શુક્રવારથી સે.૧૨માં રાજપૂત ભવન ખાતે “હેપ્પી જીવન યોગ સેમિનાર”નું આયોજન
ગાંધીનગર :
હેપ્પી યૂથ ક્લબ અને શ્રી રાજપૂત સમાજ, ગાંધીનગર દ્વારા આગામી તા. ૨૨મી ઓક્ટોબર શુક્રવારથી તા. ૩૧મી ઓક્ટોબર સોમવાર સુધી દરરોજ સવારે ૬.૦૦ થી ૭.૩૦ કલાક દરમ્યાન સેક્ટર-૧૨માં શ્રી રાજપૂત સમાજ ભવન ખાતે વિના મૂલ્યે “હેપ્પી જીવન યોગ સેમિનાર”નું આયોજન કરવામાં આવ્યું છે. આ યોગ સેમિનારમાં ગાંધીનગરના યોગસેવક વિરમભાઇ આર્ય વિના મૂલ્યે યોગ-પ્રાણાયામ નિદર્શનની સેવા પૂરી પાડશે. “હેપ્પી જીવન યોગ સેમિનાર”માં ૧૫ વર્ષ થી ૬૦ વર્ષની વય મર્યાદા ધરાવતા યોગાર્થીઓને નિયત મર્યાદિત સંખ્યામાં વહેલા તે પહેલાના ધોરણે નોંધણી કરીને જ પ્રવેશ આપવામાં આવશે.
“હેપ્પી જીવન યોગ સેમિનાર” દરમ્યાન યોગ-પ્રાણાયામ ઉપરાંત હોમિયોપેથી-આયુર્વેદ જેવા ઉપયોગી વિષયો પર વિવિધ નિષ્ણાતો દ્વારા માર્ગદર્શન પણ પૂરું પાડવામાં આવશે. આ “જીવન યોગ સેમિનાર”માં ભાગ લેનારને પૂરતી યોગ્ય સુવિધા પૂરી પાડી શકાય તે માટે પોતાના નામની મોબાઈલ નંબર ૯૪૨૭૬૩૪૮૫૭ પર પોતાનનું નામ-વય-વિસ્તાર લખી મેસેજ કરી નોંધણી કરાવવી જરૂરી છે. નાગરિકોની સામુહિક રોગપ્રતિકારક શક્તિ વધે તે હેતુ કરવામાં આવેલા આયોજનમાં યોગાર્થીઓએ ફરજિયાત કોવિડ-૧૯ની ગાઈડલાઇનનું પાલન કરવા સાથે સોશિયલ ડિસ્ટન્સ જાળવવાનું રહેશે અને યોગ-પ્રાણાયામ માટે પોતાનું સ્થાન લેતા પહેલા અને યોગ-પ્રાણાયામ પત્યા પછી ફરજિયાત માસ્ક પહેરેલું રખવાનું રહેશે તેમજ દરેક યોગાર્થીએ પોતાનું પાથરણું સાથે લઈ આવવા અને સોશિયલ ડિસ્ટન્સ સાથે પહેલા દિવસે નિયત થયેલ પોતાની જગ્યા પર જ બાકીના તમામ દિવસો દરમ્યાન સમયસર આવી સ્થાન મેળવવાનું રહેશે તેવું આયોજકોએ જણાવ્યુ છે.