ગાંધીનગર

ગાંધીનગરમાં લિગ્નાઈટના વેપારી અને કૈલાસ કોર્પોરેશનના માલિક અરવિંદ ઠક્કરનું અપહરણ કરી 10 લાખની ખંડણી વસુલી

ગાંધીનગર :

ગાંધીનગરમાં લિગ્નાઈટના વેપારીને ધંધા અર્થે બોલાવી ગુપ્તીની અણીએ કારમાં અપહરણ કરી આંગડીયા પેઢીમાંથી રૂ. 10 લાખની ખંડણી લીધા પછી પોલીસને જાણ કરી તો જાનથી મારી નાખવાની ધમકી આપનાર ત્રણ ખંડણીખોરો વિરુદ્ધ ફરિયાદ દાખલ થતાં જ પેથાપુર પોલીસે ગણતરીના કલાકોમાં બે ખંડણીખોરોને ઝડપી લઈ કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.

ગાંધીનગરના સેકટર – 21 ખાતે રહેતા અરવિંદભાઈ ગીરધરલાલ ઠક્કર કૈલાસ કોર્પોરેશન નામથી લિગ્નાઇટ અને ટ્રાન્સપોર્ટનો ધંધો સરગાસણ પ્રમુખ ટેનજેન્ટમાં કરે છે. તેમજ કચ્છ ખાતેની ખાણોમાંથી લિગ્નાઈટ મંગાવી ગાંધીનગરનાં વેપારીઓને સપ્લાય કરે છે. છેલ્લા ઘણા સમયથી તેમની ઓફિસમાં વાવોલ સાર્થક સફલ-1 માં રહેતો યોગેશ બાબુભાઈ પ્રજાપતિ નોકરી કરતો હતો. પરંતુ ચાર મહિનાથી તેના મકાનનું કામ ચાલતું હોવાથી રજા પર હતો. આશરે ત્રણ વર્ષ અગાઉ યોગેશ સાથે તેના સમાજનો વિષ્ણુ બાબુભાઈ પ્રજાપતિ ઓફિસે આવતો જતો હતો. જેનાં કારણે અરવિંદભાઈને તેની સાથે ઓળખાણ થઈ હતી. ગત તા. 7મી ઓક્ટોબરના રોજ ફોન કરીને પુન્દ્રાસણમાં પ્લાસ્ટિકની ફેક્ટરીમાં લિગ્નાઈટની જરૂર હોવાની ટેલીફોનીક વાત અરવિંદભાઈને કરીને મિટિંગ કરવા કહ્યું હતું.

બાદમાં તા. 10મી ઓક્ટોબરના રોજ નક્કી થયા મુજબ અરવિંદભાઈ ક્રેટા કાર લઈને વાવોલ તુલસી બંગલો ખાતે ફેકટરીના ભાગીદાર સાથે મિટિંગ કરવા ગયા હતા. તે વખતે વાવોલ ચોકડી પર મહેશ ત્રિકમચંદ જસવાણી ગાડી લઈને તેના પરિવાર સાથે આવ્યો હતો. જેની સાથે વિષ્ણુ પ્રજાપતિ પણ હતો. જેને ફેકટરીના ભાગીદાર તરીકેની મહેશની ઓળખાણ આપી હતી. પરંતુ તેની સાથે પરિવાર હોવાથી મિટિંગ થઈ શકી ન હતી.

ત્યારે બે દિવસ પછી અરવિંદભાઈને મિટિંગ માટે પુન્દ્રાસણ બોલાવ્યા હતા. જ્યાં ચાર રસ્તાથી વિષ્ણુ તેમની ગાડીમાં બેસી ગયો હતો અને અહીંથી દોઢેક કિલો મીટર દૂર ફેક્ટરી છે તેવું જણાવી જલુંદ ગામની સીમમાં આવેલા ખેતરમાં લઈ ગયો હતો. ખેતરમાં અરવિંદભાઇએ જેવી કાર ઊભી રાખી કે તરત જ વિષ્ણુ પ્રજાપતિએ કારમાંથી ઉતરીને એકદમ અરવિંદભાઈને ફેંટ પકડીને ગુપ્તી પેટનાં ભાગે અડાડી દીધી હતી. અને રૂ. 20 લાખ આપવા ધમકી આપી હતી. જો કે અરવિંદભાઈએ પોતાની પાસે હાલમાં આટલી મોટી રકમ હોવાનું કહેતા વિષ્ણુએ અરવિંદભાઈને આંગડીયા પેઢી મારફતે પૈસા આપવાનું કહ્યું હતું. આથી અરવિંદભાઈએ સેકટર-3માં જનકભાઈ ઠક્કરને ફોન કરીને રૂ. 10 લાખ મહેશ જસવાણીને આપી દેવા કહ્યું હતું અને થોડીવારમાં મહેશ પેઢી પરથી દસ લાખ લઈ આવ્યો હતો.

ખંડણીની રકમ આવી જતાં વિષ્ણુ અરવિંદભાઈની કારમાં ગુપ્તી લઈને બેસી ગયો હતો અને તેમને લઈ મેઈન રોડ પર લઈ આવ્યો હતો. એ સમયે વિષ્ણુનો ભાઈ સુરેશ પ્રજાપતિ ગ્રે કલરની મારુતિ વાન લઈને સામે આવ્યો હતો અને પૈસા આવી ગયાં હોવાની વાત કરી હતી. બાદમાં વાવોલ ખાતે આવી અરવિંદભાઈને બીજા દસ લાખની વ્યવસ્થા બે દિવસમાં કરી રાખીને આ બાબતની જાણ પોલીસને કરી છે તો સમગ્ર પરિવારને પતાવી દેવાની ધમકીઓ આપી કારમાંથી ઉતરી રવાના થઈ ગયો હતો.

આ અંગે અરવિંદભાઈએ ફરિયાદ આપતાં પેથાપુર પોલીસ મથકના પીએસઆઇ એમ. એસ. રાણાએ અપહરણ, ખંડણી સહિતની કલમો હેઠળ ગુન્હો દાખલ કર્યો હતો અને ગણતરીના કલાકોમાં સુરેશ પ્રજાપતિ અને મહેશ જસવાણીને ઝડપી લીધા હતા. વધુમાં પીએસઆઇ રાણાએ જણાવ્યું હતું કે મુખ્ય સૂત્રધાર વિષ્ણુ પ્રજાપતિ નાસી ગયો છે. જે જમીન દલાલ છે. પરંતુ તેના ભાઈ સુરેશ અને મહેશને ઝડપી લઈ રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x