૦૧૮માં વહેલીતકે પૂર્ણ કરી ભાજપની નુકસાનીને ઓછી કરવાનો પ્રયાસ કરી શકે એવું મારું માનવું છે. ૭ નવેમ્બરે દિવાળી અને ૨૨ નવેમ્બરે દેવદિવાળી છે એટલે હું વ્યક્તિગત રીતે માનું છું કે ૨૨ નવેમ્બર અને ૩૧ ડિસેમ્બર વચ્ચે જસદણની પેટા ચૂંટણી, રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢની વિધાનસભા અને દેશની લોકસભાની ચૂંટણીઓ સાથે થશે અને તેના માટે ગુજરાત કોંગ્રેસ આજથી જ તૈયાર છે.
કોંગ્રેસ પક્ષે એના પાયાના આગેવાનો, કાર્યકરો અને નેતાઓ સાથે ગયા અઠવાડીયે લોકસભાવાઈઝ પરામર્શ શરૂ કર્યો છે અને આવતા દિવસોમાં પાયાના કાર્યકર્તાઓની લાગણી-માંગણીને ધ્યાને લઈ રાષ્ટ્રીય નેતૃત્વ લોકસભામાં યોગ્ય ઉમેદવારોની પસંદગી કરશે.
ગાંધી અને સરદારના ગુજરાતમાં યુવાનોનું પ્રતિનિધિત્વ કરતા કોઈ વ્યક્તિ, વર્ગ કે સમૂહે આમરણાંત ઉપવાસ પર બેસવું પડે તે સરકારની નિષ્ફળતાને ઉજાગર કરે છે. આ સંવેદનહીન સરકાર લોકોની સમસ્યાઓથી મોઢું ફેરવી માત્ર સત્તાની ગલીયારીઓમાં ભય, ભ્રમ અને ભ્રષ્ટાચારથી શાસન ચલાવી રહી છે. સામાન્ય માણસની પીડાઓ વધી છે, સમસ્યાઓ વધી છે, પ્રશ્નો વધ્યા છે ત્યારે કોઈ વર્ગનું પ્રતિનિધિત્વ કરતા વ્યક્તિએ જો ઉપવાસ આંદોલન પર બેસવું પડે તે ભાજપ સરકાર માટે શરમજનક બાબત હશે અને આનો પ્રત્યુત્તર ગુજરાતની પ્રજા આવતા દિવસોમાં ચૂંટણીઓમાં સરકાર વિરોધી રોષ ઠાલવીને બતાવશે.
કોંગ્રેસ પક્ષની નીતિ-રીતિ-સિદ્ધાંતો સ્વયંસ્પષ્ટ છે. આ દેશમાંથી ગુલામીની જંજીરો તોડવા, અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદી અપાવવા, આ દેશમાં જાતિ, ભાષા, વર્ગ અને પ્રાંત વચ્ચે વહેંચાયેલા લોકોને જોડવામાં સંવિધાનના તાંતણે સ્વાભિમાનની યાત્રા આગળ ધપાવવા માટે કોંગ્રેસ પક્ષે હંમેશા નેતૃત્વ લીધું છે. આ લોકતંત્રની અંદર સંવિધાન એ જ ગીતા અને એ જ કુરાન છે ત્યારે દેશના સંવિધાન ઉપર જ્યારે સવાલો ઉભા થાય, દેશના સંવિધાનને તોડવાના સત્તામાં બેઠેલા લોકો દ્વારા પ્રયાસ થાય ત્યારે સંવિધાનથી મળેલા અધિકારોનું રક્ષણ કરવા કોઈ પણ વ્યક્તિ, વર્ગ કે સમૂહ એ અધિકારનું આંદોલન ઉભું કરશે તો કોંગ્રેસ પક્ષ જનસામાન્યના અધિકારના આંદોલનના સમર્થનમાં હશે તેમ અંતમાં શ્રી ધાનાણીએ જણાવ્યું હતું.