ગુજરાતના યુવા ક્રિકેટર અવી બારોટનું નિધન, 29 વર્ષની વયે દુનિયાને કહ્યું અલવિદા
સૌરાષ્ટ્રના પ્રખ્યાત રણજી ક્રિકેટર અવી બારોટનું નિધન થતા ક્રિકેટ જગતમાં શોક વ્યાપી ગયો છે. માત્ર 29 વર્ષની વયે અવીના નિધનથી SCA શોકમગ્ન બન્યુ છે. અવી બારોટ ગુજરાતી ક્રિકેટ જગતમાં સ્ફોટક વિકેટકીપર બેટ્સમેન તરીકે પોપ્યુલર હતા. તેમણે ગુજરાત તરફથી પોતાનું ક્રિકેટ કરિયર શરૂ કર્યુ હતું. અત્યાર સુધી તેમણે 38 ફસ્ટ ક્લાસ મેચ રમી હતી. તો હરિયાણા માટે પણ રણજી ટ્રોફીમાં પણ રમ્યા હતા. અવી વિકેટકિપર કમ બેટ્સમેન હતો. અવી બારોટ 2019-20ની સૌરાષ્ટ્રની રણજી વિજેતા ટીમનો સભ્ય હતો.
સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન દ્વારા આ અંગે સત્તાવાર માહિતી આપવામાં આવી છે. અવી બારોટનું માત્ર 29 વર્ષની વયે હાર્ટ એટેકથી મોત નિપજ્યુ છે. સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ જયદેવ શાહે માહિતી આપી હતી કે, ગઈકાલે 15 ઓક્ટોબરના રોજ અવી બારોટને હાર્ટ એટેક આવ્યો હતો. અવીના અકાળે અવાસનના સમાચાર ખરેખર દુ:ખદ સાથે આઘાતજનક છે.
અવી એક સારો ટીમપ્લેયર અને ક્રિકેટર હતો. તાજેતરમાં રમાયેલી તમામ ડોમેસ્ટિક મેચમાં તેનું પ્રદર્શન શાનદાર રહ્યુ હતું. અવી ખૂબ મળતાવડા સ્વભાવનો અને સારો માણસ હતો. સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન તેના અવસાનથી આઘાતમાં છે.