સુપરસ્ટાર પુનીત રાજકુમારનું જીમમાં વર્કઆઉટ દરમિયાન હૃદયરોગનો હુમલો આવ્યો
કન્નડ ફિલ્મના લોકપ્રિય સુપરસ્ટાર પુનીત રાજકુમારને વર્કઆઉટ દરમિયાન આજે, 29 ઓક્ટોબરના રોજ હાર્ટ અટેક આવ્યો હતો. 46 વર્ષીય પુનીત રાજકુમારને બેંગલુરુની વિક્રમ હોસ્પિટલના ICU (ઇન્ટેસિવ કેર યુનિટ) વોર્ડમાં એડમિટ કરવામાં આવ્યો હતો. જોકે, ડૉક્ટર્સ તેને બચાવી શક્યા નહોતા. પુનીત રાજકુમાર એક્સર્સાઇઝ કરતાં કરતાં પડી ગયો હતો.
તબિયત ઘણી જ નાજુક હતી
આજે સવારે 11.30એ જ્યારે પુનીત રાજકુમારને હોસ્પિટલ લાવવામાં આવ્યો ત્યારે તેની હાલત ઘણી જ નાજુક હતી. હોસ્પિટલની બહાર ચાહકોની ભીડ ઉમટી પડી છે. ચાહકો ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા હતા.પુનીત રાજકુમારની સારવાર કરનાર ડૉક્ટર રંગનાથ નાયકે ન્યૂઝ એજન્સીને કહ્યું હતું, ‘પુનીત રાજકુમારને શુક્રવાર સવારે 11.30 વાગે છાતીમાં દુખાવો ઉપડ્યો હતો અને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યારે તેને હોસ્પિટલ લાવવામાં આવ્યો ત્યારે તેની હાલત ઘણી જ ખરાબ હતી.’
ચાઇલ્ડ એક્ટરથી કરિયર શરૂ કરી હતી
પુનીત રાજકુમાર લોકપ્રિય સુપરસ્ટાર રાજકુમારનો દીકરો હતો. તેણે પોતાની કરિયરની શરૂઆત ચાઇલ્ડ આર્ટિસ્ટ તરીકે 1985માં ફિલ્મ ‘બેટ્ટાડા હોવુ’થી કરી હતી. આ ફિલ્મ માટે પુનીતને ચાઇલ્ડ આર્ટિસ્ટનો નેશનલ ફિલ્મ અવોર્ડ મળ્યો હતો.