ચીનમાં કોરોનાના નવા કેસ નોંધાતાં ઘણી જગ્યાએ લોકડાઉન લગાવવામાં આવ્યું
ચીનમાં કોરોના વાઇરસ ફરી એકવાર સંક્રમણ ફેલાવી રહ્યો છે. ચીનમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા હોવાનું જણાઈ રહ્યું છે. એને કારણે ચીનની સરકાર પણ કડક બની છે અને સખત પગલાં લેવામાં આવ્યાં છે. અનેક ફ્લાઇટ્સ રદ કરવામાં આવી રહી છે, ઘણા વિસ્તારોમાં શાળાઓ બંધ કરવામાં આવી રહી છે તથા કેટલાંક સ્થળોએ ફરીથી લોકડાઉન લગાવવામાં આવ્યું છે. ચીનમાં કોરોના સંક્રમણ ફરી એકવાર બેકાબૂ થઈ ગયું છે.
ખાસ કરીને અહીંના ઉત્તર અને ઉત્તર-પશ્ચિમના નવ પ્રાંતમાં સતત પાંચ દિવસથી કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. આ કારણસર ચીન સરકારે અહીં સેંકડો ફ્લાઈટ રદ કરી દીધી છે. બાળકોની સુરક્ષા માટે સ્કૂલો અનિશ્ચિત મુદત સુધી બંધ કરી દેવાઈ છે અને લોકોને પણ બહુ જરૂરી ના હોય ત્યાં સુધી ઘરમાંથી બહાર નહીં નીકળવાની અપીલ કરાઈ છે. જોકે અહીં કેટલા નવા કેસ નોંધાઈ રહ્યા છે એ અંગે ચોક્કસ માહિતી જાહેર કરાઈ નથી.અહેવાલ છે કે વધતા જતા કેસોને કારણે શીઆન અને લેન્ઝોઉ વિસ્તારમાં 60 ટકા ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે મંગોલિયન ક્ષેત્રમાં વધી રહેલા કેસોને કારણે કોલસાની આયાત પર પણ અસર પડી શકે છે.
હવે ચીનમાં 24 કલાકમાં માત્ર 13 કેસ નોંધાયા છે, પરંતુ આ સખતાઈ એટલા માટે જોવા મળી રહી છે, કારણ કે ચીન સરકાર તેના દેશમાં કોરોનાનો એકપણ સક્રિય કેસ જોવા ઇચ્છતી નથી. આવા સંજોગોમાં એક કેસ આવતાંની સાથે પણ ગભરાટની સ્થિતિ ઊભી થાય છે. અનેક જગ્યાએ લોકડાઉન લગાવવામાં આવ્યું છે. ફ્લાઈટ ટ્રેકિંગ વેબસાઈટોના અહેવાલ પ્રમાણે, આ સિવાય ઉત્તર અને ઉત્તર-પશ્ચિમ ચીનનાં શહેરોને જોડતી અનેક ફ્લાઈટો રદ કરાઈ છે. બાળકોની સુરક્ષાને ધ્યાનમાં રાખી સ્કૂલો તેમજ મનોરંજન, પ્રવાસન સ્થળો પણ બંધ કરી દેવાયાં છે. ગાન્સુ પ્રાંતના અનેક વિસ્તારોમાં લોકોને કામ સિવાય બહાર નહીં નીકળવાની પણ સૂચના અપાઈ છે. આ ઉપરાંત અનેક રહેણાક વિસ્તારોમાં સ્થાનિક તંત્રે લૉકડાઉન લગાવી દીધું છે.